આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર સામે બોગસ માર્કશીટ મામલે તપાસ શરૂ

0
32

– મ્યુનિ.વહીવટી તંત્રની શરમજનક ઘટના

– આસિસ્ટન્ટ કમિશનરોની નિમણૂક સમયે જ ભારે વિવાદ સર્જાયો હતો : વધુ બે આસિ.કમિશનર પણ શકના દાયરામાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર માટે સૌથી મોટી શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે.મ્યુનિ.ના એક આસીસ્ટન્ટ મ્યુનિ.કમિશનર સામે બોગસ માર્કશીટ રજુ કરવા મામલે તેમની સામે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.તપાસને અંતે તેમને ચાર્જશીટ પણ આપવામાં આવી હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે આ આસીસ્ટન્ટ કમિશનરને રિમૂવ કરવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

આ ઉપરાંત અન્ય બે આસીસ્ટન્ટ મ્યુનિ.કમિશનર પણ શકના દાયરામાં રહેલા હોઈ મ્યુનિ.દ્વારા આ બે આસીસ્ટન્ટ મ્યુનિ.કમિશનરો અંગે પણ ખાનગી રાહે તપાસ આરંભી દેવામાં આવી છે.જે સમયે આસીસ્ટન્ટ મ્યુનિ.કમિશનરોને નિમણૂંક આપવામાં આવી એ સમયે મ્યુનિ.બોર્ડમાં પણ આ નિમણૂંકો મામલે વિપક્ષનેતા દ્વારા કેટલાક સવાલો સાથે ગંભીર આક્ષેપ કરાયા હતા.એ સમયે મ્યુનિ.કમિશનર કે સત્તાધારી પક્ષે આક્ષેપો સામે નમતુ જોખ્યું ન હતું.

મ્યુનિ.ના સત્તાવારસુત્રોમાંથી મળતી માહીતી મુજબ,પૂર્વ મ્યુનિ.કમિશનર દ્વારા વહીવટીતંત્રમાં વીસ થી વધુ આસીસ્ટન્ટ મ્યુનિ.કમિશનરોને નિમણૂંક આપી અમદાવાદના 48 વોર્ડ મુજબ તેમને વોર્ડ કક્ષાની જવાબદારી સોંપી દીધી હતી.આ તરફ જે લોકોની આસીસ્ટન્ટ મ્યુનિ.કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.

તેમના દ્વારા રજુ કરવામાં આવેલા માર્કશીટ સહીતના અન્ય દસ્તાવેજોની તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવતા એક આસીસ્ટન્ટ મ્યુનિ.કમિશનર દ્વારા રજુ કરવામાં આવેલી માર્કશીટ બાબતમાં શંકા જતા જયાંથી માર્કશીટ મેળવવામાં આવી હતી ત્યાં તપાસ કરાતા આ માર્કશીટ બોગસ હોવાની વિગત તંત્ર પાસે આવતા આ અધિકારી સામે મ્યુનિ.ના આઈ.આર.વિભાગ સહીત અન્ય વિભાગમાં પણ તપાસ ચાલુ કરાઈ હતી.

સુત્રોના કહેવા અનુસાર,આ આસીસ્ટન્ટ મ્યુનિ.કમિશનર ચાર્જશીટ આપી દેવામાં આવી છે.ટૂંક સમયમાં તેમને ને ફરજ પરથી રિમૂવ કરવાનો નિર્ણય લેવાશે.આ ઘટના બાદ સફાળા જાગેલા વહીવટીતંત્રે અન્ય આસીસ્ટન્ટ મ્યુનિ.કમિશનરો દ્વારા રજુ કરાયેલા દસ્તાવેજો ચકાસવાના શરૂ કર્યા છે જેમાં વધુ બે આસીસ્ટન્ટ મ્યુનિ.કમિશનરો શકના દાયરામાં છે.

આ અધિકારીએ મ્યુનિ.માં ભરતી પ્રક્રિયા પણ કરાવી હતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ પ્રકારની ભરતી પ્રક્રીયા સેન્ટ્રલ ઓફીસ દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે.હાલ આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા આ અધિકારી અગાઉ સેન્ટ્રલ ઓફીસમાં ફરજ બજાવતા હતા એ સમયે પટાવાળા,કલાર્કથી લઈને અન્ય જગ્યાઓ માટે ભરતી પ્રક્રીયા પણ કરાવી હતી.મ્યુનિ.તંત્રમાં સામાન્ય કર્મચારી જો નાની બાબતમાં પકડાય તો તેને ઘેર બેસાડી દેવામાં આવે છે.જયારે બોગસ માર્કશીટ રજુ કરી છેક આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુધી કોઈ કર્મચારીને બેસાડી દેવાય છે ત્યાં સુધી સત્તાધારી પક્ષના મેયર,સ્ટેન્ડિંગ ચેરમેન કે મ્યુનિસિપલ કમિશનરની આંખો કેમ ખુલતી નથી એવી પણ લોકચર્ચા ચાલી રહી છે.

રૂપિયાની લેતી-દેતીના આક્ષેપ થયા હતા

પૂર્વ મ્યુનિ.કમિશનર દ્વારા લોકડાઉન અગાઉ જે પ્રમાણે આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક કરી હતી તેને ધ્યાનમાં લઈ મળેલી મ્યુનિ.બેઠકમાં વિપક્ષનેતા દીનેશ શર્માએ બોર્ડ બેઠકમાં મેયર અને કમિશનરની હાજરીમાં આસીસ્ટન્ટ મ્યુનિ.કમિશનરોની નિમણૂંક માં રૂપિયાની લેતી-દેતી થઈ હોવાના ગંભીર આક્ષેપ કરવાની સાથે પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારોના પરીણામ જાહેર કરવા રજુઆત કરી હતી.પણ ન તો મેયર કે ન કમિશનરે એ સમયે આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here