અર્ધા ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 11 દિવસ વધુ રોકાયું

0
22

– દેશમાં 60 વર્ષે પ્રથમવાર સતત બે વર્ષ માંગ્યા મેહ વરસ્યા

– ચોમાસાના ચારેય  મહિના સામાન્યથી વધુ વરસાદ રહ્યો, હવે ગૃહ સફાઈ, કૃષિ અને વેપાર ધંધા ધમધમે તેવી આશા

– આરંભે નિસર્ગ વાવાઝોડાએ જોરદાર કીક મારતા દેશમાં ૧૨ દિવસ વહેલું ચોમાસું બેઠું

– તા.૯ના લો પ્રેશરની શક્યતાને લીધે દ.ગુજરાતમાં ઝાપટાંની પણ સૌરાષ્ટ્ર-કચ્છ સુકા રહેવા આગાહી

સૌરાષ્ટ્રમાં માંગ્યા મેહ અને ક્યાંક માંગ્યાથી વધારે મેહ વરસાવનાર નૈઋત્યના ચોમાસાએ આજે રાજકોટ સહિત અર્ધા ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી એટલે કે પોરબંદરથી વલ્લભવિદ્યાનગરની ઉત્તરે આવેલા અર્ધા રાજ્યમાંથી વિદાય લીધી છે. ચોમાસુ પાછુ ખેંચાવાની સામાન્ય તારીખ હવામાન ખાતાએ લંબાવીને ૨૫ સપ્ટેમ્બર કરી હતી તેમાં પણ આ વખતે મેઘરાજાએ ૧૧ દિવસ  વધુ મુકામ કર્યો છે.

દેશમાં ઈ.સ.૧૯૫૮ અને ઈ.સ.૧૯૫૯ના સતત બે વર્ષોએ ૧૧૦ અને ૧૧૪ ટકા વરસાદ (દેશી ભાષામાં સોળની જગ્યાએ સત્તર-અઢાર આની વરસાદ) વરસાવ્યો હતો. આવો સંયોગ દેશમાં ૬૦ વર્ષ બાદ સર્જાયો છે. ગત વર્ષ ઈ.૨૦૧૯માં ૧૧૦ ટકા અને આ વર્ષે ૧૦૯ ટકા વરસાદ વરસ્યો છે. ભારતમાં ૧૯૬૧થી ૨૦૧૦ની સરેરાશ મૂજબ સામાન્ય વરસાદ ૮૮૦ મિ.મિ. ગણાય છે તેમાં ૯ ટકા વધુ વરસાદ એકંદરે થયો છે પરંતુ, સૌરાષ્ટ્રમાં તો આ વરસાદ ૧૨૯ ટકા વધુ પડયો છે જે પશ્ચિમ ભારતમાં સૌથી વધારે છે. 

ત્રીસ વર્ષમાં આ ત્રીજુ વર્ષ એવું છે કે સામાન્ય કરતા નોંધપાત્ર વધુ વરસાદ  વરસ્યો છે, ઈ.સ.૧૯૯૪માં ૧૧૨ ટકા વરસાદ પછી આટલો સારો વરસાદ ૨૦૧૯ સુધી વરસ્યો નથી. આ સારા ચોમાસાની શરુઆત કરનાર, નૈઋત્યના ચોમાસાને દેશમાં જોરદાર કીક મારનાર માટે યશભાગી છે ચોમાસાના આરંભે આવેલ ‘નિસર્ગ ‘ વાવાઝોડુ.  સારા ચોમાસાના કારણે હાલ ગુજરાત ભરના વન-વગડામાં નિસર્ગ અર્થાત્ પ્રકૃતિ સોળે કળાએ ખિલી ઉઠી છે. હવામાન ખાતાના સૂત્રો અનુસાર નિસર્ગથી ચોમાસાની સારી શરુઆત થઈ અને સામાન્ય આખા દેશને ૮ જૂલાઈએ આવરી લેતા ચોમાસાએ આ વર્ષે ૨૬ જૂનના જ આવરી લીધું હતું.

દેશમાં ચોમાસાનું  આગમન કેરલથી તા.૧ જૂનથી થયું અને તેની વિદાય રાજસ્થાન-ગુજરાતથી થતી હોય છે. હવે ચોમાસાની વિદાય ક્રમશઃ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરલ તરફ આગળ વધશે. 

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આગામી ચારદિવસ સુકા હવામાનની આગાહી છે જેના પગલે હવે ઘરે ઘરે ગૃહ સફાઈ, ગૃહ સજાવટ સહિતના કાર્ય શરુ થશે તો બીજી તરફ કૃષિપેદાશોના કરોડો રૂ।.ના સોદા થશે અને બજારમાં પણ હવે રંગત જોવા મળશે તેવી આશા છે.  તો બીજી તરફ ગુજરાતમાં અત્યંત બિસ્માર બની ગયેલા નાની શેરી-ગલીથી માંડીને નેશનલ હાઈવે સુધીના માર્ગોની મરમ્મત સહિતના બાંધકામોનો પણ ધમધમાટ થશે. 

જો કે, આગામી તા.૯ ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ફરી લો પ્રેસર સર્જાવાની શક્યતા છે તેમજ અન્ય પરિબળોના પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં હળવા ભારે વરસાદી ઝાપટાંની તા.૧૦ના શક્યતા છે પરતુ, તે સિવાયના ગુજરાત, સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ હવામાન સુકુ રહેશે તેમ જણાવાયું છે.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here