અમેરિકી પ્રમુખ ટ્રમ્પને કોરોના થતાં વૈશ્વિક સોનામાં તીવ્ર ઉછાળો

0
75

– વૈશ્વિક બજારોમાં ઓચિંતો અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો

– ચાંદી પણ ઉંચકાઈ: વિશ્વબજારમાં ગોલ્ડ તથા ડોલરમાં ફંડોનું બાઈંગ: વૈશ્વિક શેરબજારોમાં ઘટાડો

(વાણિજય પ્રતિનિધિ) મુંબઈ, તા. 2 ઓક્ટોબર, 2020, શુક્રવાર

વિશ્વની સૌથી મોટી આર્થિક સત્તા તેમજ વિશ્વના જમાદાર ગણાતા અમેરિકામાં ચુંટણીઓ નજીક આવી છે તેવા સમયે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને કોરોના થતાં તથા તેમનો તથા તેમના પત્નીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતાં અમેરિકામાં ચુંટણીઓ પૂર્વે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે.

આવા માહોલમાં વિશ્વબજારમાં સોનામાં તેમજ ડોલરમાં ફંડોની સેફ હેવન સ્વરૂપની લેવાલી વધતાં વૈશ્વિક સ્તરે આજે સોનાના ભાવ  ઉછળ્યા હતા તથા ડોલરનો ઈન્ડેક્સ પણ ઊંચો જતો જોવા મળ્યો હતો. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં સોના- ચાંદીના ભાવ તહેવારો ટાંકણે ફરી ઉંચકાઈ આવ્યા હોવાનું ઝવેરીબજારના સૂત્રોએ જણાવ્યુ ંહતું.

વિશ્વબજારમાં સોનાના એક ઔંશદીઠ ભાવ 1900 ડોલરથી ઉછળી આજે ઉંચામાં 1915થી 1916 ડોલર સુધી પહોંચી ગયા હતા. જોકે ત્યારબાદ મોડી સાંજે ભાવ ફરી નીચા ઉતર્યાના નિર્દેશો મળ્યા હતા.

વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના વધી 24 ડોલર ઉપર ગયા પછી સાંજે ભાવ 23.93થી 23.94 ડોલર બોલાઈ રહ્યા હતા. સોનાના ભાવ મોડી સાંજે 1900થી 1901 ડોલર રહ્યા હતા. જ્યારે પ્લેટીનમના ભાવ 892થી 893 ડોલર તથા પેલેડીયમના ભાવ 2317થી 2318 ડોલર ઔંશદીઠ સાંજે બોલાઈ રહ્યાના સમાચાર મળ્યા હતા.

વિશ્વબજાર પાછળ અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામના રૂ.500 તથા ચાંદીના ભાવ કિલોના રૂ.500 ઉંચા બોલાઈ રહ્યા હતા.  મુંબઈ તેમજ કલકત્તા, દિલ્હી, ચેન્નાઈ બજારમાં પણ ભાવ ઉંચા ટ્રેડ થયા હતા. જોકે ગાંધી જયંતીની રજાના પગલે વિવિધ શહેરોની બજારમાં આજે વેપારો ધીમા રહ્યા હતા.

વિશ્વબજારમાં વર્તમાન સપ્તાહમાં સોનાના ભાવમાં નોંધાયેલી વૃધ્ધિ પાછલા બે મહિનાની સૌથી મોટી ભાવ વૃધ્ધિ ગણાઈ  રહી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

ટ્રમ્પ પછી હવે અમેરિકાના બીજા રાજકીય નેતાઓ જેઓ ટ્રમ્પના સંપર્કમાં રહ્યા છે તેમનો કોરોના ટેસ્ટ હવે કેવો આવે છે તેના પર હવે વિશ્વબજારના ખેલાડીઓની નજર રહી છે. દરમિયાન, ટ્રમ્પને કોરોના થયાના નિર્દેશો પાછળ અમેરિકા તથા યુરોપના શેરબજારો ગબડયા હતા. સામે ગોલ્ડ તથા ડોલર ઉંચકાયા હતા. આવા માહોલમાં વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવ આશરે પાંચ ટકા તૂટી ગયા હતા.

ક્રૂડતેલમાં આજે સાંજે ભાવ ગબડી બેરલના ન્યુયોર્ક ક્રૂડના 36.70થી 36.75 ડોલર બોલાયા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ગબડી 40 ડોલરની અંદર 38.95થી 39.00 ડોલર બોલાઈ ગયાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, અમેરિકામાં ચૂંટણીઓ પૂર્વે અનિશ્ચિતતા ઊભી થતાં હવે ટ્રમ્પ ચૂંટણી પ્રચારથી દૂર રહેશે એવા માહોલમાં ત્યાં તાજેતરમાં જે નવા વધારાના સ્ટીમ્યુલ્સ પેકેજની દરખાસ્ત મુકાઈ છે તેમાં હવે કેવી પ્રગતી થાય છે તેના પર પણ કરન્સી બજારની નજર મંડાયેલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here