એ બજાર, જ્યાંના દીવાથી વિદેશમાં રોશની થાય છે; આ વખતે અડધા ભાગનું વેચાણ

0
28
  • એશિયાના સૌથી મોટા સ્લમ ધારાવીમાં કુંભારવાડો આવે છે, 100 વર્ષથી પણ વધુ સમયથી અહીં માટીનાં વાસણોનો બિઝનેસ થઈ રહ્યો છે
  • US, બ્રિટન, દુબઈમાં પણ કુંભારવાડાના દીવાથી રોશની થાય છે, અહીં વર્ષ દરમિયાન 10 કરોડથી વધુ દીવા બનાવવામાં આવે છે.
  • બિઝનેસની સૌથી મોટી તક દિવાળી હોય છે, પણ આ વખતે જૂનો માલ ન વેચાયો, નવો બનાવી ન શક્યા

એશિયાના સૌથી મોટા સ્લમ ધારાવીમાં આવે છે કુંભારવાડો. અહીં કુંભારોની વસાહત પછી કુંભારવાડો બન્યો. 100 વર્ષથી પણ વધુ સમયથી અહીં માટીનાં વાસણ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. કુંભારવાડો દીવાનું કેવડું મોટું માર્કેટ છે એનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે વર્ષભરમાં અહીં લગભગ 10 કરોડ દીવા બનાવવામાં આવે છે. અહીં ઘરની બહાર ભટ્ઠી અને ઘરોની અંદર માટીનાં વાસણ સજાવેલાં હોય છે.

દિવાળી આ લોકો માટે બિઝનેસની સૌથી મોટી તક હોય છે, પણ આ વખતે હાલત ખરાબ છે. કોરોનાના કારણે ન માલ એક્સપોર્ટ થયો છે અને ન તો લોકલ ગ્રાહકો પણ પહેલાંની જેમ આવી રહ્યા છે. કોરોનાએ આ પોટરી વિલેજની દિવાળી ફિક્કી કરી નાખી છે.

કુંભારવાડો મુંબઈની માટીનાં વાસણોનું સૌથી મોટું બજાર છે.

5 હજાર દીવા ખરાબ થઈ ગયા, અત્યારસુધી માત્ર 10 હજાર જ વેચાયા
રાકેશ ભાઈ 90 ફૂટ રોડ પર જ માટીનાં વાસણોની દુકાન લગાવે છે. તેઓ કહે છે, પહેલી વખત એવું બન્યું છે કે અમને ભઠ્ઠી સળગાવવા માટેનું વેસ્ટ મટીરિયલ પણ મોંઘું મળી રહ્યું છે અને માલ પણ વેચાઈ રહ્યો નથી. વેસ્ટ મટીરિયલ મોંઘું શા માટે થઈ ગયું છે? આ અંગે તેમણે કહ્યું, ભાઈ, ધારાવીમાં કપડાંની હજારો ફેક્ટરીઓ છે. એનું જે વેસ્ટ કપડું હોય એ અમે ખરીદીએ છીએ અને તેનાથી ભઠ્ઠી સળગાવીએ છીએ. આ વખતે ફેક્ટરીઓ બંધ પડી હતી. અમુક ફેક્ટરીઓએ વેસ્ટ માલ વેચ્યો તો જે માલ 80 રૂપિયામાં મળતો હતો એ હવે 220માં મળે છે.

રાકેશે દિવાળી માટે 20 હજાર દીવા રાખ્યા હતા, જેમાંથી 5 હજાર તો ખરાબ જ થઈ ગયા, કારણ કે એ કાળી માટીનાં બનાવેલાં હતાં. ગુજરાતથી જે માટી આવે છે એ આવી શકી નથી. એવામાં કાળી માટીમાંથી દીવા બનાવવા પડ્યા. 15 હજાર દીવા વધ્યા હતા, એમાંથી માત્ર 10 હજાર જ વેચાઈ શક્યા છે. ગત દિવાળી સુધી તો એક ઝાટકામાં જ આટલો માલ વેચાઈ જતો હતો. થોડાક દિવસ પહેલાં મારા પિતાજીનું નિધન થયું છે. અમારે મીઠાઈ, કપડાં કંઈ ખરીદવાનું નથી. ખરીદવાનું હોત તોપણ આ વખતે કંઈ ન ખરીદી શકત.

કુંભારવાડાના રાકેશે કહ્યું, ગત વખત દિવાળી સુધી તો એટલી ભીડ હતી કે જમવાનો ટાઈમ પણ નહોતો મળતો, હાલ તો બધું ઠપ છે.

કુંભારવાડાના કુંભાર દર વર્ષે માર્ચ-એપ્રિલથી દીવા બનાવવાનું શરૂ કરી દે છે. આ કામ ઓક્ટોબર સુધી ચાલે છે, પછી દિવાળી પર વેચાણ થાય છે. નાના પાયા પર કામ કરનાર પણ દિવાળી પર લાખ-બે લાખની કમાણી કરી લે છે. આ કમાણી ચાર-પાંચ મહિનાની મહેનતની હોય છે. આ વખતે કોરોનાના કારણે માર્ચ-એપ્રિલમાં કંઈ કામ ન થઈ શક્યું. દીવા માટે માટી ગુજરાતથી આવે છે, એ પણ આ વખતે નથી આવી. જૂન પછી અમુક ગાડીઓ આવી, પણ માલ એટલે મોંઘો વેચાયો કે નાના પાયે કામ કરતા લોકો એને ખરીદી ન શક્યા. હવે આ લોકો એ માલ વેચી રહ્યા છે, જે પહેલાંથી બનાવીને રાખવામાં આવ્યો છે.

પેઢીઓથી આ જ કામ કરી રહ્યા છીએ, આ વખતે વેચાણ અડધું
હસમુખ ભાઈ પરમાર કહે છે, અમે પેઢીઓથી આ જ કામ કરતા આવીએ છીએ. કુંભારવાડામાં તૈયાર થતા દીવા યુએસ, દુબઈ અને લંડન સુધી જાય છે. અમુક માલ પાણીના જહાજથી આવે છે. જોકે બહાર માલ મોકલવાનું કામ અમુક મોટા લોકો જ કરે છે. નાના વેપારી તો અહીંના ભરોસે હોય છે. મુંબઈમાં હાલ લોકલ ટ્રેન બધા માટે શરૂ નથી થઈ એટલા માટે શહેરના ગ્રાહક પણ અહીં નથી આવતા.

તેઓ કહે છે, બેરોજગારી અને કામધંધો ઠપ હોવાને કારણે પણ લોકો પરેશાન છે, એટલા માટે દિવાળી પર વધારે ખરીદી નથી કરતા. હસમુખ ભાઈએ છેલ્લાં 20 વર્ષમાં પહેલી વખત દિવાળી પર આટલી ફિક્કી ગ્રાહકી જોઈ છે. કહેવા લાગ્યા, બિઝનેસ સીધો સીધો 50 ટકા ઓછો થઈ ગયો. પહેલાં દિવાળી પર 4થી 5 લાખ રૂપિયાનો બિઝનેસ થતો હતો. આ વખતે તો લાખમાં વાત પહોંચી જ નથી.

હસમુખભાઈ કહે છે, છેલ્લાં 20 વર્ષમાં પહેલી વખત દિવાળી પર આટલું મંદું બજાર જોવા મળ્યું છે.

50 લાખ દીવા વિદેશ જાય છે
કુંભારવાડામાં માટીનાં વાસણોના નાના પાયે બિઝનેસ કરતો કુંભાર પરિવાર પણ વર્ષભરમાં સરેરાશ 1 લાખ દીવા બનાવે છે. આ મહિનામાં 15થી 20 હજાર રૂપિયાની કમાણી થઈ જાય છે. વર્ષ દરમિયાન લગભગ 10 કરોડ દીવા બને છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે, 50 લાખ દીવા તો વિદેશમાં એક્સપોર્ટ થાય છે. દીવા સાથે જ માટીની ઘણી આઈટમ અહીં બનાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here