કેન્દ્રની જલ જીવન યોજનાને છત્તીસગઢે અટકાવી, 10,000 કરોડની યોજનામાં ગેરરીતિના આક્ષેપ થયા

    0
    14

    ભૂપેશ બધેલની સરકારે ટેન્ડર્સ રદ કરી નાખ્યા

    કેન્દ્ર સરકારની જલ જીવન યોજનામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપને કારણે છત્તીસગઢની ભૂપેશ બધેલની સરકારે રાજ્યમાં આ યોજનાનો અમલ અટકાવી દીધો હતો. છત્તીસગઢની સરકારે ચાર મહિના પહેલાં જલ જીવન યોજનાના એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ અન્વયે વિવિધ કંપનીઓ પાસે ઑફર્સ મંગાવી હતી. 

    આ પ્રોજેક્ટ 10,000 કરોડનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો. આટલી રકમના વર્ક ઓર્ડર પણ અપાઇ ગયા હતા. ભૂપેશ બધેલ તરફથી ઓક્ટોબરની 26મીએ એક નિવેદન પ્રગટ કરાયું હતું. એનો સાર એટલો હતો કે રાજ્ય સરકારે તમામ ટેન્ડર્સ રદ કર્યાં હતાં અને કેન્દ્ર સરકારના નિર્દેશો મુજબ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. એક અહેવાલ મુજબ સ્થાનિક કોન્ટ્રેક્ટર્સે 23 ઓક્ટોબરે મુખ્ય પ્રધાનને મળીને એવી ફરિયદા કરી હતી કે આ કામના ઓર્ડર્સ સ્થાનિક કોન્ટ્રેક્ટર્સને આપવાને બદલે બહારના લોકોને અપાયા હતા.

    તરત મુખ્ય પ્રધાને રાજ્યના મુખ્ય સચિવના નેતૃત્વ હેઠળ ત્રણ સભ્યોની સમિતિ રચી હતી જે આ ઘટનાની તપાસ કરશે.આ સમિતિની રચનાના ત્રણ દિવસ પછી રાજ્ય સરકારે તમામ ટેન્ડર્સ રદ કરી નાખ્યા હતા.

    જલ જીવન યોજના તળે જે 1300 કંપનીઓને કામના ઓર્ડર મળ્યા હતા એમાં 13 કંપની એવી હતી જેમને 100-100 કરોડના કામના ઓર્ડર મળ્યા હતા. સૌથી મોટો ઓર્ડર 933.34 કરોડનો જૈન ઇરિગેશનને, જેએમસી પ્રોજેક્ટ્સ (722.78 કરોડ) અને પટેલ એંજિનિયરીંગ (606.81 કરોડ)ને મળ્યો હતો. છત્તીસગઢે જલ જીવન યોજના તળેના ટેન્ડર્સ રદ કર્યા છે એ તરફ કેન્દ્રના જળઊર્જા પ્રધાન ગજેન્દ્ર સિંઘ શેખાવતનું ધ્યાન દોરવામાં આવતાં તેમણે કહ્યું, પાણી રાજ્યની કામગીરીનો વિષય છે. એ માટે જરૂરી યોજના બનાવવી અને એનો અમલ પોતાની રીતે કરવો એ રાજ્ય સરકારનો અધિકાર છે. એ લોકો કેવી રીતે કામ આગળ વધારવા માગે છે એ પણ જોવું જોઇએ. 

    આ યોજના તળે છત્તીસગઢના ગ્રામીણ વિસ્તારોમાં 2023ના સપ્ટેંબર સુધીમાં 41 લાખ પરિવારોને ઘરમાં નળ દ્વારા પાણી પહોંચાડવાનું છે. અત્યારે ગ્રામ વિસ્તારોમાં માત્ર દસ ટકા ઘરોમાં પાણીના નળ છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here