સુરત, તા. 15 નવેમ્બર, 2020, રવિવાર
માાર્ચ મહિનાથી સુરતમાં કોવિડની એન્ટ્રી બાદ મોટાભાગના તહેવારની ઉજવણી ફિક્કી જોવા મળી હતી , પરંતુ દિવાળીની ઉજવણી લોકોએ કોરોનાનો ખોફ ભુલીને કરી છે. સુરતીઓએ મન મુકીને દિવાળીની ઉજવણી કરવા સાથે ફટાકડા પણ મોટી માત્રામાં ફોડયા હતા. જેને પગલે મ્યુનિ. તંત્રની ચિંતામાં વધારો થયો છે. સુરતીઓ તહેવારની ઉજવણીમાં કાળજી નહીં રાખે તો આગામી દિવસો સુરત માટે ભારે પડી એમ છે.
કોવિડના નિયમોનું પાલન કરતાં સુરતીઓએ માર્ચથી નવેમ્બર માસ સુધીના તમામ તહેવારની ઉજવણી મર્યાદિત કરી હતી. આટલું જ નહીં પરંતુ સુરતીઓનો પોતિકો ગણાતો ચંદની પડવાનો તહેવાર પણ ભેગા થયાં વિના જ ઉજવી કાઢ્યો હતો. પરંતુ દિવાળીની ઉજવણી માટે સુરતીઓ કોરોનાનો કહેર પણ ભુલી ગયા હતા. છેલ્લા 10 દિવસથી સુરતમાં દિવાળી પહેલાંની ખરીદીનો માહોલ જોઈ મ્યુનિ. તંત્રની ઉંઘ ઉડી ગઈ છે. તેમાં પણ દિવાળીની ઉજળણીમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સ વિના ભાગે થઈને ઉજવતાં જોઈને આગામી દિવસો સુરત માટે કપરાં સાબિત થાય તેવી ભીતિ મ્યુનિ. તંત્ર વ્યક્ત કરી રહ્યું છે. સુરતીઓએ મન મુકીને દિવાળીની ઉજવણી હોવાથી મ્યુનિ. તંત્રએ દિવાળીના દિવસોમાં પણ કોરોના ટેસ્ટીંગ અને કોરોનાની સારવાર માટેની કામગીરી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. કોવિડની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓની રજા કેન્સલ કરીને રજાના દિવસોમાં ટેસ્ટીંગની કામગીરી ચાલુ રાખવા માટે જણાવ્યું છે. મ્યુનિ. તંત્રએ લોકોને અપીલ કરતાં જણાવ્યું કે, હાલ સુરતમાં કેસની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે પરંતુ તહેવારની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક નહી ભુલાઈ તેની કાળજી રાખવી જરૃરી છે. જો સુરતીઓ બેજવાબદાર બનીને ઉજવણી કરશે તો આગામી દિવસોમાં કોરોના સંક્રમણ ફરી વધવા સાથે કેસની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે.