આર્મેનિયા અને અઝરબૈજાન શા માટે લડી રહ્યાં છે?

0
25

– ભૂતપૂર્વ સોવિયેત સંઘમાંથી અલગ થયેલા બંને દેશો વચ્ચે છેલ્લા ત્રણ દાયકાથી વિવાદ ચાલે છે

– બંને દેશો નાગોર્નો કારાબાખ નામના પ્રદેશ માટે લડી રહ્યાં છે, ૧૯૯૦ના દાયકામાં રશિયાની મધ્યસ્થતા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો હતો ખરો પરંતુ એ પછી અવારનવાર અહીંયા બંને દેશોની સેના વચ્ચે હિંસક અથડામણ થયા કરે છે

આખી દુનિયા કોરોના સંકટ સામે ઝઝૂમી રહી છે ત્યારે ભૂતપૂર્વ સોવિયેત સંઘના સભ્ય એવા બે દેશો આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે જંગ છેડાયો છે. ગયા રવિવારથી શરૂ થયેલી સશસ્ત્ર અથડામણમાં બંને દેશોના અનેક જણા માર્યા ગયા છે.

હુમલાની શરૂઆત અઝરબૈજાનની સેનાએ કરી અને નાગોર્નો કારાબાખ નામે ઓળખાતા પ્રદેશમાં આર્મેનિયા પર હુમલો કર્યો. 

નાગોર્નો કારાબાખ એક વિવાદાસ્પદ વિસ્તાર છે જે અઝરબૈજાનની સરહદમાં છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અઝરબૈજાનનો ભાગ ગણાય છે. જોકે ૧૯૯૪ના યુદ્ધ બાદ આ પ્રદેશ પર આર્મેનિયાનું નિયંત્રણ છે. ત્યાં મોટા ભાગની વસતી આર્મેનિયન લોકોની છે અને ૧૯૮૮માં કારાબાખ આંદોલનની શરૂઆત થયા બાદ ત્યાં સ્વતંત્ર શાસન છે.

જોકે નાગોર્નો કારાબાખ રિપબ્લિકને હજુ સુધી આંતરરાષ્ટ્રીય માન્યતા મળી નથી. હાલ તો બંને દેશો એકબીજા પર યુદ્ધ ભડકાવવાના આરોપ મૂકી રહ્યાં છે. જોકે દાયકાઓથી ચાલી રહેલા વિવાદમાં કોણે પહેલી ગોળી ચલાવી એના આરોપ એકબીજા પર મૂકવા નવી વાત નથી.

ભૂતપૂર્વ સોવિયેત સંઘના સભ્ય એવા આર્મેનિયા અને અઝરબૈજાન નાગોર્નો કારાબાખ વિસ્તારને લઇને ૧૯૮૦ના દાયકાના અંતમાં અને ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં ભારે સંઘર્ષ કરી ચૂક્યાં છે. એ વખતે બંને દેશોએ યુદ્ધવિરામની જાહેરાત પણ કરી હતી પરંતુ એ પછી પણ શાંતિ સમજૂતિ પર બંને દેશોની સહમતિ બની શકી નથી.

દક્ષિણપૂર્વ યુરોપમાં રહેલો કોકેશસનો પર્વતીય પ્રદેશ વ્યૂહાત્મક રીતે ઘણો અગત્યનો મનાય છે. સદીઓથી આ પ્રદેશ પર પ્રભુત્ત્વ સ્થાપિત કરવા માટે મુસ્લિમ અને ખ્રિસ્તી શક્તિઓ મથતી આવી છે. 

૧૯૨૦ના દાયકામાં સોવિયેત સંઘની સ્થાપના થઇ ત્યારે આર્મેનિયા અને અઝરબૈજાન તેમાં ભળી ગયા. નાગોર્નો કારાબાખની બહુમતિ વસતી આર્મેનિયન લોકોની છે પરંતુ સોવિયેત સંઘના અધિકારીઓએ તેને અઝરબૈજાનને સોંપી દીધું.

એ પછી દાયકાઓ સુધી નાગોર્નો કારાબાખના લોકોએ તેમનો વિસ્તાર આર્મેનિયાને સોંપવાની વિનંતી કરી. પરંતુ ખરો વિવાદ તો ૧૯૮૦ના દાયકામાં સોવિયેત સંઘના વિઘટન સાથે શરૂ થયો. નાગોર્નો કારાબાખની સંસદે સત્તાવાર રીતે આર્મેનિયામાં સામેલ થવા માટે મતદાન કર્યું. 

એ પછી ત્યાં શરૂ થયેલા અલગતાવાદી આંદોલનને ખતમ કરવાના અઝરબૈજાને ભારે પ્રયત્નો કર્યાં પરંતુ આર્મેનિયાના સમર્થનના કારણે આંદોલન ચાલુ રહ્યું. પરિણામ એ આવ્યું કે સંઘર્ષ દિનપ્રતિદિન વધતો ચાલ્યો અને સોવિયેત સંઘમાંથી આઝાદ થયા બાદ તો બંને દેશો વચ્ચે રીતસરનું યુદ્ધ છેડાઇ ગયું. આ સંઘર્ષના કારણે લાખો લોકો વિસ્થાપિત થયા. બંને પક્ષો તરફથી વ્યાપક નરસંહારની ખબરો પણ આવી. ૧૯૯૪માં રશિયાએ મધ્યસ્થી કરીને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો પરંતુ નાગોર્નો કારાબાખ પર આર્મેનિયાનો કબજો આવી ગયો. 

કહેવા માટે તો નાગોર્નો કારાબાખ અઝરબૈજાનનો પ્રદેશ રહ્યો પરંતુ તેના પર અલગતાવાદીઓની સત્તા રહી અને તેમણે આ પ્રદેશને પ્રજાસત્તાક જાહેર કરી દીધો. ત્યાં આર્મેનિયાના સમર્થનવાળી સરકાર ચાલવા લાગી અને એમાં આર્મેનિયાના કેટલાક સમુદાયો પણ જોડાયા. રશિયાની દરમિયાનગીરી બાદ નાગોર્નો કારાબાખનો પ્રદેશ આર્મેનિયા અને અઝરબૈજાન માટે લાઇન ઓફ કોન્ટેક્ટ બન્યો.

આ વિસ્તારમાં શાંતિ જળવાઇ રહે એ માટે ફ્રાન્સ, રશિયા અને અમેરિકાની આગેવાની હેઠળ બનેલા ઓર્ગેનાઇઝેશન ફોર સિક્યોરિટી એન્ડ કોઓપરેશન ઇન યુરોપ મિંસ્ક ગૃપની મધ્યસ્થતા હેઠળ શાંતિવાર્તા ચાલુ છે પરંતુ કોઇ સમજૂતિ સધાઇ શકી નથી.

વર્ષ ૨૦૧૬માં પણ નાગોર્નો કારાબાખમાં બંને દેશો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો જેમાં ૨૦૦ જણાના મૃત્યુ નીપજ્યાં હતાં. આ વર્ષે જુલાઇમાં પણ સંઘર્ષ થયો હતો જેમાં ૧૬ જણાના મૃત્યુ નીપજ્યાં હતાં. એ પછી અઝરબૈજાનમાં વ્યાપક પ્રદર્શનો યોજાયા હતાં જેમાં નાગોર્નો કારાબાખને ફરીથી કબજામાં લેવાની માંગ કરવામાં આવી હતી.

હવે ફરી વખત એકબીજા પર તણાવ વધારવાનો આરોપ મૂકતા બંને દેશો યુદ્ધમાં જોતરાયા છે. અઝરબૈજાને નાગોર્નો કારાબાખના કેટલાંક વિસ્તારમાં કબજો કર્યો હોવાનો દાવો કર્યો છે. તો આર્મેનિયાએ અઝરબૈજાને કબજે કરેલો વિસ્તાર પાછો મેળવી લીધાનો દાવો કર્યો છે. 

છેલ્લા ત્રણ દાયકાથી નાગોર્નો કારાબાખમાં તણાવ ઘટવાને સ્થાને વધી રહ્યો છે અને હિંસક અથડામણોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ભૌગોલિક અને વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો હોવાના કારણે નાગોર્નો કારાબાખનો વિવાદ ઓર જટિલ બન્યો છે.

 અઝરબૈજાનમાં તૂર્ક મૂળના લોકો મોટી સંખ્યામાં વસે છે. એવામાં નાટોના સભ્ય એવા તુર્કીએ ૧૯૯૧માં અઝરબૈજાનને સ્વતંત્ર દેશના રૂપમાં માન્યતા આપી. અઝરબૈજાનના તત્કાલિન રાષ્ટ્રપતિએ તો તુર્કી અને અઝરબૈજાનને બે દેશ એક રાષ્ટ્ર ગણાવ્યાં. 

બીજી બાજુ તુર્કીએ આર્મેનિયા સાથે કોઇ રાજદ્વારી સંબંધ રાખ્યા નથી. ૧૯૯૩માં આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે વિવાદ વધ્યો ત્યારે તુર્કીએ અઝરબૈજાનનું સમર્થન કરતા આર્મેનિયા સાથે જોડાયેલી સરહદ બંધ કરી દીધી. વર્તમાન વિવાદ વખતે પણ તુર્કી અઝરબૈજાનના પક્ષમાં આવી ગયું છે. તો આર્મેનિયાના રશિયા સાથે ગાઢ સંબંધો છે. 

આર્મેનિયામાં રશિયાનું લશ્કરી મથક પણ છે અને બંને દેશો કલેક્ટિવ સિક્યોરિટી ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના સભ્ય છે. જોકે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અઝરબૈજાન સાથે પણ સૌહાર્દપૂર્ણ સંબંધો છે. એટલા માટે રશિયાએ બંને દેશોને યુદ્ધવિરામ કરવાની અપીલ કરી છે. 

એવું નથી કે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે સમજૂતિ કરવાના પ્રયાસ થયા નથી. વર્ષ ૨૦૧૮માં આર્મેનિયામાં લાંબા સમયથી સત્તા પર રહેલા શેર્ઝ સાર્ગિસાન વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો થયા અને એ પછી થયેલી ચૂંટણીમાં વિરોધ પ્રદર્શનોનું નેતૃત્ત્વ કરી રહેલા નિકોલ પાશિન્યાન વડાપ્રધાન બન્યાં.

એ પછી પાશિન્યાન અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલહામ અલીવ વચ્ચે સરહદે તણાવ ઘટાડવા માટે અને બંને દેશો વચ્ચે મિલિટરી હોટલાઇન શરૂ કરવા અંગે સહમતિ સધાઇ. વર્ષ ૨૦૧૯માં બંને દેશોએ નિવેદન જારી કરીને આ વિસ્તારમાં શાંતિ સ્થાપવાની હાકલ કરી. પરંતુ હજુ સુધી એ દિશામાં પ્રગતિ સધાઇ નથી. 

જાણકારોના મતે વિવાદ ન ઉકેલાયો તો યુદ્ધમાં તુર્કી, રશિયા અને ઇરાન પણ ઝંપલાવી શકે છે. આ વિસ્તારમાં થઇને ગેસ અને ક્રૂડ ઓઇલની પાઇપલાઇનો પસાર થાય છે એટલા માટે આ વિસ્તારમાં શાંતિ સ્થપાય એમાં તમામ દેશોને રસ છે. આર્મેનિયાએ તો તુર્કીએ તેના પર હુમલો કર્યાના આરોપ પણ મૂક્યાં છે.

જોકે તુર્કીએ આર્મેનિયાના આરોપોનું ખંડન કર્યું છે. પરંતુ તુર્કીએ અઝરબૈજાનને આ વિસ્તારમાં આગેકૂચ કરવાનો પાનો ચડાવ્યો છે. તુર્કીએ કહ્યું છે કે તેઓ અને અઝરબૈજાન બે દેશ એક રાષ્ટ્રની થિયરી પર કાયમ છે. તુર્કીએ ઉલટું આર્મેનિયાને તાત્કાલિક નાગોર્નો કારાબાખનો વિસ્તાર ખાલી કરવાની તાકીદ કરી છે.

આર્મેનિયાનું કહેવું છે કે નાગોર્નો કારાબાખમાં શાંતિ સ્થાપવાના ઉદ્દેશથી અઝરબૈજાન દૂર જઇ રહ્યું છે એવામાં નાગોર્નો કારાબાખના લોકો પાસે પોતાની રક્ષા કરવા સિવાય કોઇ ઉપાય રહ્યો નથી. અને આર્મેનિયા નાગોર્નો કારાબાખના લોકોનું સમર્થન કરવામાં પાછીપાની નહીં કરે. આર્મેનિયાનું કહેવું છે કે અઝરબૈજાનના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવો તેમની ફરજ છે. યૂ.એન. મહાસચિવ એન્ટોનિયો ગુટેરેશે બંને દેશોના નેતાઓનો સંપર્ક કરીને તુરંત યુદ્ધ રોકવાની અપીલ કરી છે. યૂ.એન.ની સુરક્ષા પરિષદમાં પણ નાગોર્નો કારાબાખ મુદ્દે બંધ બારણે ચર્ચા થવાની છે. 

અમેરિકાએ પણ બંને દેશોને સંઘર્ષ રોકવાની અપીલ કરી છે. ફ્રાન્સે પણ બંને દેશોને લડાઇ બંધ કરીને વાતચીત કરવાની વિનંતી કરી છે. ફ્રાન્સમાં આર્મેનિયન લોકોની મોટી વસતી છે. તો ઇરાન પણ બંને દેશો વચ્ચે મધ્યસ્થતા કરવા તૈયાર છે. 

ઇરાનની સરહદો બંને દેશો સાથે જોડાયેલી છે. દરમિયાન પાકિસ્તાન આ સંઘર્ષમાં અઝરબૈજાનને મદદ કરી રહ્યું હોવાની માહિતી પણ સામે આવી છે. પાકિસ્તાને અઝરબૈજાનની તરફેણમાં લડવા માટે લશ્કરી સહાય ઉપરાંત આતંકવાદીઓને પણ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

હાલ તો અમેરિકા અને રશિયા ઉપરાંત યુરોપના દેશો આર્મેનિયા અને અઝરબૈજાનને યુદ્ધ રોકવા અપીલ કરી રહ્યાં છે પરંતુ જો વેળાસર યુદ્ધવિરામ ન થયો તો એમાં બીજા દેશો પણ જોડાઇ શકે છે. આમ પણ અઝરબૈજાનને મુસ્લિમ દેશોનું સમર્થન છે તો આર્મેનિયા સાથે ખ્રિસ્તી દેશો છે. એવામાં સંઘર્ષ લાંબો થાય તો મહાયુદ્ધની નોબત પણ આવી શકે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here