- ઓસ્ટ્રેલિયન કંપનીનું નામ બદલવામાં લેટિન ભાષાના ઉપયોગથી અર્થનો અનર્થ થયો
ઓસ્ટ્રેલિયામાં ખાણકામને કારણે વારંવાર વિવાદમાં રહેલું અદાણી જૂથ આ વખતે અજીબોગરીબ કારણોસર ચર્ચામાં આવ્યું છે. જૂથે બ્રેવશ માઈનિંગ નામે એક નવી બ્રાન્ચ લોન્ચ કરીને ઓસ્ટ્રેલિયામાં પોતાની 10 વર્ષની હાજરીની ઉજવણી કરી પણ આ શબ્દનો ખોટો અર્થ થતો હોવાનું ધ્યાનમાં આવતા તેની ફજેતી થઈ છે.
ડેલી મેઇલના જણાવ્યા મુજબ વિવિધ શિક્ષણશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ લેટિન શબ્દ બ્રેવશનો અર્થ ખલનાયક, કુટિલ કે ધૂર્ત થાય છે. જ્યારે અદાણી જૂથ તેનો અર્થ બહાદુર અથવા સાહસિક સમજતું હતું. કંપનીના સીઈઓ ડેવિડ બોશૉફને લાગ્યું કે તેનો અર્થ સાહસી છે. તેમણે ઉમેર્યું કે આ નામ યોગ્ય એટલા માટે છે કે કંપની આજે જે સ્થાને પહોંચી છે તેમાં તેને અમુક સાહસ બતાવ્યું છે. પરંતુ લેટિનમાં તેનો અર્થ ધૂર્ત થાય છે.
કંપનીના પ્રવક્તાએ કહ્યું કે આ શબ્દ અંગ્રેજીના બ્રેવ અથવા તો બોલ્ડ પરથી લેવાયો છે અને તેમાં છેલ્લે અસ એટલે કે અમે શબ્દ જોડી દીધો છે. કંપનીના સમગ્ર ચારિત્ર્યને ધ્યાનમાં લઈ આ શબ્દ જોડાયો છે. 2014માં કંપનીએ કરમાઈકલ કોલ માઈન્સ પ્રોજેક્ટ માટે અદાણીના નામનો ઉપયોગ કર્યો હતો.
નિષ્ણાતોએ કહ્યું- તેમણે ફોર્ટિસ શબ્દનો ઉપયોગ કરવાની જરૂર હતી
ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના સેન્ટર ઓફ ક્લાસિકલ સ્ટડીઝના ડૉ. ક્રિસ્ટોફર બિશપ કહે છે કે શાસ્ત્રીય અથવા તો મધ્યયુગીન લેટિનમાં બ્રેવસનો અર્થ સાહસી નથી થતો. જો તેમણે બ્રેવ શબ્દનો ઉપયોગ કરવો હોય તો ફોર્ટિસ શબ્દના ઉપયોગ કરવાની જરૂર હતી. સિડની યુનિવર્સિટીના ડૉ. જુઆનીતા ફેરોસ પણ તેમની વાત સાથે સહમત છે. તેમણે કહ્યું કે અંગ્રેજીના બ્રેવ શબ્દ માટે લેટિનનો સૌથી સામાન્ય શબ્દ ફોર્ટિસ છે. તેનો અર્થ થાય છે સશક્ત થવું. મેલબોર્ન યુનિવર્સિટીના પ્રો. ટીમ પાર્કિંન કહે છે કે જૂથે ગૂગલ ટ્રાન્સલેશનના બદલે ક્લાસિકલ વિભાગનો સંપર્ક કરવાની જરૂર હતી.