કિંમતી ધાતુમાં આગઝરતી તેજી : અમદાવાદ ચાંદીમાં રૂ. ૩૫૦૦નો ઉછાળો

    0
    23

    અમદાવાદ સોનુ રૂ. ૯૦૦ ઉછળીને ૫૪૦૦૦ : બિટકોઈનમાં ફરી આકર્ષણ

    – ફન્ડવાળા સોનામાં રોકાણ તરફ વળતા ડોલરમાં નરમાઈ : ડૉલર ઇન્ડેક્સ અઢી વર્ષના તળીયે ઉતર્યો

    અમેરિકામાં નવા પ્રમુખની વરણી હવે લગભગ નિશ્ચિત બની છે જેને પગલે વિશ્વ બજારમાં અનિશ્ચિતતાનો માહોલ હળવો થઈ રહ્યો છે તેની અસરથી કિંમતી ધાતુના ભાવમાં ઉછાળો આવ્યો હતો. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી હતી. અમદાવાદ ચાંદીમાં રૂપિયા ૩૫૦૦નો  ઉછાળો આવ્યો હતો.  ફન્ડવાળા ગોલ્ડ તરફ વળતા  ડોલર ઈન્ડેકસ અઢી વર્ષના તળિયે સરકી ગયો હતો. ક્રુડ તેલમાં નરમાઈ ચાલુ રહી હતી. ક્રિપ્ટોકરન્સીઝ બિટકાઈન પણ ફરી તેજીમાં આવી છે. ભાવ એક તબક્કે ૧૫૯૦૦ડોલર થઈ મોડી સાંજે ૧૫૫૦૦ ડોલર આસપાસ બોલાતો હતો. 

    ઘરઆંગણે મુંબઈ બજારમાં  ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૫૧૩૨૬વાળા ૯૦૦ રૂપિયા જેટલા વધી રૂપિયા ૫૨૨૬૨ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ૯૯.૯૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૫૧૫૩૨વાળા રૂપિયા ૫૨૪૭૩ બોલાતા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૬૨૭૯૯વાળા રૂપિયા ૬૫૮૪૫ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. 

    અમદાવાદ ચાંદી  એક કિલોના રૂપિયા ૩૫૦૦ વધી રૂપિયા ૬૬૫૦૦ રહી હતી જ્યારે ગોલ્ડ દસ ગ્રામનો ભાવ ૯૯.૫૦નો રૂપિયા ૯૦૦ વધી રૂપિયા ૫૩૮૦૦ તથા ૯૯.૯૦ના ેરૂપિયા ૫૪૦૦૦ રહ્યો હતો. 

    વિશ્વ બજારમાં ફન્ડવાળાની લેવાલી વચ્ચે ગોલ્ડમાં તેજી જોવા મળી હતી. ગોલ્ડ પ્રતિ ઔંસ ૧૯૨૦ ડોલરવાળું ૧૯૫૫ ડોલર જ્યારે ચાંદી ૨૪.૬૭ ડોલરવાળી ૨૫.૭૯ ડોલર બોલાતી હતી. પ્લેટિનમનો ભાવ ૮૮૯ ડોલરવાળો ૯૦૭ ડોલર જ્યારે પેલેડિયમનો પ્રતિ ઔંસ ભાવ ૨૩૬૮ ડોલરથી વધી ૨૩૯૮ ડોલર બોલાતો હતો. ફન્ડવાળા ડોલરમાં વેચવાલ રહેતા ડોલર ઈન્ડેકસ ઘટીને અઢી વર્ષના તળિયે ગયો હતો. વર્તમાન સપ્તાહ ભાવની દ્રષ્ટિએ ગોલ્ડ માટે છેલ્લા ત્રણ મહિનાનું શ્રેષ્ઠ સપ્તાહ પસાર થયું છે.

      ક્રિપ્ટોકરન્સી બિટકોઈનનો ભાવ ફરી ઊંચકાઈને  એક બિટકોઈનનો ૧૫૯૦૦ ડોલર થઈ ૧૫૫૦૦ ડોલર બોલાતો હતો.  સ્થાનિક કરન્સી બજારમાં ડોલર ૨૧ પૈસા ઘટી ૭૪.૧૯ રૂપિયા રહ્યો હતો. ઈન્ટ્રાડેમાં ડોલર ૭૩.૮૭ રૂપિયા જોવાયો હતો. પાઉન્ડ ૬૯ પૈસા વધી ૯૭.૫૪ રૂપિયા તથા યુરો ૩૮ પૈસા વધી ૮૭.૮૬ રૂપિયા રહ્યો હતો.  ક્રુડ તેલમાં નરમાઈ ચાલુ રહી હતી. ન્યુયોર્ક ક્રુડ તેલ પ્રતિ બેરલ ૩૭.૫૭ ડોલર જ્યારે બ્રેન્ટ ક્રુડ ૩૯.૭૯ ડોલર બોલાતું હતું. 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here