જંતુ રહિત કરવા માટે પારજાંબલી કિરણો ( અલ્ટ્રાવાયોલેટ રેઝ) છોડે છે
– કોલ્હાપુરના પ્રોફેસર અને તેની ટીમે તૈયાર કરેલો આ રોબો પારજાંબલી કિરણો છોડીને શૌચાલયો,મોલ,એરપોર્ટ અને નાની રૂમ પણ ચેપનાં જંતુથી સાફ કરી શકે છે
મહારાષ્ટ્રના કોલ્હાપુરની શિવાજી યુનિવર્સિટીના એક પ્રોફેસરે અને તેની ટીમે વિશિષ્ટ પ્રકારનો સેનીટાઇઝર રોબો બનાવ્યો છે. કોઇપણ સ્થળે માનવીની અવરજવર થતી હોવાની જાણકારી મળે કે તરત જ આ રોબો તે સ્થળને સ્વચ્છ કે જંતુ રહિત કરવા માટે પારજાંબલી કિરણો (અલ્ટ્રાવાયોલેટ રેઝ) છોડે છે.
આ રોબોનું નામ યુવી ૩૬૦ સેનીટાઇઝર મોડયુલ રોબો રાખવામાં આવ્યું છે.આ રોબોની કામગીરીનું નિદર્શન ગયા ગુરુવારે મહારાષ્ટ્રના હાયર એન્ડ ટેકનિકલ શિક્ષણ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન ઉદય સામંતની હાજરીમાં કરવામાં આવ્યું હતું. હાલ આ રોબો નાગપુરમાં છે.
આ રોબો કોઇપણ સ્થળે માનવીની હાજરી છે કે કેમ તે તપાસવા માટે આધુનિક સેન્સર્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ(કૃત્રિમ બુદ્ધિ)નો ઉપયોગ કરે છે. ઉપરાંત, તેમાં એન્ટિ કોલેજન સેન્સર્સનો પણ ઉપયોગ થયો છે. રોબોને તેની કામગીરી દરમિયાન કોઇપણ જાતનો અવરોધ નડે અને તેને કોઇપણ જાતનું નુકસાન ન થાય તે માટે આવાં એન્ટિ કોલેજન સેન્સર્સ ઉપયોગી બને છે.
આ રોબોની ડિઝાઇન પ્રોફેસર રાજેન્દ્ર સોંકવડે અને તેની ટીમના સભ્યો અનિકેત સોંકવડે, રત્નદીપ કાંબળે, પવન ખોબ્રાગડે અને સમીર રામટેકે વગેરેએ તૈયાર કરી છે.
પ્રાફેસર રાજેન્દ્ર સોંકવડેએ એવી માહિતી આપી હતી કે આ રોબો ૩૬૦ ડિગ્રી સ્કેનરનો ઉપયોગ કરીને કોઇપણ સ્થળને જંતુરહિત કરવા માટે તેનું માપ લઇ શકે છે.વળી,આ રોબો ચોક્કસ કેટલા સમયમાં તે જગ્યા જંતુ રહિત થઇ શકે છે તેની વિગતો પણ આપી શકે છે. ૨૦ કિલો વજનનો આ રોબો ફક્ત પાંચ મિનિટમાં નાની રૂમ( દસ બાય દસ)ને જંતુ મુક્ત કરી શકે છે.આટલું જ નહીં, આ રોબો કોરોનાના ચેપ સહિત અન્ય ચેપ અને બેક્ટેરિયાનો પણ નાશ કરી શકે છે.
આ રોબોની રચનામાં ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવેલી એન્ડ્રોઇડ એપ્લિકેશનની પણ મદદ લેવામાં આવી છે કે જેથી તે કોઇપણ જગ્યાએ કામગીરી કરી શકે. ઉપરાંત, આ રોબોનું સંચાલન અમુક અંતરેથી મોબાઇલ વાઇ ફાઇની મદદથી કરી પણ શકાય છે એવી માહિતી પ્રોફેસર રાજેન્દ્ર સોંકવડેએ આપી હતી.
આશ્ચર્યની બાબત તો એ પણ છે કે આ રોબાનું સંચાલન વિદેશમાંથી અને ઇન્ટરનેટ ઓફ થીંગ્ઝ ટેકનોલોજી દ્વારા પણ થઇ શકે છે. સાથોસાથ રોબાની કામગીરી સમજવા માટે તેમાં એલઇડીનો પણ ઉપયોગ થયો છે.ઉદાહરણરૂપે લીલા રંગની લાઇટ રોબોની હાલની સ્થિતિ સૂચવે અને લાલ રંગની લાઇટ હોય તો એવો સંકેત મળે છે કે રોબો યુવી -સી ટયુબ સાથે જે તે સ્થળને જંતુ મુક્ત કરવાની તૈયાર કરે છે.
આ રોબોની મહત્વની કામગીરી એ પણ છે કે તે જાહેર શૌચાલયો,કોવિડ-૧૯ના વોર્ડ્ઝ,વિશાળ મોલ,ખાનગી હોટેલ અને એરપોર્ટ સહિત અન્ય સ્થળોને પણ જંતુ રહિત કરી શકે છે.