મધ્ય પ્રદેશના ઈન્દોરમાં રવિવારે સવારે જિલ્લા વહીવટીતંત્રએ મોટી કાર્યવાહી કરતા ગ્રામ જમુડીહબ્શીમાં નામદેવ દાસ ત્યાગી દ્વારા કરવામાં આવેલા અતિક્રમણને હટાવી દેવાયા છે. કલેક્ટર મનીષ સિંહના નિર્દેશનમાં ADM અજય દેવ શર્મા અને અન્ય SDM તથા પોલીસ અધિકારીઓની ટીમ આજે સવારથી એક્શનમાં છે.
મોટી સંખ્યામાં પોલીસ બળ પણ ઘટના સ્થળે હાજર છે. ગાંધીનગર પોલીસ સ્ટેશન ક્ષેત્ર અંતર્ગત કાર્યવાહી ચાલી રહી છે. કોમ્પ્યુટર બાબાને 2018માં તત્કાલીન શિવરાજ સરકારમાં રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો પરંતુ 2018 વિધાનસભા ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસનો સાથ આપવાનું મન બનાવ્યુ અને પદથી રાજીનામુ આપ્યા બાદ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકાર બન્યા બાદ કોમ્પ્યુટર બાબાને આની ભેટ પણ મળી અને તત્કાલીન કમલનાથ સરકારમાં તેમણે નર્મદા-ક્ષિપા નદી ન્યાસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
કોમ્પ્યુટર બાબાની સંપત્તિ પર ચાલ્યુ બુલડોઝર
તાજેતરમાં જ થયેલી મધ્ય પ્રદેશની 28 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં કોમ્પ્યુટર બાબાએ કોંગ્રેસના પક્ષમાં પ્રચાર કર્યો હતો અને સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન શિવરાજ સરકાર પર નિશાન સાધ્યુ હતુ. લગભગ 2 વર્ષથી કોમ્પ્યુટર બાબાએ તે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યુ જેની સરકારમાં પહેલીવાર તેમને રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ વિરૂદ્ધ પ્રદર્શન કરનારા કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદની સંપત્તિ પર પણ ભોપાલ વહીવટીતંત્રએ કાર્યવાહી કરી હતી અને તેમની ખાનગી કોલેજની જમીન પર થયેલા અતિક્રમણને હટાવી દીધા હતા.