કોર્પોરેટ બોન્ડસમાં રોકાણ કરવા માટે રિઝર્વ બેન્ક દ્વારા સઘન વિચારણા

  0
  22

  જીડીપી ઘટવાની ધારણાં છતાં દેશમાં ફોરેકસ રિઝર્વમાં સતત વધારો થઈ રહ્યો છે

  ફોરેકસ રિઝર્વમાંથી કરાતા ઈન્વેસ્ટમેન્ટમાં વૈવિધ્યકરણ લાવવાના રિઝર્વ બેન્ક માર્ગો શોધી રહી છે. કોરોનાને કારણે વૈશ્વિકસ્તરે વ્યાજ દરમાં ઘટાડાને કારણે આરબીઆઈને તેના રોકાણ પરના વળતર નીચું મળી રહ્યું છે. 

  રિઝર્વ બેન્ક પાસે હાલમાં ૫૬૦ અબજ ડોલર જેટલું ફોરેકસ રિઝર્વ છે. જે ઐતિહાસિક સપાટી છે. સામાન્ય રીતે રિઝર્વ બેન્ક ગોલ્ડ, સરકારી ઋણ સાધનો,  અમેરિકન ડોલર તથા જોખમમુકત ડિપોઝિટસમાં રોકાણ કરતી રહે છે, પરંતુ કોરોનાને કારણે વિશ્વની કેન્દ્રીય બેન્કોએ વ્યાજ દર હળવા કરતા વળતરમાં પણ ઘટાડો થયો છે.

  આને પરિણામે આરબીઆઈ હવે ગોલ્ડ તથા ડોલરમાં ઈન્વેસ્ટમેન્ટ વધારવા માગે છે એમ આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત સારા રેટિંગ સાથેના કોર્પોરેટ બોન્ડસમાં પણ રોકાણ કરવા વિચારી રહી છે. આમ થશે તો તે પહેલી જ વખત જોવા મળશે.

  સરકારી ઋણ સાધનો કરતા સારા રેટિંગ સાથેના કોર્પોરેટ બોન્ડસમાં ઊંચુ વળતર મળી રહે છે. અગાઉ આવા બોન્ડસમાં રોકાણ કરાયું નથી માટે રિઝર્વ બેન્ક તેમાં સાવધાનીપૂર્વક આગળ વધવા માગે છે.

  મજબૂત વળતરને કારણે વિદેશી રોકાણકારો ભારતના શેરબજારોમાં નાણાં ઠાલવી રહ્યા છે. એફડીઆઈ ખાસ કરીને રિલાયન્સમાં આવેલા વિદેશી રોકાણને કારણે દેશમાં ડોલરનો પ્રવાહ વધ્યો છે. દેશમાં નિકાસને વધારવા સરકાર રૂપિયાના હાલના વિનિમય દરથી સંતુષ્ટ છે અને રિઝર્વ બેન્ક પણ રૂપિયાનું મૂલ્ય બહુ ન વધી જાય માટે બજારમાં દરમિયાનગીરી કરતી રહે છે. 

  વર્તમાન નાણાં વર્ષમાં દેશના જીડીપીમાં ઘટાડો થવાની ધારણાં છતાં ડોલરનો જોરદાર પ્રવાહ થઈ રહ્યાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. રિઝર્વ બેન્ક પાસે હાલમાં ૩૬.૮૬ અબજ ડોલરનું ગોલ્ડ રિઝર્વ છે. વર્તમાન વર્ષમાં ગોલ્ડ પર ૩૦ ટકા જેટલું વળતર છૂટી રહ્યું છે. 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here