કોરોના બાદ ગાંધીનગરમાં ફાટી નીકળ્યો આ જીવલેણ રોગ, જો આજ રફતારથી કેસ વધશે તો હોસ્પિટલો ઉભરાશે!

  0
  34

  આ વર્ષે મહાનગરપાલિકા વિસ્તારમાં ચિકુનગુનિયાએ માથું ઉંચક્યું છે. છેલ્લા એક મહિનામાં શહેરમાંથી ચિકનગુનિયાના 100 પોઝિટીવ કેસો મળી આવ્યા છે. જ્યારે 70 જેટલા શંકાસ્પદ કેસો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બે પોઝિટીવ કેસો નોંધાયો છે. પાટનગર ગાંધીનગરમાં સેક્ટર 5,6,7 અને 8માં ચિકુનગુનિયાનું પ્રમાણ વધુ હોવાની વિગતો છે. ચિકુનગુનિયાને લઈને સ્થિતિ વણસી છે. મલેરિયા, ડેન્ગ્યુથી વધુ ચિકનગુનિયાના કેસો નોંધાઈ રહ્યા છે. આથી હવે લોકોએ કોરોનાની સાથે સાથે મચ્છરજન્ય રોગચાળા સામે પણ જંગ ખેલવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

  એકબાજુ કોરોનાના કેસો ઉંચકાઈ રહ્યા છે. ત્યાં સાથે હવે મચ્છરજન્ય રોગચાળામાં ચિકુનગુનિયાનો હાહાકાર વધ્યો છે. સાંધામાં દુખાવો, તાવ, શરીરમાં ચકામા જેવી ફરિયાદો લોકોમાંથી ઉઠી છે. કોરોનાની સાથે હવે લોકોને આ ચિકુનગુનિયાથી બચવા માટે સલાહ આપવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં ચિકુનગુનિયાના જે કેસો સામે આવ્યા છે તેમાં ખાનગી લેબોરેટરીમાં દર્દીઓએ બ્લડ રિપોર્ટ કરાવતાં તેમાં 28 અને ગાંધીનગર સિવિલમાં 2 પોઝિટીવ કેસો મળી આવ્યા છે, જ્યારે 70થી વધુ ચિકુનગુનિયાના શંકાસ્પદ કેસો છે. જેને લઈને આરોગ્યતંત્ર ચોંકી ઉઠ્યું છે.

  હવે ચોમાસું વિદાય તરફ છે. પરંતુ આ વખતે વરસાદ પણ વધુ પડ્યો છે. તેના કારણે મચ્છરજન્ય રોગચાળો વકરશે તેવી દહેશત આરોગ્ય તંત્રને પણ છે. આથી જ ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી રાઉન્ડ ધ કલોક સતત ચાલું રાખવામાં આવી છે. સમગ્ર મહિનાના સર્વેક્ષણ દરમિયાન 12 હજાર ઉપરાંતના પાત્રોમાંથી એડિસ મચ્છરોના બ્રિડીંગ મળી આવ્યા હતા. જેને સ્થળ પર નિકાલ કરવા સાથે દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે સેક્ટર 5,6,7 અને 8માં અંદાજે 700થી પણ વધુ ધરોમાં ફોગીંગ કરવામાં આવ્યં છે.

  અત્યાર સુધી કોરોનાને લઈને સેનિટાઈઝેશનની કામગીરી માટે તંત્ર દોડતું રહેતું હતું. પરંતુ હવે ફોગીંગ કરવામાં તંત્ર કામે લાગ્યું છે. ચિકુનગુનિયાના વધતાં કેસોથી લોકો પણ ફફડી ઉઠ્યા છે. શહેરના આ ચાર સેક્ટરોમાં અનેક લોકો ચિકુનગુનિયાના રોગચાળામાં સપડાયા છે. જે 70 કેસો શંકાસ્પદ લાગી રહ્યા છે. તેઓને પણ તાવ, કળતર, સાંધામાં અસહ્ય દુખાવા સહિતની ફરિયાદો છે. તમામમાં ચિકુનગુનિયાના લક્ષણો જોવા મળી રહ્યા છે. જો કે તંત્ર ખુલીને બોલતું નથી કે સ્વીકારતું પણ નથી.

  ઉલ્લેખનીય છે કે, સેક્ટર, 5,6,7 અને 8માં મોટાભાગે અમદાવાદ અપડાઉન કરનારો વર્ગ વધુ છે. આ વર્ષે અમદાવાદમાં પણ ચિકુનગુનિયાના કેસોની સંખ્યાનું પ્રમાણ ખુબ ઉંચું છે. આથી અમદાવાદ અપડાઉન કરનારા ચિકુનગુનિયાનો શિકાર થઈ રહ્યા છે. લોકોના ઘરોના પાત્રોમાં પાણીનો સંગ્રહ મળી આવે છે. જે મચ્છરોના ઉપદ્રવ માટેનું ઉત્પત્તિસ્થાન છે. ખાસ કરીને કૂંડાની નીચે મુકવામાં આવતી પ્લાસ્ટિકની પ્લેટમાં છોડમાં નાંખવામાં આવતું વધારાનું પાણી ભરેલું રહે છે. જેમાં પણ મચ્છરોના બ્રિડીંગ મળ્યા છે. લોકોએ પોતાના કૂંડા અને ધાબા પર કે અન્ય જગ્યાએ જ્યાં પક્ષીકુંડ મુક્યા હોય તેને સમયાંતરે ચકાસી લેવાની જરૂર હોવાનું જણાવાય રહ્યું છે. જો ચિકુનગુનિયાના કેસો આ જ રફતારથી વધતા જશે તો આગામી દિવસમાં સંખ્યાબંધ લોકોની તેની ઝપેટમાં આવી જશે તેમાં કોઈશંકાને સ્થાન નથી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here