ખાનગી ટેકનિકલ કોલેજો-યુનિ.ઓ 25 ટકા ફી ઘટાડા માટે તૈયાર નથી

0
63

– હાઈકોર્ટના નિર્દેશાનુસાર ફી કમિટીની સંચાલકો સાથે બેઠક

– વીજ ખર્ચ સહિતના ઘણા પ્રકારના ખર્ચા ઓછા થયા, ફી કમિટી ફી વધારો લીધો નથી અને 5 ટકાથી ઓછા ખર્ચા ઘટયા : સંચાલકો

કોરોનાને લઈને ટેકનિકલ-પ્રોફેશનલ અને વોકેશનલ કોલેજો-યુનિ.ઓની ફીમાં ઘટાડા માટે થયેલી પીટિશનના કેસમાં હાઈકોર્ટે સરકારને ખાનગી કોલેજો-યુનિ.ઓના સંચાલકોને પણ સાંભળવા નિર્દેશ કર્યો હોવાથી સરકારની ટેકનિકલ ફી રેગ્યુલેશન કમિટી દ્વારા આજે ખાનગી ડિગ્રી-ડિપ્લોમા કોલેજોના સંચાલક મંડળો તેમજ નક્કી કરેલી ખાનગી યુનિ.ઓના મેનેજમેન્ટ સાથે બેઠક કરવામા આવી હતી.

જેમાં ફી કમિટી દ્વારા સરકારના પ્રતિનિધિ તરીકે કોલેજો-યુનિ.ઓ સમક્ષ ૨૫ ટકા ફી ઘટાડાની દરખાસ્ત મુકાઈ હતી અને અભિપ્રાય માંગવામા આવ્યા હતા.જો કે સંચાલકો ફી ઘટાડો કરવા તૈયાર નથી.

હાઈકોર્ટના નિર્દેશાનુસાર ટેકનિકલ ફી રેગ્યુલેશન કમિટી દ્વારા આજે ડિગ્રી ઈજનેરી કોલેજોના સેલ્ફ ફાઈન્સ કોલેજ એસોસિએશન(અમદાવાદ) તેમજ ડિપ્લોમા ઈજનેરી કોલેજોના મેનેજમેન્ટ અને એઆઈસીટીઈ અપ્રુવ્ડ સેલ્ફ ફાઈનાન્સ કોલેજીસ ઓફ ગુજરાત (રાજકોટ)ના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવામા આવી હતી.

ફાર્મસી કોલેજ એસોસિએશનને પણ બોલાવાયુ હતુ પણ તેના પ્રતિનિધિઓ આવ્યા ન હતા.આ ઉપરાંત ફી કમિટીએ રાજ્યમાં વિવિધ ઝોન પ્રમાણે ૧૧ પ્રાઈવેટ યુનિ.ઓને  અભિપ્રાયો સાંભળવા માટે નક્કી કરી છે.જેમાંથી આજે અમદાવાદ યુનિ.,પારૃલ યુનિ.સહિતની પાંચથી યુનિ.ઓના મેનેજમેન્ટ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

બે દિવસ સુધી બેઠકો ચાલનાર છે અને જેમાં એસોસિએશનો તેમજ યુનિ.ઓ સહિત ૧૬  સંસ્થાઓને સાંભળવામા આવશે.આવતીકાલે પણ ૯ સંસ્થાઓ સાથે મીટિંગ મળનાર છે. આજની મીટિંગમાં ફી કમિટીના મેમેમ્બર દ્વારા ડિગ્રી-ડિપ્લોમા કોલેજોના સંચાલકો સમક્ષ ૨૫ ટકા ફી ઘટાડાની દરખાસ્ત કરાઈ હતી.

વીજ ખર્ચ, પાણી ખર્ચ, સાફસફાઈ-રાખ રખાવ ખર્ચ સહિતના ઘણા ખર્ચા લોકડાઉનમાં ઘટયા  હોવાનું કમિટી જણાવ્યુ હતું.જેની સામે ડિગ્રી કોેલજોના સંચાલક મંડળ (એસએફઆઈ કોલેજ એસો.)ના પ્રમુખ જનક ખાંડવાલાએ જણાવ્યું કે ૨૦૧૭થી ૮૦ ટકા કોલેજોએ ફી વધારો લીધો જ નથી અને કમિટીએ આપ્યો પણ નથી.

આ ઉપરાંત ચાલુ વર્ષેે પણકોલેજોને ૧૦થી૧૫ ટકા વધારો મળે તેમ હતો છતાં રાજ્યની તમામ કોલેજોએ સ્વૈચ્છાએ ફી વધારો જતો કર્યો છે.જે વિવિધ પ્રકારના ખર્ચા ઘટયા છે તે કુલ ફીના ૫ ટકાથી પણ ઓછા છે અને કોર્પોરેશન-વહિવટી સત્તા મંડળ દ્વારા વિવિધ પ્રકારના ટેક્સ માફ કરવામા આવ્યા નથી.

ઉલટાનું ઓનલાઈન શિક્ષણમાં ખર્ચ વધ્યા છે.જેથી ૨૫ ટકા ફી ઘટી શકે તેમ નથી.જ્યારે ડિપ્લોમા ઈજનેરી કોલેજોના એસોસિએશન વતી જીતેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે એઆઈસીટીઈના નિયમ મુજબ ફેકલ્ટી ઘટાડી શકાય તેમ નથી ત્યારે કોલેજો બંધ છતા તમામ ફેકલ્ટી નિયમ મુજબ રાખવામા આવી છે અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ છે.

બીજી બાજુ દર વર્ષે બેઠકો ખાલી રહેતી હોવાથી ડિપ્લોમા કોલેજોની હાલત કફોડી હોવાથી ફી ઘટાડી શકાય તેમ નથી. એસોસિએશન ઉપરાંત ખાનગી યુનિ.ઓના સંચાલકોએ પણ આ જ રેકર્ડ વગાડતા ફી ઘટાડો થઈ શકે તેમ નથી તેવુ સ્પષ્ટ જણાવી દીધુ છે.કમિટી દ્વારા સંચાલક મંડળો-યુનિ.ઓના અભિપ્રાયો મેળવી સરકારને રીપોર્ટ અપાશે અને જે હાઈકોર્ટ સમક્ષ મુકાશે.

નોન ટેકનિકલ કોલેજો  સાથે પણ બેઠક ઃ હિસાબો મંગાવાયા 

હાઈકોર્ટે ટેકનિકલ-પ્રોફેશનલ  અને નોન ટેકનિકલ-વોકેશનલ સહિતના તમામ કોર્સની કોલેજોના સંચાલકોને પણ સાંભળવા નિર્દેશ કર્યો છે ત્યારે રાજ્ય સરકારે બીબીએ-બીસીએ-બીકોમ સહિતના વોકેશનલ-નોન ટેકનિકલ કોર્સીસ  માટે હંગામી ફી કમિટી રચી છે અને જેના દ્વારા ખાનગી કોલેજો-યુનિ.ઓના સંચાલકો સાથે બેઠક કરવામા આવી હતી.જેમાં કોલેજો પાસેથી બેલેન્સશીટ સહિતના ડોક્યુમેન્ટ મંગાયા હતા.

હાલ પ્રતિનિધિઓ સાથે બેઠક થઈ હતી અને હવે બીજી બેઠકમાં ટ્રસ્ટી મંડળના સભ્યોને પણ સાંભળવામા આવશે. રાજ્યમા આવેલી ખાનગી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી-ફાર્મસી તેમજ એમબીએ-એમસીએ સહિતની વિવિધ ટેકનિકલ કોર્સની ખાનગી કોલેજો-યુનિ.ઓના સંચાલકોને સાંભળવા અને તેમના સૂચનો માટે ટેકનિકલ ફી રેગ્યુલેશન કમિટીને જવાબદારી સોંપી છે.જો કે બંને કમિટીઓના અધ્યક્ષ એક જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here