ઈક્વિટી મ્યુ. ફંડોમાંથી સતત રોકાણ પાછું ખેંચતા રોકાણકારો

0
67

– ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાંથી રોકાણકારોએ ઓગસ્ટના રૂ.૩૯૦૭ કરોડની તુલનાએ સપ્ટેમ્બરમાં રૂ.૫૧,૯૦૦ કરોડ પાછા ખેંચ્યા : એસઆઈપીમાં પણ ઘટાડો

– સપ્ટે.માં રૂ.૭૩૪ કરોડ પાછા ખેંચાયા

શેર બજારોમાં તોફાની તેજી સાથે આજે સેન્સેક્સ ૪૦,૦૦૦ની સપાટી કુદાવી ગયો છે અને રોકાણકારોનું સીધું ઈક્વિટી-શેરોમાં રોકાણ આકર્ષણ વધી રહ્યું છે, ત્યારે મ્યુચ્યુઅલ ફંડોમાંથી રોકાણકારો પોતાનું મૂડી રોકાણ સતત પાછું ખેંચી રહ્યા છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાંથી સતત ત્રીજા મહિને સપ્ટેમ્બર ૨૦૨૦માં રોકાણકારોએ રૂ.૭૩૪ કરોડનું રોકાણ ખાસ કરીને મલ્ટિ કેપ ફંડોમાંથી પાછું ખેંચ્યું છે. 

રોકાણકારોએ આ સાથે મ્યુચ્યુઅલ ફંડોના ડેટ ફંડોમાંથી જંગી રૂ.૫૧,૯૦૦ કરોડનું રીડમ્પશન-રોકાણ પાછું ખેંચ્યું છે, જે ઓગસ્ટ ૨૦૨૦માં રૂ.૩૯૦૭ કરોડનું રોકાણ પાછું ખેંચવામાં આવ્યું હોવાનું એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા(એમ્ફી) દ્વારા આજે જાહેર કરાયેલા આંકડામાં દર્શાવાયું છે.

આ સપ્ટેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડોમાં એકત્રિત ધોરણે તમામ સેગ્મેન્ટસમાં મળીને રૂ.૫૨,૦૦૦ કરોડથી વધુ રીડમ્પશન નોંધાયું છે. જે ઓગસ્ટ ૨૦૨૦માં રૂ.૧૪,૫૫૩ કરોડનું થયું હતું. આ રોકાણ જાવક લિક્વિડ, ઈક્વિટી અને હાઈબ્રિડ સ્કિમોમાંથી થઈ છે. આંકડા મુજબ ઈક્વિટી અને ઈક્વિટી લિન્ક્ડ ઓપન-એન્ડેડ સ્કિમોમાંથી સપ્ટેમ્બરમાં રૂ.૭૩૪.૪૦ કરોડનું રીડમ્પશન થયું છે. જે ઓગસ્ટ ૨૦૨૦માં રૂ.૪૦૦૦ કરોડ અને જુલાઈ ૨૦૨૦માં રૂ.૨૪૮૦ કરોડનું થયું હતું. 

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાંથી  ચાર વર્ષમાં જુલાઈમાં પ્રથમ વખત પ્રોફિટ બુકિંગ થયું હતું. ઈક્વિટી સ્કિમોમાં જૂન ૨૦૨૦માં રૂ.૨૪૦.૫૫ કરોડનું રોકાણ, મે ૨૦૨૦માં રૂ.૫૨૫૬ કરોડ, એપ્રિલ ૨૦૨૦માં રૂ.૬૨૧૩ કરોડ, માર્ચ ૨૦૨૦માં રૂ.૧૧,૭૨૩ કરોડ, ફેબુ્રઆરી ૨૦૨૦માં રૂ.૧૦,૭૯૬ કરોડ અને જાન્યુઆરી ૨૦૨૦માં રૂ.૭૮૭૭ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું.

ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં લાર્જ અને મિડ કેપ, ફોક્સ્ડ અને સેક્ટરલ કેટેગરીઝ સિવાય અન્ય તમામ ઈક્વિટી કેટેગરીઝમાં ચોખ્ખી રોકાણ જાવક નોંધાઈ છે. ઈક્વિટી સેગ્મેન્ટમાં મલ્ટિ કેપમાંથી સૌથી વધુ રૂ.૧૧૧૪ કરોડની જાવક, ત્યાર બાદ લાર્જ કેપમાં રૂ.૫૭૬ કરોડ, વેલ્યુ ફંડમાંથી રૂ.૪૮૯ કરોડ અને મિડ કેપમાંથી રૂ.૬૮ કરોડની રોકાણ જાવક નોંધાઈ છે. 

ફિક્સ્ડ ઈન્કમ સિક્યુરિટીઝમાં લિક્વિડ સ્કિમોમાંથી રૂ.૬૫,૯૫૨ કરોડની રોકાણ જાવક, અલ્ટ્રા-શોર્ટ ડયુરેશન ફંડોમાંથી રૂ.૪૮૬૭ કરોડ અને મની માર્કેટ ફંડમાંથી રૂ.૪૮૫૭ કરોડની રોકાણ જાવક થઈ છે. ક્રેડિટ રિસ્ક ફંડોમાંથી આ મહિનામાં રૂ.૫૩૯ કરોડની રોકાણ જાવક થઈ છે. જે ઓગસ્ટમાં રૂ.૫૫૪ કરોડ, જુલાઈમાં રૂ.૬૭૦ કરોડ, જૂનમાં રૂ.૧૪૯૪ કરોડ, મે મહિનામાં રૂ.૫૧૭૩ કરોડ અને એપ્રિલ ૨૦૨૦માં રૂ.૧૯,૨૩૯ કરોડની થઈ હતી.

આ સામે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડો(ઈટીએફ)માં રૂ.૫૯૭ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના વહીવટ હેઠળની એસેટ્સ સપ્ટેમ્બર ૨૦૨૦ના અંતે ઘટીને રૂ.૨૬.૮૬ લાખ કરોડ રહી છે, જે ઓગસ્ટ ૨૦૨૦ના અંતે રૂ.૨૭.૫ લાખ કરોડ રહી હતી. 

ઈક્વિટી સ્કિમોમાં રીડમ્પશનના દબાણની સાથે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ(એસઆઈપી) પણ ઓગસ્ટના રૂ.૭૭૯૧.૬૩ કરોડની તુલનાએ ઘટીને સપ્ટેમ્બર ૨૦૨૦માં રૂ.૭૭૮૮.૩૭ કરોડની રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here