અનોખી પરંપરા:વનપાલ છેલ્લા 13 વર્ષથી વૃક્ષોની પૂજાની કરીને નવા વર્ષની ઉજવણી કરે છે, રતનમહાલના જંગલમાં સાગેનના દુર્લભ વૃક્ષની પૂજા કરી

  0
  6
  • 2008માં નોકરીની શરૂઆતથી વન પાલ મુકેશભાઇ બારિયા દર વર્ષે નવા વર્ષની શરૂઆત વૃક્ષ પૂજાથી કરે છે
  • ઝાડ બિચારા કોની સાથે નવું વર્ષ ઊજવે? આપણી સાથે જ નેઃ મુકેશભાઈ બારિયા

  નવું વર્ષ ઉજવવાની નવી અને અનોખી પરંપરાઓ દરેક પંથકમાં જોવા મળે છે અને આ વિવિધતા નવા વર્ષના ઉત્સવને નવો ઓપ આપે છે. તેમાં પણ વન્ય જીવ સંરક્ષણ વિભાગ હેઠળના રતનમહાલ અભ્યારણ્યની કંજેઠા રેન્જમાં કાર્યરત વન પાલ એટલે કે ફોરેસ્ટર મુકેશ અરવિંદ બરિયાએ પોતાના પરીક્ષેત્ર વન અધિકારી રમેશભાઇ ચૌહાણ અને સાથી વન રક્ષકોની સાથે પવિત્ર સાગેનના વૃક્ષની પૂજા કરીને નવી અને નોખી રીતે નવું વર્ષ ઉજવ્યું હતી. આ પ્રતિબદ્ધ વન સેવકો એ જાણે કે, વૃક્ષ દેવતાને સૌથી પહેલા સાલ મુબારક પાઠવીને વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત કરીને વૃક્ષ દેવો ભવનો શુભ સંદેશ આપ્યો હતો.

  નોકરીના પહેલાં વર્ષથી જ નવા વર્ષની શરૂઆત વૃક્ષ પૂજાથી કરવાનો રિવાજ પાળ્યો
  મુકેશભાઈ સાવ અલગ વિચારધારા ધરાવતા વન કર્મયોગી છે. તેમણે જંગલ ખાતાની નોકરીની શરૂઆત વડોદરા જિલ્લાના વાઘોડિયાથી, વડોદરા વન વર્તુળ હેઠળ 2008માં કરી હતી. તેઓ ખુબ સૂચક શબ્દોમાં કહે છે કે, ઝાડ બિચારા કોની સાથે નવું વર્ષ ઊજવે? અમારી સાથે જ ને. અમે વન વિભાગવાળા જંગલ અને ઝાડોના સગા-વ્હાલા કહેવાઈએ. એટલે મેં નોકરીના પહેલાં વર્ષથી જ નવા વર્ષની શરૂઆત વૃક્ષ પૂજાથી કરવાનો રિવાજ પાળ્યો છે.

  સાગેનના વૃક્ષને પુષ્પ માળા ચઢાવીને અગરબત્તી કરીને શ્રીફળ વધેર્યું હતું

  સાગેનને પુષ્પ માળા ચઢાવી, અગરબત્તી કરીને શ્રીફળ વધેર્યું
  વાઘોડિયા પાસેના વેડપુર નજીક સાગના જ એક પ્રકારનું અને ખુબ જૂજ જોવા મળતું સાગેન વૃક્ષ છે. થડ પર ઝીણા વાળ જેવા તાંતણા ધરાવતું આ વૃક્ષ સેવનના ઝાડ જેવું જ પવિત્ર ગણાય છે. તે સમયે હું અને મારા બીટ ગાર્ડ સાથી નવા વર્ષે એ વૃક્ષની પૂજા કરતા અને થોડીવાર એ વૃક્ષ સાથે બેસી મૌન સંવાદ કરતા. તેનાથી ખુબ શાંતિ મળતી, ત્યારથી મેં આ પરંપરા પાળી છે. હાલમાં આ નવા સ્થળે બદલી થઈને આવ્યો છું. એટલે પરિક્ષેત્ર વન અધિકારી રમેશભાઇ ચૌહાણને વાત કરતા તેમણે સંમતિ આપી. તેઓ તથા સાથી મિત્રો વૃક્ષ પૂજામાં જોડાયા. અમે સાગેનને પુષ્પ માળા ચઢાવી, અગરબત્તી કરી, શ્રીફળ વધેર્યું અને આમ, વૃક્ષ દેવતાના પૂજન થી અમારા નવા વર્ષની શરૂઆત કરી છે.

  મારા ઉચ્ચ અધિકારીઓ અને સાથી કર્મચારીઓનો મને ખુબ સહયોગ મળ્યો
  તેઓ લાગણી ભીના શબ્દોમાં જણાવે છે કે, લોકો નવા વર્ષે પોતાના દુકાન ધંધાના સ્થળની, ધનની અને લક્ષ્મીની પૂજા કરે છે. વન કર્મી તરીકે અમારું ધન ગણો કે, લક્ષ્મી ગણો એ આ જંગલ અને વૃક્ષો છે. જંગલ અને ઝાડવા છે તો અમારી નોકરી છે અને રોજી રોટી છે. એટલે તેનો આભાર માનવા હું નવા વર્ષે વૃક્ષ પૂજા કરું છું. મને આનંદ છે કે મારા ઉચ્ચ અધિકારીઓ અને સાથી કર્મચારીઓનો મને ખુબ સહયોગ આ કામમાં મળી રહ્યો છે.

  2008માં નોકરીની શરૂઆતથી વન પાલ મુકેશભાઇ દર વર્ષે નવા વર્ષની શરૂઆત વૃક્ષ પૂજાથી કરે છે

  રતનમહાલની ટોચ પર પીપર ગોટા ગામની નજીક બિરાજતા રત્નેશ્વર મહાદેવની પૂજા કરી
  વૃક્ષ પૂજન પછી મુકેશભાઇ અને સાથીઓએ રતનમહાલની ટોચ પર પીપર ગોટા ગામની નજીક બિરાજતા રત્નેશ્વર મહાદેવની પૂજા કરી હતી. રમેશભાઈ ચૌહાણ જણાવે છે કે, આ મહાદેવ દાદાનો પુરાણોમાં ઉલ્લેખ છે અને છેક મધ્યપ્રદેશથી પગદંડી રસ્તે લોકો તેના દર્શન પૂજન કરવા આવે છે. વન્ય પ્રાણી વિભાગના મદદનીશ વન સંરક્ષક ડો.ધવલ ગઢવીએ આ પહેલને બિરદાવીને સૌને પ્રોત્સાહિત કર્યાં છે.

  દિપાવલીના તહેવારમાં ગોવર્ધન પૂજાનું આગવું મહત્વ
  પ્રકૃતિની, કુદરતની પૂજા દિપાવલીના તહેવારો સાથે આમ પણ સંકળાયેલી છે. આ તહેવાર દરમિયાન ગોવર્ધન પૂજાનું આગવું મહત્વ છે. ગોવર્ધન સ્વરૂપે પર્વત અને વન સંપદાની જ પૂજા કરવામાં આવે છે. ગૌ પૂજન પણ આ તહેવારમાં કરવામાં આવે છે, ત્યારે વન અને વૃક્ષની પૂજાની મુકેશભાઇની આ નાનકડી પહેલ પ્રશંસનીય અને પ્રેરક ગણાય.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here