પ્રમુખ ટ્રમ્પની ભત્રીજીએ બળવાની શક્યતા વ્યક્ત કરતી ટ્વિટ કરી
– સોમવારે જ ટ્રમ્પે સંરક્ષણ મંત્રીની બદલી કરી હતી
અમેરિકી પ્રમુખની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે, પરંતુ ટ્રમ્પને ખુરશીનો એટલો બધો મોહ લાગ્યો છે કે એ પરિણામ સ્વિકારવા તૈયાર નથી. માટે હવે એવી શંકા સેવાઈ રહી છે કે ટ્રમ્પ ધરાર સત્તા પોતાના હાથમાં રાખવા ક્યાંક બળવાની તો તૈયારી નથી કરતાં ને! ટ્રમ્પનો માથાફરેલો સ્વભાવ જોતા એ કંઈ પણ કરી શકે એમ છે.
અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગોન તરીકે ઓળખાય છે. અમેરિકાના તમામ લશ્કરી આદેશો ત્યાંથી આવે છે. ટ્રમ્પે પેન્ટાગોનના નેતૃત્વમાં પરિવર્તન કરતાં હવે શંકા ઉભી થઈ રહી છે. સોમવારે જ ટ્રમ્પે અમેરિકી સંરક્ષણ મંત્રી (ડિફેન્સ સેક્રેટરી) માર્ક એસ્પરને તેમના પદ પરથી હટાવી પોતાના વફાદારને બેસાડી દીધા હતા.
હવે સંરક્ષણ મંત્રાલય (પેન્ટાગોન)ના એક પછી એક સિનિયર અધિકારીઓની બદલી થઈ રહી છે. ટ્રમ્પના વિશ્વાસુ અધિકારીઓ ખુરશી સંભાળી રહ્યા છે. હવે ટ્રમ્પ પાસે બે મહિના જેટલો જ સમય છે. એ સંજોગોમાં મોટેપાયેે ફેરબદલનો કોઈ અર્થ નથી. છતાં ટ્રમ્પ પરિવર્તન કરી રહ્યાં છે, એ તેનું વર્તન અનેક સવાલો ઉભા કરે છે.
ટ્રમ્પની ભત્રીજી મેરી ટ્રમ્પે એ ટ્વિટ કરી હતી કે વિજય તો બિડેનનો જ થયો છે, પરંતુ ટ્રમ્પ સત્તામાં રહેવા કંઈ પણ કરી શકે છે. તેઓ બળવાની તૈયારી કરી રહ્યા છે. ઓબામાને આતંકી કહેનારા લશ્કરી અધિકારી એન્થની ટાટાને પણ ટ્રમ્પે પ્રમોટ કરી દીધા છે. ગુજરાતી મૂળના કાશ પટેલને પણ ટ્રમ્પના નવા સંરક્ષણ મંત્રી ક્રિસ મિલરના ચીફ ઓફ સ્ટાફ બનાવાયા છે.
એ જાણીતી વાત છે કે પરિણામ આવ્યા પછીથી ટ્રમ્પ સતત એક જ રટણ કરી રહ્યા છે કે અમે જિત્યા છીએ પણ મતોની ગણતરીમાં ગરબડ થઈ છે. અમે જ અંતે તો જીતીશું વગેરે વગેર.. બીજી તરફ અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે વિવિધ રીતે તપાસ કર્યા પછી મતગણતરીમાં કોઈ ગરબડ થઈ હોવાનું જણાતુ નથી. ગરબડ થઈ તેવુ ટ્રમ્પ કહે છે, પણ એ માટે કોઈ અધારા પુરાવો રજૂ કરતા નથી.
અમેરિકા જગતની સૌથી જૂની લોકશાહી છે અને જગત માટેે ત્યાંની લોકશાહી સિસ્ટમ નમૂનારૂપ છે. પરંતુ હવે ટ્રમ્પ તેમાં કંઈક નવાજૂની કરવાના મૂડમાં જણાય છે. દેશ પર ધરાર શાસન કરવું હોય તો લશ્કરની મદદ જોઈએ. શું એટલા માટે જ ટ્રમ્પ પેન્ટાગોનમાં ફેરફાર કરી રહ્યાં છે? એવો સવાલ હવે વૈશ્વિક સ્તરે ઉભો થઈ રહ્યો છે.