આજથી ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો પ્રારંભ

0
55

– આઠ દિવસ દરમિયાન ઉમેદવાર ફોર્મ ભરી શકશે

– ગઢડા બેઠકની પેટા ચૂંટણી માટેનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરાશે

– ચૂંટણી શાખામાંથી ઉમેદવારો ફોર્મ મેળવી શકશે અને ભરી શકશે


વિધાનસભાની ખાલી પડેલ બેઠક માટે પેટા ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે ત્યારે આવતીકાલ શુક્રવારથી ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે. ઉમેદવારો આઠ દિવસ દરમિયાન ગમે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ચૂંટણી શાખામાંથી ઉમેદવારો ફોર્મ મેળવી શકશે અને ફોર્મ ભરી શકશે તેમ જાણવા મળેલ છે. ગઢડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી લડવા ઘણા રાજકીય અગ્રણી ઉત્સાહીત હોવાનુ જાણવા મળેલ છે. 

બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભા બેઠક પરથી કેટલાક માસ પૂર્વે કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મારૂએ રાજીનામુ આપી દીધુ હતુ તેથી આ બેઠક ખાલી છે. ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી આગામી તા. ૩ નવેમ્બર ર૦ર૦ના રોજ યોજાશે. આ પેટા ચૂંટણી માટે આવતીકાલ તા. ૯ ઓકટોબરને શુક્રવારે જાહેરનામુ પ્રસિધ્ધ થશે અને ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે. ચૂંટણી શાખામાંથી ઉમેદવારોને ફોર્મ મળશે તેથી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો ફોર્મ મેળવી શકશે. શરૂઆતના થોડા દિવસો ઉમેદવારો ફોર્મ લઈ જશે અને અંતિમ દિવસોમાં ફોર્મ ભરશે તેમ ચર્ચાય રહ્યુ છે. આગામી તા. ૧૬ ઓકટોબરે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે અને આગામી તા. ૧૭ ઓકટોબરે ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવશે. આગામી તા. ૧૯ ઓકટોબરે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે તેથી આ દિવસે ઉમેદવારનુ ચિત્ર સ્પષ્ટ થશે. પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસે હજુ સત્તાવાર ઉમેદવારના નામની જાહેરાત કરી નથી ત્યારે બંને પક્ષ કયાં ઉમેદવારને ટીકીટ આપશે ? તે જોવુ જ રહ્યું. 

રાજકીય પક્ષો ઉમેદવારના નામ જાહેર કરશે ત્યારબાદ રાજકીય માહોલ જામશે. પેટા ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ એડીચોટીનુ જોર લગાવશે તેથી ચૂંટણી જંગ ખરાખરીનો બની રહેશે તેમ જણાય રહ્યુ છે. પેટા ચૂંટણીને લઈ સરકારી તંત્ર પણ કામગીરીમાં લાગી ગયુ છે અને જુદા જુદા અધિકારી-કર્મચારીઓને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થતા ચૂંટણી શાખામાં કામગીરીનો ધમધમાટ વધશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here