કોવિડ-19 : વધતા કેસ, ઘટતો મરણાંક ઇમ્યુનિટીનો કમાલ? કે વિષાણુની નવી ચાલ?

0
35

– વિજ્ઞાનીઓ જેને living dead/ જિંદા મુર્દા કહે છે તે મગજરહિત વિષાણુ ‘બુદ્ધિ’નો પરચો બતાવે છે

એક નજર આ તરફ – હર્ષલ પુષ્કર્ણા

દરદીનું અવસાન થાય તો સાથોસાથ પોતાનુંય આવી બને એવી સમજ વિષાણુની ‘ખોપરી’માં કોણે ફિટ કરી હશે તે કોને ખબર, પણ ‘ચબરાક’ વિષાણુ બને ત્યાં સુધી યજમાનને જલી મરવા દે નહિ એ હકીકત છે

એ કસો વીસ નેનોમીટર (૦.૦૦૦૦૧ સેન્ટિમીટર) જેવડું સાવ એટલે સાવ ક્ષુલ્લક કદ ધરાવતો અને ૦.૮પ એટ્ટોગ્રામ (૦.૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૮પ ગ્રામ) જેટલું નગણ્ય વજન ધરાવતો કોરોનાનો વિષાણુ ઊંચી IQ/ બુદ્ધિમત્તાના માનવી માટે માથાભારે કોયડો સાબિત થયો છે. આ માયાવી અસુરનો વધ કરી શકે તેવું બાયોલોજિકલ અસ્ત્ર હજી મળતું નથી. ક્યારે મળે તે અંગે છાતી ઠોકીને કહી શકાય તેમ પણ નથી. દરમ્યાન જગતભરમાં વધુ ને વધુ લોકો કોરોના વાઇરસ વડે ચેપગ્રસ્ત બનતા જાય છે.

આ ઉદાસીન સંજોગોમાં મનને જરા સધિયારો દેતી વાત એટલી કે કોવિડ-૧૯ના કારણે અવસાન પામનારા લોકોની સંખ્યામાં અગાઉ કરતાં સારો એવો ઘટાડો થયો છે. જુદી રીતે કહો તો કોરોનાનો ચેપ બેફામ રીતે ફેલાય છે, પરંતુ ચેપગ્રસ્તોના મૃત્યુઆંકની ટકાવારી ભેદી રીતે ઘટી છે. 

જેમ કે, માર્ચથી લઈને જુલાઈ સુધી ભારત સહિત બીજા ઘણા દેશોમાં કોવિડ-૧૯નો મૃતકાંક સારો એવો ઊંચો રહ્યો હતો. ગુજરાતની વાત કરો તો સંક્રમિતો સામે મૃતકોનો રેશિઓ ૭ ટકા હતો. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ૪-૪ ટકા હતો. ઓગસ્ટના આરંભથી રેશિઓ અનુક્રમે ૨, ૩ અને ૧.૬ ટકા થઈ ગયો એટલું જ નહિ, હજી તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

(સંદર્ભ: Indian Council of Medical Research/ ICMR, New Delhi). કોવિડ-૧૯ના મરણાંકમાં કટૌતી અને સંક્રમણમાં બઢૌતી ભારતના ફક્ત એકાદ-બે રાજ્યો પૂરતી સીમિત નથી, બલકે અમેરિકા-બ્રિટન જેવા દેશો પણ અત્યારે એ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આ અજુગતી ઘટના પાછળનું રહસ્ય આખરે શું છે? 

માનવજાતની રોગપ્રતિકારક શક્તિ વધુ શક્તિમાન બનીને કોરોના વિષાણુને પરાસ્ત કરી રહી છે? કે પછી પૃથ્વીના આખા ગોળા પર ફરી વળેલો વિષાણુ હવે ‘અચ્છા, તો હમ ચલતે હૈ!’ના મૂડમાં આવ્યો છે અને આસ્તે આસ્તે વિદાય લઈ રહ્યો છે? 

જવાબ આશ્ચર્ય પમાડે તેવો છે. ઉત્ક્રાંતિ અને નેચરલ સિલેક્શન તેમાં કેંદ્રસ્થાને હોવા ઉપરાંત વિષાણુ કેવી ‘બુદ્ધિશાળી’ જણસ છે તેની સમજૂતી મળે તેમ છે.

જીવવિજ્ઞાનની વ્યાખ્યા મુજબ જેના શરીરમાં ચયાપચયની ક્રિયા થાય તેની ગણના સજીવ તરીકે કરવામાં આવે છે. કીડીથી લઈને વ્હેલ સુધીના તમામ જીવો તે વ્યાખ્યામાં ફિટ થાય છે. મનુષ્ય પણ ખરો, અફ કોર્સ! 

બીજી તરફ, નરી આંખે ન દેખાતો વિષાણુ મગજ, જ્ઞાનતંત્ર, હૃદય, પાચનતંત્ર અને શ્વસનતંત્ર જેવા એકેય જૈવિક અવયવો ધરાવતો નથી. પરિણામે જીવવિજ્ઞાાનની ઉપરોક્ત વ્યાખ્યા મુજબ તેને સજીવનું લેબલ આપી શકાય નહિ. આ હકીકત સામે કોન્ટ્રાસ્ટ જન્માવતી વાસ્તવિકતા પાછી એ કે વિષાણુ પાસે પોતાની જિનેટિક બ્લૂ પ્રિન્ટ છે, જે કોઈ નિર્જીવ પદાર્થમાં (દા.ત. ધાતુને કે પથ્થરને) હોતી નથી. આનો સૂચિતાર્થ એ કે વિષાણુ સજીવ નથી તેમ નિર્જીવ પણ નથી. બે પૈકી એકેય વર્ગમાં તેનો સમાવેશ કરી શકાતો ન હોવાથી વિજ્ઞાનીઓએ તેને Living Dead/ જિન્દા મુર્દા એવી ત્રીજી કેટેગરીમાં મૂક્યો છે.  

કોરોના જેવો વિષાણુ પ્રોટીનરૂપી બાહ્ય કાચલું અને  તેની અંદર RNA/ રીબોન્યૂકલિક એસિડ એમ ફક્ત બે જૈવિક મટીરિઅલ્સનો બનેલો હોય છે. આ એસિડ વાસ્તવમાં સ્પ્રિંગના અસ્તવ્યસ્ત ગૂંચળાના આકારવાળી જિનેટિક બ્લૂ પ્રિન્ટ છે, જેનું કાર્ય મનુષ્યના (કે પછી મનુષ્યેતર જીવના) શારીરિક કોષમાં દાખલ થયા બાદ વિષાણુની ઝડપભેર અને સંખ્યાબંધ નકલો બનાવવાનું છે. આપમેળે ચાલ્યા કરતા તે કાર્યમાં વિષાણુએ પોતે તો ‘મગજ’ દોડાવવાનું થતું નથી.

બધો કમાલ જિનેટિક બ્લૂ પ્રિન્ટનો છે. આ સામાન્ય ખ્યાલ છે, જે સાચો પણ હોવા છતાં કોરોના જેવા વિષાણુઓ ઘણી વાર આપણને તે ખ્યાલ બદલવા માટે મજબૂર કરે છે. આ રીતે – પારકા સજીવના કોષોમાં ધામા નાખી પોતાનો કુટુંબકબીલો સતત વધારતા રહેવું વિષાણુના RNAમાં લખેલો જિનેટિક પ્રોગ્રામ છે. કોણે તે લખ્યો એ ન પૂછતા, કેમ કે તેનો જવાબ કોઈ શોધી શક્યું નથી અને શોધી પણ શકવાનું નથી.

આ અદ્રશ્ય પ્રોગ્રામનો જ પ્રતાપ કે વિષાણુ કદી એક યજમાનના શરીરમાં ટકીને બેસતો નથી. ઊલટું, સંક્રમણનો માર્ગ તેણે અપનાવ્યો છે-અને તે માટે ભારોભાર ચેપી બન્યો છે. ઉચ્છ્વાસ, લાળ, થૂંક, કફ જેવા માધ્યમો મારફત તે અન્ય સજીવના શરીર સુધી પહોંચે છે અને પછી ત્યાં વસ્તીવધારો શરૂ કરી દે છે. આ ક્રમ પછી તો અટકવાનું નામ ન લે. વિષાણુનું સંક્રમણ બહુ મોટા વ્યાપમાં ફેલાય અને અટકવાનું નામ ન લે ત્યારે કોવિડ-૧૯ જેવી મહામારી જગતને ઘેરી વળે છે.

મનુષ્યના શરીરમાં વિષાણુનો પેસારો થાય અને immune system/ ઇમ્યૂન સિસ્ટમ/ રોગપ્રતિકારક તંત્ર નિષ્ક્રિય રહે એવું થોડી બને? વિષાણુ સામે તે એન્ટિબોડીઝ એટલે કે ‘પ્રતિદ્રવ્યો બનાવવાનું શરૂ કરી દે છે. પ્રતિદ્રવ્યો વિરુદ્ધ વિષાણુનું મૂક ધીંગાણું ખેલાવું શરૂ થાય છે, જેમાં આખરે વિજય કોનો થાય તેનો આધાર રોગપ્રતિકારક તંત્રની ક્ષમતા પર યાને કે તે કેટલા જલદી તેમજ કેટલાક પ્રમાણમાં પ્રતિદ્રવ્યો બનાવે તેના પર રહેલો છે. પ્રતિદ્રવ્યો જો કારગત નીવડે, તો માયાવી વિષાણુ પણ ઓછી બલા નથી. પોતાનો અવતાર તે બદલવા લાગે છે. જીવવિજ્ઞાાનની પરિભાષામાં તેને mutation/ગુણવિકાર કહે છે. સાદી ભાષામાં કહો તો વાઇરસ તેનું પ્રોટીનરૂપી કવચ બદલી નાખી નવી ડિઝાઇનનું આયખું ધારણ કરી લે છે. આ વેશપલટો શરીરમાં અગાઉ બનેલાં પ્રતિદ્રવ્યોને નકામાં ઠરાવી દે, એટલે વિષાણુ વળી પાછી નકલો બનાવવા લાગે.

મેથી જુલાઈના સમયગાળામાં  કોવિડ-૧૯ના કારક કોરોના વાઇરસે પણ ગુણવિકાર વડે પોતાનાં વાઘાં બદલ્યાં, પરંતુ જુદાં કારણસર! વિષાણુનો શિકાર બનેલા દરદીઓના શરીરમાં તૈયાર થનાર પ્રતિદ્રવ્યોનો એ કમાલ નહોતો. બલકે, ખુદ વાઇરસની તે નવી ચાલ હતી.

જાણીતી વાત છે કે માનવજાત પર જાન્યુઆરી, ૨૦૨૦માં કોરોનાનું આક્રમણ શરૂ થયું ત્યાર પછીના પ્રારંભિક મહિના દરમ્યાન એ વિષાણુ અનેક લોકો માટે જાન લેવા સાબિત થયો. સંક્રમણની સંખ્યા ઓછી હોવા છતાં મૃત્યુઆંક ખાસ્સો ઊંચો હતો. 

એક વાત અહીં ખાસ ધ્યાનમાં લેવી રહી કે નહિ સજીવ કે નહિ નિર્જીવ એવા જિંદા મુર્દા વિષાણુની જિજીવિષા કંઈ ઓછી નથી. આથી યજમાનના શરીરમાં પોતાનું અસ્તિત્વ લાંબો સમય ટકી રહે એ તેના માટે આદર્શ સ્થિતિ છે. બલકે, એમ કહો કે એ તેની મુખ્ય નેમ છે. આ જ કારણસર એઇડ્સનો વિષાણુ પોતાના યજમાનને જલદી મરવા દેતો નથી. બીજી તરફ યજમાનના કોષોનું જૈવિક મટીરિઅલ વાપરીને પોતાની ધીમી, પણ નિશ્ચિત વંશવૃદ્ધિ ચાલુ રાખે છે. દરદીનું અવસાન થાય તો સાથોસાથ પોતાનુંય આવી બને એવી સમજ વિષાણુની ‘ખોપરી’માં કોણે ફિટ કરી હશે તે કોને ખબર, પણ ‘ચબરાક’ વિષાણુ બને ત્યાં સુધી યજમાનને જલદી મરવા દે નહિ એ હકીકત છે. 

જો કે બધા વિષાણુ એઇડ્સ જેવા સંયમી હોતા નથી. ઇબોલા અને ઇન્ફ્લુએન્ઝાના વિષાણુ અધીરા અને ભાંગફોડિયા છે. કોરોનાવાઈરસ પણ એ જ પ્રકૃતિનો છે. આથી કોવિડ-૧૯ના દરદીઓ બહુ ઝડપભેર મૃત્યુ પામવા લાગ્યા અને તેમની ચિરવિદાય સાથે વિષાણુનુંય હરિ ઓમ શરણ થવા લાગ્યું ત્યારે કોરોનાએ પોતાની રણનીતિ બદલી. મ્યૂટેશન એટલે કે ગુણવિકારની ટ્રિક અજમાવીને પોતાનું પ્રોટીનરૂપી બાહ્ય કાચલું બદલી નાખ્યું. પ્રોટીનનું આવરણ એમિનો એસિડ વડે બનેલું હોય છે. સંશોધકોએ જાણ્યું તેમ મેથી જુલાઈના સમયગાળામાં કોરોનાએ ઘ૬૧૪ પ્રકારના એમિનો એસિડનું સ્વરૂપ ગુણવિકાર વડે બદલીને D614G કરી દીધું. અહીં D એટલે એસ્પટક એસિડ અને G = ગ્લાયસિન.

એમિનો એસિડની મૂળ શૃંખલામાં વધારાનો એક મણકો ઉમેરાયા પછી D614G તરીકે જે નવું એમિનો એસિડ બન્યું તેણે કોરોનાનું જાણે કે ‘હૃદય પરિવર્તન’ કરી દીધું. હવે તે પહેલાં જેટલો ભાંગફોડિયો અને પ્રાણઘાતક ન રહ્યો. આથી સંક્રમિત દરદી કોવિડ-૧૯ માંદગીમાં પટકાય ખરો, પણ તેના મૃત્યુ પામવાની સંભાવના અગાઉ કરતાં અનેકગણી ઘટી. આનો સીધો લાભ કોરોનાવાઇરસને મળ્યો, કેમ કે આખરે તો યજમાન કી જાન હૈ, તો હમારા જહાન હૈ એવો સીધો નિયમ તેને લાગુ પડે છે.

ગુણવિકાર પામીને ‘અબ નયે પેક મેં’ હાજર થયેલો કોરોનાનો D614G બ્રાન્ડ વિષાણુ ઓછો ઘાતકી છે, પરંતુ સંક્રમણના દ્રષ્ટિકોણે જુઓ તો તેની પુરોગામી આવૃત્તિ કરતાં અનેકગણો ચેપી છે. આ જ કારણ છે કે ઓગસ્ટ માસથી જગતભરમાં કોવિડ-૧૯ના કેસમાં બમ્પર ઉછાળો આવ્યો હોવા છતાં દરદીઓનો મૃત્યુઆંક ધાર્યા કરતાં ક્યાંય ઓછો રહ્યો. ગુણવિકારના બહાને જિનેટિક બ્લૂપ્રિન્ટમાં થયેલો સાવ અલ્પમાત્રાનો ફેરફાર પણ કેવા ચમત્કારો સર્જે છે!

પ્રતિકૂળ સંજોગો વચ્ચે ટકી રહેવા માટે શરીરમાં અમુક યા તમુક જૈવિક ફેરફારો થાય તેને નેચરલ સિલેક્શન કહે છે. ગુજરાતીમાં તે માટે અનુકૂલન શબ્દ વાપરી શકાય. કરોડો વર્ષ પહેલાં વૃક્ષની ડાળે ઝૂલતો મનુષ્યનો આદિપૂર્વજ વાનર જમીન પર વસવા લાગ્યો ત્યારે તેની પૂંછડી ક્રમશ: નાની થતી નાબૂદ થઈ. ડાળે ઝૂલવાનું નહોતું, એટલે લાંબા હાથની આવશ્યકતા ન રહેતાં તે જરા ટૂંકા બન્યા. આ પરિવર્તન આસપાસના સ્થિતિ સંજોગો મુજબ આવ્યું હતું. મનુષ્ય માટે ઉત્ક્રાંતિનો ક્રમ હજી અટક્યો નથી, એટલે તે બૌદ્ધિક તથા શારીરિક રીતે જરા તરા બદલાતો રહેવાનો છે.

બદલાવની આવી સુવિધા કુદરતે શું એકલા મનુષ્યને આપી છે? જવાબમાં હા કહો તો સામે એ સવાલ પૂછવાનો થાય કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોરોનાના વિષાણુએ ગુણવિકારને જે તરીકે અપનાવ્યો તેને શું ગણો? ઉત્ક્રાંતિ, નેચરલ સિલેક્શન કે સહજ યોગાનુયોગ?

નિરાંતે મંથન કરવા જેવો સવાલ છે. કોઈ શાંત ખૂણે બેસીને મગજમાં વિચાર વલોણું ઘુમાવો ત્યારે ૧૨૦ નેનોમીટરના અને ૦.૮પ એટ્ટોગ્રામના તુચ્છ જિંદા મુર્દા કોરોના વિષાણુ પ્રત્યે તેની ઊંચી IQ બદલ માન ઊપજે એ શક્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here