- અમેરિકનો મૂંઝવણમાં, ટ્રમ્પનાં આદેશો વચ્ચે બાઈડેને પણ કામ શરૂ કર્યું
- ડોનાલ્ડ ટ્રમ્પના વર્તનથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને પણ ખતરો વધ્યો
અમેરિકન ચૂંટણી પરિણામોનું સસ્પેન્સ હજુ પણ ખતમ નથી થઈ રહ્યું. અમેરિકન ચૂંટણી પરિણામોમાં જો બાઈડેન ભલે અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ તરીકે પસંદ થઈ ગયા હોય, પરંતુ હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી. સૂત્રોના જણાવ્યાનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ તો બીજા કાર્યકાળ માટે શપથ ગ્રહણ સમારંભ પણ યોજવાની પણ તૈયારી કરી રહ્યા છે. એક અમેરિકન સમાચાર ચેનલમાં વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કાયલી મેકઈનેનીને પૂછાયું હતું કે, શું ટ્રમ્પ જો બાઈડેનના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે. તો તેમણે આ સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, ટ્રમ્પની યોજના એવી છે કે, તેઓ પોતાના જ શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થાય.
અમેરિકન ચૂંટણી અભિયાન વખતે કાયલી મેકઈનેની પ્રમુખ ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર હતા. ફોક્સ બિઝનેસ સમાચાર ચેનલના પ્રતિનિધિએ પણ મેકઈનેનીને પૂછ્યું કે, શું ટ્રમ્પ બિડેનના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે? ત્યારે પણ તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પ બીજી વાર પ્રમુખ બનશે અને બીજો કાર્યકાળ પણ તેમનો જ હશે. પ્રમુખપદની ચૂંટણીમાં થયેલી ગરબડોને લઈને કોર્ટ કેસ કરવા અમારું પહેલું પગલું છે અને જાન્યુઆરીમાં આયોજિત શપથ ગ્રહણ સમારંભ સુધી કાયદાકીય લડાઈને લગતા અનેક પગલાં હજુ બાકી છે.
પેન્સિલવેનિયા રાજ્યે ટ્રમ્પને ઝટકો આપ્યો હતો
બાઈડેને ટ્રમ્પને અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 46મા પ્રમુખ તરીકે પરાજિત કર્યા છે. જો બાઈડેનને પેન્સિલવેનિયાની જીત પછી અમેરિકાના નવા પ્રમુખ તરીકે જાહેર કરાયા હતા. પેન્સિલવેનિયા એ બેઠક છે, જે તેમને 270ના જાદુઈ આંકડા સુધી લઈ ગઈ હતી. જોકે, ટ્રમ્પે એ પછી પણ હાર સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.
અમેરિકનોની મૂંઝવણની સાથે રાષ્ટ્રીય સુરક્ષાને પણ ખતરો
ટ્રમ્પના અકડુ વલણના કારણે અમેરિકનો પણ મૂંઝવણમાં છે અને રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો પણ વધ્યો છે. નવનિયુક્ત પ્રમુખે ટ્રમ્પની નૌટંકીની અવગણના કરીને પ્રમુખ તરીકે કામ શરૂ કરી દીધું છે, પરંતુ ટ્રમ્પ પણ વિપક્ષ જેનો વિરોધ કરતું હતું તે નિર્ણયો ઝડપથી લઈ રહ્યા છે. તેમણે સુરક્ષા મંત્રીને પણ હટાવી દીધા છે અને તેમને વફાદાર ના હોય તે અધિકારીઓને પણ રજા આપી દીધી છે. ટ્રમ્પ જતા જતા કેટલાક આંતરરાષ્ટ્રીય કરાર રદ કરી શકે છે અને તેમના માટે જોખમી દસ્તાવેજો પણ નષ્ટ કરી શકે છે. ટ્રમ્પના કારણે સત્તા હસ્તાંતરણમાં મોડું થવાથી જોખમી સ્તરે પહોંચેલી કોરોના મહામારી સામે લડવામાં પણ બાઈડેનને મુશ્કેલી પડી શકે છે. અમેરિકાએ હજુ દસ અઠવાડિયા સુધી ટ્રમ્પની અરાજકતા સહન કરવી પડશે. એટલું જ નહીં, ટ્રમ્પના કારણે અમેરિકાએ દુનિયાભરમાં નીચાજોણું પણ થશે.