– ટ્રમ્પ જતા જતા ચીન સાથે લડી લેવાના મૂડમાં
– ચાઇનિઝ કમ્યુનિસ્ટ પાર્ટીના યુનાઇટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટના અભિયાનના પ્રચારકો સામે પ્રતિબંધ મૂકાશે
ટૂંક સમયમાં અમેરિકન પ્રમુખ પદેથી વિદાય લેનારા ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે લડી લેવાના મૂડમાં છે. ટ્રમ્પ વહીવટી તંત્રે ચીનની વિદેશી બાબતો સાથે સંકળાયેલા ચીનના અિધકારીઓ અને વ્યકિતઓ પર વિઝા પ્રતિબંધ મૂક્યા છે.
વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુનાઇટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા અભિયાનનો પ્રચાર કરનારા કે તેને અસર કરનારા ચાઇનિઝ કમ્યુનિસ્ટ પાર્ટીના અિધકારીઓ અને વ્યકિતઓ પર વિઝા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.
ચાઇનિઝ કમ્યુનિસ્ટ પાર્ટીના યુનાઇટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તે શારીરિક હિેસા, ચોરી, ગુપ્ત માહિતીની ચોરીની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું છે. તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે કે ઘરેલુ રાજકીય બાબતો, શૈક્ષણિક સ્વતંત્રતા, પર્સનલ પ્રાઇવેસી અને બિઝનેસ પ્રવૃત્તિઓમાં હસ્તક્ષેપ કરે છે.
પોમ્પિઓએ એક નિવેદનમાં કડક શબ્દોમાં જણાવ્યું હતું કે અમેરિકા આ પ્રકારના વિઝા પ્રતિબંધ મૂકવાનું ચાલુ રાખશે. તેમણે ચીનનું નામ લીધા વગર જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ કરનારનું અમેરિકામાં સ્વાગત કરી શકાય નહીં અને તેમના પર આ પ્રકારના પ્રતિબંધ ચાલુ રાખવામાં આવશે.
ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં પોમ્પિઓએ જણાવ્યું હતું કે અમેરિકા ચીનના વિદેશ વિભાગના લોકો પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કરશે. અમેરિકાના વિદેશ પ્રધાને તે સમયે જણાવ્યું હતું કે દક્ષિણ સમુદ્રમાં વિવાદિત આઉટપોસ્ટનાં નિર્માણ સાથે સંકળાયેલા લોકો પર વિઝા પ્રતિબંધ મૂકવામાં આવશે. અમેરિકાનો આરોપ છે કે યુનાઇટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટ બેઇજિંગની નીતિઓનો વિરોધ કરનારા લોકો સામે કુપ્રચાર કરે છે.