અગ્નિશામક દળના ૧૦૮૦ જવાનો કોરોના સામે સુરતવાસીઓનું રક્ષાકવચ બન્યાં

0
78

રજા લીધા રાઉન્ડ ધ કલોક ફરજ નિભાવતા ફાયર ફાઈટર્સ બન્યાં કોરોના ફાઈટર્સ:

૩૪ જવાનો કોરોના સંક્રમિત થયા: ૩૧ જવાનો કોરોનાને હરાવી પુન: ફરજમાં જોડાયા

આજ સુધી શહેરમાં ૨.૧૧ લાખ સ્થળોએ ડિસઈન્ફેક્શન કર્યું

સુરત:સોમવાર: દેશમાં માર્ચ મહિનાથી ચાલી રહેલી કોરોના કટોકટીમાં તંત્ર અને જનતાના સામૂહિક પ્રયત્નોથી કોરોના સામેની લડાઇ વધુ મજબુત બની છે. સામુહિક સંકલ્પશક્તિના કારણે રાજયમાં કોરોનાનો મૃત્યુ દર ખુબ ઓછો છે. જેના પાયામાં પડદા પાછળ અનેક વિભાગોના કર્મચારીઓનું આગવું પ્રદાન રહ્યું છે.
સુરતમાં કોરોનાના પ્રારંભકાળથી જ સુરત મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમના ૧૦૮૦ ફાયર જવાનો ૨૪ કલાક ફરજ પર તૈનાત છે. ફાયરની સેવાની સાથોસાથ શહેરના મહત્તમ સ્થળોને ડિસઇન્ફેક્શન કરવાની કામગીરી પણ સુપેરે નિભાવી રહ્યાં છે. ૩૪ જવાનો લોકોની સેવા કરતાં કરતાં ખુદ સંક્રમિત થયાં, પરંતુ સેવાની સરવાણી અટકવા દીધી નથી. શહેરીજનોને કોઈ પણ ઇમરજન્સીમાં સેવા પૂરી પાડતા ફાયર ફાઇટર્સ જવાનોએ કોરોના ફાઇટર્સ બની શહેરને સુરક્ષિત રાખવાનું બીડું ઉઠાવ્યું છે.
સુરત ચીફ ફાયર ઓફિસરશ્રી બસંત પરીકે જણાવ્યું કે, ભારતમાં કોરોનાની શરૂઆતથી જ કોરોના જંગમાં સમર્પિત ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મી, પોલીસકર્મીઓની સાથે સુરતના ૧૬ ફાયર સ્ટેશનના ૧૦૮૦ ફાયર જવાનો ૫૦-૫૦ ની ટીમ બનાવી કોરોના સંક્રમણ અટકાવવા વિવિધ વિસ્તારોમાં ડીસઇન્ફેકશનની કામગીરી શરૂ કરી હતી. ૨૩ ફાયર ગાડીઓ મારફતે છેલ્લા છ મહિનામાં કુલ ૨ લાખ ૧૧ હજારથી વધુ સ્થળોએ સેનિટાઈઝેશન પમ્પ દ્વારા ડિસઈન્ફેક્શન કરવામાં આવ્યું. જેમાં કોવિડ-૧૯ હોસ્પિટલો, હેલ્થ સેન્ટર, રેલ્વે સ્ટેશન, એસટી બસ ડેપો, શહેરની તમામ સરકારી તેમજ પ્રાઈવેટ બેન્કો, સ્મશાનગૃહ, રોડ રસ્તાઓ, ક્વોરન્ટાઈન થયેલ વ્યક્તિઓના ઘર, કન્ટેન્ટમેન્ટ ઝોન, મહાનગરપાલિકાની ઝોન ઓફિસ, સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશન, કોવિડ-૧૯ના હોટસ્પોટ વિસ્તારમાં ડિસઈન્ફેક્શન કરવામાં આવ્યું છે.
શ્રી પરીકે વધુમાં જણાવ્યું કે, ડિસઇન્ફેક્શન માટે અત્યાધુનિક નવા ૧૬ સ્પ્રેયર પમ્પ ખરીદી યુદ્ધના ધોરણે સોડિયમ હાઈપોક્લોરાઈડ સહિતના કેમિકલનો છંટકાવ કર્યો હતો. આ કામગીરી દરમિયાન ૩૪ ફાયર જવાનો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા અને ૩૧ જવાનોએ સારવાર લઈ કોરોનાને મ્હાત આપીને પોતાની ફરજ પર પરત ફર્યા છે. જ્યારે અન્યની સારવાર ચાલી રહી છે. સાથોસાથ દક્ષિણ ગુજરાતના ભરૂચથી લઈને વાપી સુધીના વિસ્તાર માટે રાજ્ય સરકાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કામરેજના નવાગામ ખાતે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેથી ઈમરજન્સીના સમયમાં ૨૪x૭ કલાક લોકોની સેવામાં કાર્યરત રહીએ છીએ.
સુરત મહાનગરપાલિકાની ચાર એમ્બ્યુલન્સ અને સાત ડેડ બોડી વેનમાં ૨૪ કલાક માટે સુરત ફાયર બ્રિગેડના જવાનો તૈનાત હતા. સાથે સિવિલ, સ્મીમેર અને પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના પાર્થિવ શરીરને ડિસઈન્ફેક્ટ કરી કોવિડની ગાઈડલાઈન મુજબ સ્મશાનગૃહ અથવા કબ્રસ્તાનમાં યોગ્ય પદ્ધતિથી નિકાલ કરવાની કામગીરી સુરત ફાયર બ્રિગેડના જવાનોની ટીમે પોતાની શિરે લીધી હતી.
‘ફાયરનો યુનિફોર્મ પહેરી અને આગ અને આકસ્મિક દુર્ઘટનામાં કામગીરી બજાવતા ફાયર જવાનોએ કોરોનાની વિકટ સ્થિતિમાં પીપીઇકીટ પહેરીને ‘વેશ જુદો, પણ ઇરાદો એક’ મુજબ પ્રાધાન્ય આપ્યું છે.
કામરેજ ફાયર સેન્ટરમાં ફરજબદ્ધ ૫૫ વર્ષીય પ્રવિણભાઇ પટેલ જણાવે છે કે, ‘૨૮ વર્ષથી ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. કોરોનાકાળમાં રાતદિન ફરજના કારણે પરિવારજનો ચિંતા કરે છે. પરંતુ નકારાત્મક વિચારોને ત્યાગીને ‘સુરતની જનતા મારો પરિવાર છે, આ વિશાળ પરિવારની સેવા એ મારૂ કર્તવ્ય છે.’ એવા ભાવથી કામ કરીએ છીએ. કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં ડિસઈન્ફેક્શન અને કોરોના મૃતકના ડેડબોડીની અંતિમક્રિયા કરવાની કામગીરી કરતાં તા.૧૩ સપ્ટે.ના રોજ સ્વાસ્થ્ય બગડતા પાલનપુર જકતનાકા હેલ્થ સેન્ટર ખાતે તપાસ દરમિયાન કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો. જેથી મોરાભાગળની અંજલિ હોસ્પિટલમાં પાંચ દિવસ સારવાર લીધી હતી. ત્યારબાદ તબિયતમાં સુધારો થતાં હોમ આઇસોલેશનમાં સ્વસ્થ થઇને પુનઃ ફરજ પર હાજર થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
કોરોનાની શરૂઆતથી કાર્યરત અડાજણ,પાલનપુર જકાતનાકા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું કે, ‘ફાયર સ્ટેશનના જવાનો પણ તંત્ર સાથે મળી પોતાના જીવના જોખમે સેવાના હેતુ સાથે સતત કામ કરી રહ્યા છે. પાલનપુર વિસ્તારમાં ૪૯ ફાયર જવાનની ટીમમાં છ ફાયર જવાનો કોરોનાગ્રસ્ત થયા હતા. જેઓ કોરોને મ્હાત આપી ફરજ પર હાજર થઇ સુરત શહેરને કોરોનામુક્ત કરવામાં જોતરાઇ ગયા છે. કોરોના મહામારીની કામગીરી જનસેવાનું સંભારણું બની રહેશે એમ તેઓ કહે છ


કતારગામના ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર હિતેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘કતારગામ વિસ્તારમાં કોરોના વિક્ટ સ્વરૂપ લઇ રહ્યો હતો એવા સમયે ફાયરની ટીમના જવાનો દરેક સ્થળને સેનેટાઈઝ કરી રહ્યા હતા જેમાં ચાર માર્શલ જવાનો કોરોના પોઝિટીવ થયા. સારવાર લઈ કામગીરી પર ફરી જોડાતા અન્ય જવાનોમાં કામ કરવાનો ઉત્સાહ પણ વધ્યો.
મોરા ભાગળના સ્ટેશનના ફાયર ઓફિસર સૃષ્ટિ વનરાજ ધોબીએ જાણાવ્યું કે, ‘ફાયરના જવાનોએ બચાવની કામગીરીને નવા સ્વરૂપે શરૂ કરી છે. કોરોના સામેના જંગને ચેલેન્જ ગણી સ્વીકારી છે. કોરોનાન ડર રહયો નથી. પણ શહેરને જંતુમુકત કરવું એજ ધ્યેય રાખ્યું છે. સુરત કોરોનામુકત ના થાય ત્યાં સુધી ફરજમાં પીછેહઠ નહીં કરીએ.
આગવું યોગદાન આપી રહેલા આવા અનેક કોરોના ફાઈટર્સે રાત-દિવસ પરિવારની પરવા કર્યા વગર જનસેવામાં જોડાઇને સેવાધર્મ સાથે માનવતાના ધર્મને જોડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here