ઓનલાઈન વિડીયો પ્લેટફોર્મ અને સમાચાર વેબસાઈટ હવે સરકારના નિયંત્રણ હેઠળ

0
60

નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર, સોની લિવ વગેરે પર લગામ

-ઓટીટી પ્લેટફોર્મ અને સમાચાર વેબસાઈટો પર કોઈ કાબુ ન હોવાથી સર્જનાત્મકતાના નામે ગમે તે સામગ્રી દર્શાવાઈ રહી છે

કેબિનેટે આજે મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈને ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ જેવા કે એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ, હોટસ્ટાર વગેરેને પોતાના કાબુમાં લેવાની શરૃઆત કરી છે. સાથે સાથે સમાચાર રજૂ કરતી વેબસાઈટ (ન્યુઝ પોર્ટલ્સ) પણ કેન્દ્રિય ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટરીના તાબામાં આવશે. આ પ્લેટફોર્મ પર સરકારનો કોઈ કાબુ ન હોવાથી ત્યાં સર્જનાત્મકતાના નામે ગમે તેવી સામગ્રી દર્શાવાઈ રહી છે. માટેે ઘણા સમયથી ઓટીટી તથા વેબ પોર્ટલ્સને સરકારના તાબામાં લેવાની ડિમાન્ડ થઈ રહી હતી.

સરકારના આ નિર્ણય પછી હવે ટૂંક સમયમાં સમાચાર વેબસાઈટો અને ઓટીટી પ્લેટફોર્મ અંગે સરકાર નિયમો જાહેર કરશે, જેનું તેમણે પાલન કરવાનું રહેશે. રાષ્ટ્રપતિએ સરકારના આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણય સામે મનોરંજન ઉદ્યોગ તરફથી મિશ્ર પ્રતિભાવો આવ્યા હતા. હંસલ મહેતા અને રીમા કાગતી જેવા સર્જકોએ સરકારના નિર્ણય સામે વિરોધ રજૂ કર્યો હતો જ્યારે મેક્સ પ્લેયરના સીઈઓ કરણ બેદીએ નિર્ણય આવકાર્યો હતો.

ભારતમાં થિએટરમાં દર્શાવાતી ફિલ્મો મંજૂર કરવા સેન્સર બોર્ડ, ટીવી પર દર્શાવાતી સામગ્રી માટે ટ્રાઈ અને સમાચાર પત્રોમાં રજૂ થતી સામગ્રી માટે પ્રેસ કાઉન્સિલ જેવી સંસ્થાઓ છે, જે નિયંત્રણ મૂકે છે. ઓનલાઈન સમાચાર કે કરન્ટ અફેર્સની જાણકારી આપતી સાઈટો પર આવુ કોઈ નિયંત્રણ નથી. એ રીતે ઓનલાઈન રજૂ થતી વેબસિરિઝો પર સરકારનો કોઈ કાબુ નથી. પરંતુ હવે આ નિર્ણયથી સરકાર તેના પર અંકુશ મુકી શકશે. આ નિર્ણય પછી હવે ઓટીટી પર શું દર્શાવવું અને વેબસાઈટ પર શું મુકવુ એ અંગે સરકાર માર્ગદર્શન આપશે.

ઓટીટી પ્લેટફોર્મ પર અગાઉ ઘણી વખત વિવાદાસ્પદ વેબસિરિઝો કે કાર્યક્રમો રિલિઝ થઈ ચૂક્યા છે. તેના પર નિયંત્રણ મુકવા માટે સુપ્રીમ કોર્ટમાં પાઈઆઈએલ થઈ હતી. એ પછી કોર્ટે સરકારનો જવાબ માંગ્યો હતો અને સરકારે જવાબમાં તુરંત કાયદો તૈયાર કરી દીધો હતો.

ભારતમાં જાણીતા ઓટીટી પ્લેટફોર્મ

આ કાયદાને કારણે ભારતના ઘરેઘરમાં જોવાતા નીચેના કેટલાક ઓટીટી પ્લેટફોર્મ પર કાબુ આવશે

– નેટફ્લિક્સ

– એમેઝોન પ્રાઈમ

– ડિઝની હોટસ્ટાર

– મેક્સ પ્લેયર

– સોની લિવ

– ઝીફાઈવ

– વૂટ

– હંગામા પ્લે

– જિયો સિનેમા

– એએલટી બાલાજી

– ઈરોઝ નાવ

– અરે

ઓટીટી પ્લેટફોર્મ એટલે શું?

ઓનલાઈન વિડીયો-ઓડિયો સામગ્રી આપતી સર્વિસ એટલે સાદી ભાષામાં ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ. ટીવી જોવું હોય તો ટીવી લેવું પડે, ફિલ્મ જોવું હોય તો થિએટરમાં જવું પડે. પણ ઓટીટી એ બધા પડાવ પાર કરીને સીધું મોબાઈલમાં મનોરંજન આપતું હોવાથી તેને ઓવર ધ ટોપ નામ મળ્યું છે. તેમાં કેબલ સર્વિસ કે સેટ ટોપ બોક્સ વગેરેની જરૃર પડતી નથી. દર્શકો પોતાના મોબાઈલમાં મનપસંદ પ્લેટફોર્મ ડાઉનલોડ કરી તેના પર રજૂ થતી સિરિયલ્સ, વેબ સિરિઝ, ફિલ્મો અને અન્ય સામગ્રી જોઈ-માણી શકે છે. આ પ્લેટફોર્મનો ફાયદો એ છે કે દર્શક પોતાની ઈચ્છા મુજબનો કાર્યક્રમ પોતાની ઈચ્છા પડે ત્યારે જોઈ શકે છે. સામે તેના પર કોઈ નિયંત્રણ ન હોવાથી ઘણી વાંધાજનક સામગ્રી દર્શાવાઈ  રહી છે, જે ગેરફાયદો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here