કોહલી એડિલેડ ટેસ્ટ બાદ ભારત પરત ફરશે, રોહિત શર્મા ટેસ્ટ ટીમમાં સામેલ

  0
  11

  ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ખાતે રમાનારી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ બાદ ભારત પરત ફરશે. બીજી તરફ બીસીસીઆઇએ રોહિત શર્માનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કર્યો છે. કોહલી જાન્યુઆરી મહિનામાં પિતા બનવાનો છે અને આ કારણથી તે બાકીની ત્રણ ટેસ્ટ રમશે નહીં અને તેણે આ બાબતની બોર્ડને જાણ પણ કરી દીધી છે. રવિવારે સિનિયર ટીમની પસંદગી સમિતિની બેઠક યોજાઇ હતી અને બોર્ડની મેડિકલ ટીમના રિપોર્ટ બાદ કેટલાક પ્લેયરની રિપ્લેસમેન્ટ કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે પસંદગી સમિતિ કે પ્રમુખ સૌરવ ગાંગુલીએ રોહિત સાથે વાટાઘાટ કરી હતી અને ત્યારબાદ તેને ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે તથા ટી૨૦ શ્રેણીમાં આરામ અપાયો છે. આ સાથે પસંદગી સમિતિએ સંજૂ સેમસનને એક્સ્ટ્રા વિકેટકીપર તરીકે વન-ડે ટીમમાં સામેલ કર્યો છે.

  ઇશાન્ત શર્મા હાલમાં બેંગ્લોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે રિહેબિલિટેશન પ્રોગ્રામમાંથી પસાર થઇ રહ્યો છે. તે સંપૂર્ણ ફિટ થઇને ફિટનેસ હાંસલ કરી લેશે ત્યારે તેનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવશે. વરુણ ચક્રવર્તી ટી૨૦ શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે અને તેના સ્થાને ટી. નટરાજનનો સમાવેશ કરાયો છે. રિદ્ધિમાન સાહા પણ હેમસ્ટ્રિંગ ઇજાનો શિકાર બન્યો છે અને તેના રમવા અંગે પાછળથી નિર્ણય લેવાશે. કમલેશ નાગરકોટી પણ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડી શકશે નહીં કારણે મેડિકલ ટીમ તેના બોલિંગ વર્કલોડ ઉપર કામ કરી રહી છે. ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ૨૭મી નવેમ્બરથી શરૂ થશે. છેલ્લે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઇ હતી ત્યારે ટેસ્ટ શ્રેણીમાં ૨-૧થી વિજય હાંસલ કર્યો હતો. આ વખતે કોહલીબ્રિગેડ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here