મતદાન વધવાનું કારણ યુવાન મતદારો, મેલ-ઈન વોટ
ન્યૂયોર્ક, તા.6 નવેમ્બર 2020, શુક્રવાર
અમેરિકામાં ચૂંટણીમાં આ વખતે મતદારોએ જબરજસ્ત ઉત્સાહ દર્શાવ્યો છે. આ વખતે મતદાને 120 વર્ષનો વિક્રમ તોડી નાંખ્યો છે. અમેરિકાની ચૂંટણીમાં સરેરાશ 50થી 60 ટકા મતદાન થતું હોય છે. પરંતુ આ વખતે 66.9 ટકા મતદાન થયું હોવાનું અમેરિકન ઈલેક્શન પ્રોજેક્ટનો અંદાજ છે.
વર્ષ 2020 પહેલાં 1900માં સૌથી વધુ મતદાન થયું હતું, તે સમયે 73.7 ટકા લોકોએ મતદાન કર્યું હતું. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં યુએસ ઈલેક્શન પ્રોજેેક્ટના પ્રોફેસર માઈકલ મેકડોનાલ્ડનું કહેવું છે કે વર્તમાન ચૂંટણીની સરખામણી 1900 સાથે કરવી અયોગ્ય છે. તે સમયે મહિલાઓને મતદાનનો અિધકાર નહોતો. 2020માં વધુ મતદાનનું એક મહત્વનું કારણ યુવાન મતદારો અને મેલ-ઈન-વોટ છે.

ટફ્ટ્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઈન્ફર્મેશન એન્ડ રિસર્ચ ઓન સિવિલ લર્નિંગ એન્ડ એન્ગેજમેન્ટ મુજબ 18થી 29 વર્ષની વયના મતદારોની સંખ્યા વધુ હોવાથી મતદાન પર અસર થઈ છે. જેમ કે, ટેક્સાસમાં આ ચૂંટણીમાં યુવાન મતદારોનું યોગદાન 13.1 ટકા રહ્યું છે, જે અગાઉની ચૂંટણીમાં માત્ર 6 ટકા હતું. મિશિગનમાં આ ચૂંટણીમાં 9.4 ટકા યુવાન મતદારો હતા જ્યારે ગત ચૂંટણીમાં 2.5 ટકાએ મતદાન કર્યું હતું.
અમેરિકામાં હજુ પ્રમુખપદની ચૂંટણી માટે નંખાયેલા મતોની ગણતરી ચાલુ છે. આ વખતે 16 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું છે. મતદાનની ટકાવારી અંદાજે 67 ટકા જેટલી છે, જે એક સદીમાં સૌથી વધુ છે.
છેલ્લે 1900માં 73.7 ટકા લોકોએ મતદાન કર્યું હતું. તે સમયે વિલિયમ મેકેન્લી પ્રમુખ બન્યા હતા. ત્યાર પછી મતદાન 65.7 ટકાથી વધુ મતદાન થયું નથી. હિસ્ટ્રી.કોમના અહેવાલ મુજબ અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન 1972માં થયું હતું. 1828માં પહેલી વખત 50 ટકા મતદાન થયું હતું જ્યારે 1876માં 82.6 ટકા મતદાન થયું હતું.