આયાતી ખાદ્યતેલોના હાજર ભાવ ઘટતાં વાયદા તૂટયા

0
78

– સિંગખોળ, કપાસિયા ખોળ તથા સોયાખોળના ભાવમાં ટનદીઠ રૂ.૪૦૦થી રૂ.૫૦૦નો ઘટાડો

– કપાસિયા તેલમાં મથકો પાછળ એકધારો ઘટાડો : પામતેલમાં ૫૦૦ ટનના વેપાર

મુંબઈ તેલ-તેલીબિયાં બજાર આજે વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો, સામે દેશી ખાદ્યતેલોમાં વિશેષ રૂપે કપાસિયા તેલના ભાવમાં ઉત્પાદક મથકો પાછળ નવો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, વિશ્વબજારના સમાચાર ખાદ્યતેલોમાં આંચકા પચાવી પ્રત્યાઘાતી સુધારો બતાવી રહ્યા હતા, એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, મલેશિયા ખાતે આજે પામતેલનો વાયદો નજીકની ડિલિવરીમાં જોકે, ૨ પોઈન્ટ ઘટયો હતો, જ્યારે દૂરની ડિલિવરીમાં ભાવ ૧૨થી ૧૯ પોઈન્ટ ઊંચકાયા હતા. સામે ત્યાં પામ પ્રોડક્ટના ભાવ ૨.૫૦થી ૫.૦૦ ડોલર વધ્યાના સમાચાર હતા. મલેશિયામાં અમુક પામ ઉત્પાદક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે પૂર આવ્યા જેવી સ્થિતિ સર્જાયાના સમાચાર પણ મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના ઘટી રૂ.૮૩૫ બોલાયા હતા. પામતેલમાં હવાલા રિસેલમાં રેડી ડિલિવરી માટે રૂ.૮૩૫માં આશરે ૧૫૦થી ૨૦૦ ટનના વેપાર થયા હતા, જ્યારે રિફાઈનરીઓના ડાયરેક્ટ ડિલિવરીના વેપારો ઓક્ટોબર ડિલિવરી માટે રૂ.૮૪૦માં આશરે ૨૫૦ ટનના થયાના નિર્દેશો મળ્યા હતા.

દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ) કંડલાના ભાવ ૧૦ કિલોદીઠ રૂ.૭૬૮, જ્યારે વાયદા બજારમાં સીપીઓ ઓક્ટોબરનો ભાવ રૂ.૪.૭૦ ઘટી રૂ.૭૫૩.૧૦ બોલાતા હતા, જ્યારે સોયાતેલનો ઓક્ટોબર વાયદો ૯.૭૦ ઘટી રૂ.૮૯૪.૪૦ બોલાઈ રહ્યો હોવાનું વાયદા બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે કપાસિયા તેલના ભાવ રૂ.૯૪૦થી ઘટી રૂ.૯૧૫ બોલાયા હતા, જ્યારે ઉત્પાદક મથકોએ ભાવ ઘટી રેડી ડિલિવરીના રૂ.૮૫૦થી રૂ.૮૫૫ તથા નવેમ્બરના ભાવ રૂ.૮૪૦થી રૂ.૮૪૫ કોટન વોશ્ડના બોલાઈ રહ્યાના સમાચાર હતા. દરમિયાન, મુંબઈ ખાતે આજે સિંગતેલના ભાવ રૂ.૧,૨૫૦, સોયાતેલના ભાવ ડીગમના રૂ.૮૬૫ તથા રિફાઈન્ડના ઘટી રૂ.૮૯૦થી રૂ.૮૯૨ બોલાયા હતા, સામે સનફ્લાવરના ભાવ ઘટી રૂ.૧,૦૮૦ તથા રિફાઈન્ડના રૂ.૧,૧૩૦ બોલાતા હતા.

 મસ્ટર્ડના ભાવ રૂ.૧,૦૭૦ રહ્યા હતા. ઉત્પાદક મથકોએ આજે સિંગતેલના ભાવ રૂ.૧,૨૦૦થી રૂ.૧,૨૨૦ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧,૯૩૦થી રૂ.૧,૯૪૦ રહ્યાના સમાચાર મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે દિવેલના હાજર ભાવ રૂ.૩ ઘટી રૂ.૮૭૨થી રૂ.૮૯૨ બોલાયા હતા, જ્યારે હાજર એરંડાના ભાવ રૂ.૧૫ ઘટી રૂ.૪,૨૬૦ બોલાતા હતા. 

વાયદા બજારમાં આજે સાંજે એરંડાનો ઓક્ટોબર વાયદો રૂ.૨૬ ઘટી રૂ.૪,૨૨૦ રહ્યો હતો. દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં આજે ૧ ટનના ભાવ સિંગખોળ, કપાસિયા ખોળ તથા સોયાખોળના રૂ.૪૦૦થી રૂ.૫૦૦ ઘટયા હતા, જ્યારે અન્ય ખોળો શાંત હતા. 

દરમિયાન, વિશ્વબજારના સમાચાર મુજબ યુક્રેન ખાતે સનફ્લાવરના નવા પાક માટે વાવેતરમાં વૃદ્ધિ થયાના નિર્દેશો મળ્યા હતા. મલેશિયા ખાતે ઓક્ટોબરના પ્રથમ પાંચ દિવસમાં પામતેલની કુલ નિકાસ આશરે ૧.૩૫ ટકા ઘટી હોવાનું ઈન્ટરટેકના સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here