ઝેરી દવા પીધા બાદ 108માં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો
નાનપુરામાં મેકઅપ મેને ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. છેલ્લા સાત મહિનાથી બેકાર પ્રદીપે આર્થિક મંદી અને માનસિક તણાવમાં ઝેરી દવા પીધા બાદ તેને સિવિલમાં દાખલ કરાયો હતો. રૂમમાં બંધ થઇ ઝેરી દવા પીનાર પ્રદીપે ચાર કલાક બાદ દરવાજો ખોલતાની સાથે જ કહ્યું મેં ઝેરી દવા પીધી છે પણ મારે જીવવું છે હોસ્પિટલ લઈ જાઉં કહેતા બનેવી 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતાં.
દવા પી રૂમના દરવાજો અંદરથી બંધ કરેલો
રાજુભાઇ (મરનારના બનેવી) એ જણાવ્યું હતું કે, પ્રદીપ અરવિદભાઈ દોષી ઉ.વ. 30 (રહે ઇન્દ્રનીલ એપાર્ટમેન્ટ ભાટિયા સ્ટ્રીટ નાનપુરા) મેકઅપના કામકાજ સાથે જોડાયેલો હતો. જાન્યુઆરી 2020 મા જ લગ્નગ્રંથીથી જોડાયો હતો. જોકે ફેબ્રુઆરીમાં મહામારી બાદ લાગેલા લોકડાઉનમાં કામકાજના ઓર્ડર આવતા બંધ થઈ ગયા હતા. આવતી કાલે કામ મળશે એની આશામાં 7 મહિનાથી સુધી આર્થિક ભીંસ વચ્ચે જીવનના કપરા દિવસો કાઢતા પ્રદીપે આખરે હતાશ થઈ રવિવારની સવારે પોતાના જ ઘરના રૂમમાં અંદરથી દરવાજો બંધ કરી ઝેરી દવા પી લીધી હતી.
રૂમમાંથી દુર્ગંધ આવતા માતાએ દરવાજો ખટખટાવેલો
પ્રદિપના રૂમમાંથી દુર્ગંધ આવતા માતાએ દરવાજો ખટખટાવી ખોલવા અનેક વિનંતી કરી હતી. જોકે પ્રદીપે દરવાજો ન ખોલતાં મને (રાજુભાઇ) બોલાવવામાં આવ્યો હતો. ઘરમાં પ્રવેશ કરતા જ મેં પ્રદીપને દરવાજો ખોલવા જણાવ્યું હતું. તેણે દરવાજો ખોલી મને કહ્યું મેં ઝેરી દવા પી લીધી છે મારે જીવવું છે. મને હોસ્પિટલ લઈ જાઉં એટલે મેં તરત જ 108 ને ફોન કરી પ્રદીપને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતાં. પ્રદીપની પત્ની દોઢ મહિનાથી પિયરે ગઈ છે. એને આ બાબતની જાણ કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પ્રદીપ ખૂબ જ મહેનતુ અને ગુસ્સાવાળો પણ હતો. જોકે આખા પરિવારની જવાબદારી ઉપાડવાથી ભાગતો ન હતો. અઠવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.