આજે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કિંગ્સ ઈલેવન પંજાબને જીતની આશા

0
75

– પોઈન્ટ ટેબલમાં હૈદરાબાદ છઠ્ઠા અને પંજાબ આઠમા ક્રમે છે

– સાંજે ૭ઃ૩૦ વાગ્યાથી મેચ : ભુવનેશ્વરની ગેરહાજરીથી વોર્નરની ટીમ ચિંતિત

આઇપીએલની સિઝનની નિરાશાજનક શરૃઆત કરનારી સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબની ટીમો આવતીકાલે આમને-સામને ટકરાશે. હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે, તો પંજાબ છેક છેલ્લા અને આઠમા ક્રમે છે. આઇપીએલ-૨૦૨૦ ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે પોઈન્ટ ટેબલમાં તળિયે રહેલી ટીમોએ સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે આર યા પારની લડાઈ લડવી પડશે.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે આવતીકાલે સાંજે ૭ઃ૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. કોચ અનિલ કુમ્બલે અને યુવા કેપ્ટન રાહુલની આગેવાની હેઠળની ટીમે આઇપીએલની શરૃઆતની મેચોમાં તો જબરજસ્ત જુસ્સો દેખાડતાં ટોપ ફોરમાં પ્રવેશવાનો આત્મવિશ્વાસ બતાવ્યો હતો. જોકે ત્યાર બાદ હારના સિલસિલાના કારણે તેઓ બેકફૂટ પર ધકેલાયા છે.

રાહુલ અને અગ્રવાલની સાથે મેક્સવેલ, ગેલ, મીલર જેવા ખેલાડીઓ પંજાબની ટીમમાં છે. રાહુલ એક સદી અને બે અડધી સદી ફટકારી ચૂક્યો છે. જ્યારે અગ્રવાલે પણ એક સદી અને અડધી સદી નોંધાવી છે.પૂરણે પણ ચમકારો દેખાડયો છે. જોકે મેક્સવેલનું બેટ હજુ મૌન જોવા મળ્યું છે.

પંજાબની સમસ્યા તેના બોલિંગ આક્રમણમાં છે. શમી સિવાયનો કોઈ બોલર ડેથ ઓવરમાં વિકેટ ઝડપી શક્યો નથી. રાજસ્થાન સામે ૨૨૩નો સ્કોર પણ બચાવી ન શકનારા પંજાબનો ચેન્નાઈ સામે ૧૦ વિકેટથી નાલેશીભર્યો પરાજય થયો હતો. હવે વોર્નર, વિલિયમસન, મનીષ પાંડે, બેરસ્ટો જેવા ધુરંધરો ધરાવતી હૈદરાબાદની ટીમ સામે પંજાબને તેની જ નબળી બોલિંગ ભારે પડી શકે તેમ છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં સુધારાની જરુર છે.

બીજી તરફ હૈદરાબાદની ટીમ પણ બોલરોના દેખાવથી પરેશાન રહી છે, તેમાંય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની ગેરહાજરી પડયા પર પાટુ જેવી સાબિત થઈ શકે છે. સ્પિનર રાશિદને સાથ આપવા માટે યોર્કર સ્પેશિયાલીસ્ટ તરીકેની ઓળખ ધરાવતા ફાસ્ટર નટરાજનને તક આપવામાં આવી શકે છે.

ટીમ મેનેજમેન્ટ જો ઓલરાઉન્ડર મોહમ્મદ નાબીને કે વિન્ડિઝના ફાબિયન એલનને પસંદ કરશે તો વિલિયમસનને બહાર બેસવું પડી શકે છે. હૈદરાબાદની ટીમનો મુંબઈ સામેની આખરી મેચમાં પરાજય થયો હતો, જે માટે બેટ્સમેનોનો ધબડકો જવાબદાર બન્યો હતો. જોકે આ બધા વચ્ચે વોર્નરે એકલા હાથે જોરદાર સંઘર્ષ કરતાં અડધી સદી ફટકારી હતી.

હૈદરાબાદના બેટ્સમેનોએ પીચ પર ટકીને સંઘર્ષ કરતાં શીખવું પડશેે. જ્યારે બોલિંગ અને ફિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં પણ સુધારાની જરુરિયાત દેખાઈ આવે છે. સંદીપ શર્મા અને સિદ્ધાર્થ કૌલ જેવા ખેલાડીઓ માટે તેમની પ્રતિભા સાબિત કરવાની આ સુવર્ણતક છે.

હૈદરાબાદ : વોર્નર (કેપ્ટન), બેરસ્ટો, વિલિયમસન, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, વિજય શંકર, નાબી, રાશિદ, મિચેલ માર્શ, અભિષેક શર્મા, બી.સંદીપ, સંજય યાદવ, ફાબિયન એલન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, સિદ્ધાર્થ કૌલ, બિલી સ્ટાન્લેક, ટી.નટરાજન, બાસિલ થામ્પી.

કિંગ્સ ઈલેવન પંજાબ : રાહુલ (કેપ્ટન), અગ્રવાલ, કોટ્રેલ, ગેલ, મેક્સવેલ, શમી, મુજીબ, કરૃન, નીશામ, પૂરણ (વિ.કી.), ઈશાન પોરલ, અર્ષદીપ, એમ.અશ્વિન, ગોવ્થમ, હરપ્રીત ,હૂડા, જોર્ડર, સરફરાઝ, મનદીપ, દર્શન એન., રવિ બિશ્નોઈ, સિમરન સિંઘ (વિ.કી.), જે સુચિથ, તાજિન્દર સિંઘ, વિલ્જોન્સ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here