કપૂર પરિવારનું પાકિસ્તાન- ઉઝબેકિસ્તાન કનેક્શન

0
99

ભારત અને પાકિસ્તાન વચ્ચેના કડવાશભર્યા સંબંધોની પેલે પાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની કેટલીક સુનહરી યાદો સમાયેલી છે. ભારતના પૂર્વ વડાપ્રધાનો આઈ.કે. ગુજરાલ અને ડો.મનમોહનસિંઘની જન્મભૂમિ પણ હાલમાં પાકિસ્તાનમાં આવેલી છે. શીખોના ધર્મગુરુ નાનકદેવનો જન્મ પણ હાલ પાકિસ્તાનમાં આવેલા નનકાના સાહિબ ખાતે થયો હતો. એક્ટર દિલીપકુમારની જન્મભૂમિ પણ હાલના પાકિસ્તાનમાં આવેલી છે.

બોલિવૂડની ચાર પેઢીઓના પિતામહ ટોચના અભિનેતા પૃથ્વીરાજ કપૂર અને તેમના પુત્ર રાજ કપૂરના પૂર્વજોની હવેલી પેશાવરમાં છે. આ હવેલી પેશાવરના કિસ્સા રબ્બાની બજારમાં આજે પણ મોજૂદ છે. પૃથ્વીરાજ કપૂરના અને રાજ કપૂરના કેટલાક ચાહકો કપૂર હવેલી તરીકે ઓળખાતી આ ઈમારતને મ્યુઝિયમમાં બદલવા માંગે છે. આ હવેલીનું નિર્માણ પૃથ્વીરાજ કપૂરના પિતા બશેશ્વરનાથે કરાવ્યું હતું. આ એ જ હવેલી છે જ્યાં રાજ કપૂરનો જન્મ થયો હતો. રાજ કપૂર આજે પણ બોલિવૂડના ગ્રેટેસ્ટ શો-મેન તરીકે જાણીતા છે. આ હવેલીને સંગ્રહાલયમાં તબદીલ કરવાનો આગ્રહ રાજ કપૂરના પુત્ર ઋષિ કપૂરે પાકિસ્તાનને કરેલો છે. આ અનુરોધ ઋષિ કપૂરે ૨૦૧૮ની સાલમાં કર્યો હતો પરંતુ ઈમરાન ખાનની સરકારે તેમાં શું કર્યું તે ખબર નથી.

પૃથ્વીરાજ કપૂરે પેશાવર પાકિસ્તાનની એડવર્ડ્સ કોલેજ દ્વારા ગ્રેજ્યુએશન કર્યું હતું અને પ્રથમ વર્ગ સાથે એમના આ ઝળહળતા પરિણામ બાદ પૃથ્વીરાજ કપૂરને એક બગીમાં બેસાડી જુલૂસ કાઢવામાં આવ્યું હતું. તે પછી તેમણે વકીલાત કરવા માટે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો પરંતુ તેમનું મન વકીલાતમાં સ્થિર ન થયું. વકીલાત કરવાના બદલે તેઓ લાયલપુરમાં નાટકોમાં કામ કરવા લાગ્યા. પૃથ્વીરાજ કપૂરનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. તેઓ દમદાર અવાજના માલિક હતા. તેમની આંખો સહેજ હલકી નીલી-ભૂરી હતી. ક્યારેક તેઓ યુનાની જેવા લાગતા હતા, પરંતુ ભારતના ભાગલા પહેલાં એટલે કે ૧૯૨૮માં જ તેઓ લાયલપુર છોડીને મુંબઈ આવી ગયા. મુંબઈમાં અભિનયને કારકિર્દી બનાવવા તેમણે ફિલ્મોમાં નાના-મોટા રોલ કરવાની શરૂઆત કરી.

૧૯૩૧માં ભારતમાં બનેલી પહેલી બોલતી ફિલ્મ-‘આલમ આરા’માં કામ કર્યું. ૧૯૪૧માં સોહરાબ મોદીએ ‘સિકંદર’ ફિલ્મ બતાવી તો પૃથ્વીરાજ કપૂરે મુખ્ય ભૂમિકા અદા કરી. એ રોલ એમણે એટલો તો સરસ રીતે નિભાવ્યો કે પ્રેક્ષકોને તેઓ યુનાની જ લાગ્યા.

અલબત્ત, તેમને ફિલ્મો કરતાં રંગમંચ પ્રત્યે જબરદસ્ત લગાવ હતો. ૧૯૪૨માં સ્થાપિત ઈન્ડિયન પિપલ્સ થિયેટર એસોસિયેશનના સ્થાપકો પૈકીના તેઓ એક હતા. તેમના ઉપરાંત બલરાજ સહાની, જોહરા સહગલ, ઉત્પલ દત્ત, ખ્વાજા અહેમદ અબ્બાસ અને પંડિત રવિશંકર જેવી પ્રતિભાઓ પણ આ સંસ્થાના સ્થાપકો પૈકીનાં એક હતાં. આ બધા જ લોકો સમાજવાદી વિચારધારાઓ ધરાવતા હતા.

૧૯૪૪માં પૃથ્વીરાજ કપૂરે પૃથ્વી થિયેટરની સ્થાપના કરી. તેમણે અનેક નાટકો ભજવ્યાં. પૃથ્વીરાજ કપૂર તેમના રસાલા સાથે નાટકો ભજવવા અમદાવાદ પણ આવ્યા હતા અને અમદાવાદની તપેલાં મિલના કંપાઉન્ડમાં તેમણે નાટકો ભજવ્યાં હતાં.

તે પછી દેશને આઝાદી મળી. ૧૯૬૦માં કે.આસીફે ‘મુગલ-એ-આઝમ’ ફિલ્મ બનાવી જે જબરદસ્ત લોકપ્રિય સાબિત થઈ. આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂરે શહેનશાહ અકબરનો લાજવાબ રોલ અદા કર્યો અને એ અભિનયે તેમને અમર કરી દીધા.

કહેવાય છે કે ‘મુગલ-એ-આઝમ’ ફિલ્મના શૂટિંગ વખતે મેકઅપ રૂમમાં જતાં પહેલાં તેઓ કહેતા હતા કે ‘પૃથ્વીરાજ કપૂર જા રહા હૈ.’ મેકઅપ કર્યા બાદ બહાર નીકળતી વખતે તેઓ કહેતા હતા કે ‘અકબર’ આ રહા હૈ. ક્યારેક શહેનશાહની ફીલિંગ ન આવે તો કહેતા અભી રૂકો, અકબર કો આને દો. અકબરના રોલમાં તેમણે જીવ રેડી દીધો હતો. ‘મુગલ-એ-આઝમ’ બાદ આ વિષય પર કેટલીયે ફિલ્મો બની પરંતુ લોકોની નજરમાં તો પૃથ્વીરાજ દ્વારા નિભાવવામાં આવેલી અકબરની ભુમિકા જ કાયમ યાદગાર રહી.

એ વખતે વડાપ્રધાન નહેરુ જેટલી જ લોકપ્રિયતા રાજ કપૂરની હતી

તે પછી પૃથ્વીરાજ કપૂરના મોટા પુત્ર રાજ કપૂરનું હિન્દી ફિલ્મોમાં ખૂબ મોટું યોગદાન રહ્યું. રાજ કપૂરની શરૂઆતની ફિલ્મોના લેખક ખ્વાજા અહેમદ અબ્બાસ હતા. કે. અબ્બાસ સમાજવાદી વિચારધારા ધરાવતા હતા. તેમણે ફૂટપાથ પર જીવતા સામાન્ય અને ગરીબ લોકોની જિંદગીના વિષયોને લઈને ‘આગ’, ‘આહ’, ‘બરસાત’, ‘શ્રી ૪૨૦’ જેવી ફિલ્મો આપી અને રાજ કપૂર ‘રાજકપૂર’ આ ફિલ્મોથી જ બન્યા. આ ફિલ્મોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સોવિયેત સંઘ અને રશિયામાં પણ ધૂમ મચાવી દીધી. તેમની ફિલ્મનું ગીતઃ મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન ઈંગલિસ્તાની, સર પે લાલ ટોપી રૂસી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની…જબરદસ્ત હિટ રહ્યું. રશિયનો પણ આ ગીત ગાતા હતા.

આ ફિલ્મોની સફળતા બાદ રાજ કપૂર તેમની ફિલ્મોની નાયિકા નરગીસ સાથે રશિયા ગયા ત્યારે રશિયન લોકોએ તેમનું જબરદસ્ત સ્વાગત કર્યું હતું. આજ સુધી ભારતનો કોઈ કલાકાર વિદેશની ભૂમિ પર વિદેશીઓ દ્વારા આવી લોકચાહના પામ્યો નથી. આજે ભારતના જાણીતા કલાકારો વિદેશ જાય છે પણ તેમનો ચાહકવર્ગ મોટેભાગે ભારતીયો જ હોય છે, વિદેશીઓ નહીં. આવું સન્માન એકમાત્ર રાજ કપૂર અને નરગીસને જ પ્રાપ્ત થયું છે. કહેવાય છે કે સોવિયેત સંઘમાં એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જેટલી જ લોકપ્રિયતા રાજ કપૂરની હતી. આ લોકપ્રિયતાનું એક કારણ એ પણ હતું કે રાજ કપૂરની શરૂઆતની ફિલ્મો સમાજવાદી વિચારધારાના વિષયો પર હતી જે વિચારધારા રશિયનોની પણ હતી.

જાણવા જેવી એક વાત એ છે કે ઉઝબેકિસ્તાનમાં રહેતા અબરામ ઈશાકોવ નામના ઉઝબેક નાગરિક આજે પણ ઉઝબેકિસ્તાનમાં રાજ કપૂરની વિરાસતને સંભાળી રહ્યા છે. અબરામ ઈશાકોવની મુલાકાત રાજ કપૂર સાથે ફક્ત એક વાર તાશ્કંદના એરપોર્ટ પર થઈ હતી. તેઓ આજે પણ રાજ કપૂરના દીવાના છે. તેઓ આજે પણ ઉઝબેકિસ્તાનમાં લોકોને ‘મેરા જૂતા હૈ જાપાની’ ગીત રાજ કપૂરના જ લહેકામાં ગાઈને સંભળાવે છે. અબરામ ઈશાકોવ બુખારામાં રહે છે અને ઉઝબેકિસ્તાનમાં જે થોડા પણ યહૂદીઓ બચ્યા છે તે યહૂદી સમાજના ટોચના નેતા છે.

અબરામ ઈશાકોવની જેમ ઉઝબેકિસ્તાનની એક યુનિર્વિસટીના ડાયરેક્ટર શેરેદબાં કુદ્રાત્ખોદજાદેવ પણ રાજ કપૂરના દીવાના છે. તેઓ આજે પણ કપૂર પરિવારના સભ્યોના સંપર્કમાં છે અને રાજ કપૂરનાં પત્ની કૃષ્ણા કપૂરની અંત્યેષ્ઠિમાં હાજરી આપવા મુંબઈ આવ્યા હતા પરંતુ ઉઝબેકિસ્તાનના ઘણા બધા લોકોને એ વાતની ખબર નથી કે રાજ કપૂર આજે હયાત નથી.

ઉઝબેકિસ્તાનના ઘણા બધા લોકો રાજ કપૂરને આજે પણ જીવિત માને છે તે પણ એક શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ જ છેને!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here