શાળા-કોલેજો તથા ઓફિસો કયારે ખૂલશે તે અનિશ્ચિત રહેતા માગ વૃદ્ધિ જળવાઈ રહેવા વકી
કોરોનાને કારણે ઈ-લર્નિંગ વ્યવસ્થા તથા વર્ક ફ્રોમ હોમ પદ્ધતિના મોટેપાયે સ્વીકારને કારણે દેશમાં પરસનલ કોમ્પ્યુટર્સ (પીસી)ની બજારમાં સપ્ટેમ્બર ત્રિમાસિકમાં નોંધપાત્ર વધારો થયો છે. સપ્ટેમ્બર ત્રિૈમાસિકમાં પીસીનો આયાત આંક વાર્ષિક ધોરણે ૯.૨૦ ટકા વધી ૩૪ લાખ એકમ રહ્યો હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું. આ આયાત સાત વર્ષની ઊંચી સપાટીએ રહી છે.
૨૦૧૯ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ડેસ્કટોપ્સ, નોટબુકસ તથા વર્કસ્ટેશન્સની મળીને કુલ આયાત આંક ૩૧ લાખ એકમ રહ્યો હતો. કોરોનાવાઈરસને કારણે ઈ-લર્નિંગમાં વધારો તથા વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થાને કારણે પીસીની માગમાં વધારો થતાં સપ્ટેમ્બરમાં ૩૪ લાખ પીસીની આયાત થયાનું રિપોર્ટમાં જણાવાયું હતુ.
નોટબુકસ માટેની માગ વર્તમાન પૂરવઠા કરતા ઘણી ઊંચી રહેતા વર્તમાન ત્રિમાસિકમાં પણ તેની આયાત ઊંચી રહેવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.
દેશમાં શાળા તથા કોલેજોમાં શિક્ષણ હજુપણ ઓનલાઈન ચાલુ રહ્યું હોવાથી કન્ઝયૂમર નોટબુકસ માટેની માગ ખાસ કરીને મોટા શહેરોમાંથી વધી રહી છે. પૂરવઠાને લગતા પડકારો છતાં વેન્ડર્સ સ્ટોકસ કરી શકયા છે.
શાળા તથા કોલેજો નિયમિત રીતે ફરી કયારે શરૂ થશે તેને લઈને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આને કારણે વિદ્યાર્થીઓએ ઈલેકટ્રોનિક સાધનો વસાવવાની ફરજ પડી રહી છે.
દેશમાં બ્રોડબેન્ડ જોડાણમાં થઈ રહેલા વધારાને કારણે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ મેળવવાનું સરળ બની રહ્યું હોવાનુું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.