કોરોનાકાળમાં શહેર ફરીથી ઊર્જાવાન બન્યું છે. શહેરના દરેક એવા સેક્ટર હવે ધીમે ધીમે વિકાસની ગતિ પકડી રહ્યા છે. દિવાળી નિમિત્તે શહેર ઉત્સાહના રંગમાં પણ રંગાયું છે. ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતાં સુરતની ટેક્સટાઈલ ટ્રેડિંગની 165 માર્કેટ, 50,000 વીવીંગ એકમો, 400 પ્રોસેસિંગ મિલો, 25,000 એમ્બ્રોયડરી એકમો, 1800 લેસ અને ધૂપિયનના વેપારીઓ સહિત વેલ્યુએડીશન ઈન્ડસ્ટ્રી સાથે લાખો વેપારીઓ મળીને કુલ 15 લાખથી વધુ લોકો પ્રતિ દિન 2.50 કરોડ મીટર કાપડ તૈયાર કરે છે. કાપડ ઈન્ડસ્ટ્રીનું જ વાર્ષિક ટર્નઓવર 60થી 65 હજાર કરોડનું છે. જ્યારે 7000થી વધુ હીરાની નાની-મોટા એકમો મળીને વર્ષે 1.50 લાખ કરોડથી વધુનું ટર્નઓવર છે. લોકડાઉનના કારણે માર્ચ થી જુન મહિના સુધી શહેરની કરોડરજ્જુ સમાન 2 ઉદ્યોગોની સ્થિતિ કફોડી બની હતી. જોકે,દિવાળીના કારણે આ બંન્ને ઉદ્યોગોનો ખૂબ સારો વેપાર થયો છે.