ખેતરોમાં પરાળ બાળવાની શરુઆત થતા જ દિલ્હીમાં પ્રદૂષણનો આંક વધ્યો

0
29

કોરોનાકાળમાં જો પ્રદૂષણનો આંક વધશે તો હવામાં તરતા એરોસેલ ઘાતક સાબીત થશે

પરાળ બાળવાથી પર્યાવરણને થતું નુકસાન દેશની જીડીપીના ૧.૫ ટકા જેટલું છે

ઓકટોબર માસને મધ્યાન થવા આવ્યો છે ત્યારે દિલ્હીના વાતાવરણમાં હવાની ગુણવત્તા બગડી રહી છે. એનસીઆરના પ્રદૂષણમાં ગંભીર પ્રકારનો ખતરો ઉભો થયો છે. નોઇડામાં પ્રદૂષણ આંક 331 જયારે દિલ્હીનો સરેરાશ આંક 306 હતો જે અત્યંત ખરાબ માનવામાં આવે છે.  દિલ્હી આસપાસ હરિયાણા અને પંજાબના ખેતરોમાં ખેડૂતો પાક લીધા પછી પરાળનો યોગ્ય નિકાલ કરવાના સ્થાને બાળતા હોવાથી આસપાસની હવામાં પ્રદૂષણ વધી જાય છે. દર વર્ષે ઓકટોબરથી નવેમ્બર માસ દરમિયાન હરીયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિતના ઉત્તર ભારતમાં વાયુ પ્રદૂષણ વધે છે જેની શરુઆત થઇ ચુકી છે.

ગત વર્ષની વાત કરીએ તો  પાટનગર દિલ્હીમાં  પ્રદૂષણનો આંક (એર કવૉલિટી ઇન્ડેક્ષ) ૫૦૦ને પાર કરી જતા હેલ્થ ઇમરજન્સી જાહેર કરવી પડી હતી. વાતાવરણમાં એર કવૉલિટી ઇન્ડેક્ષ ૫૦ જેટલો હોયતો સારો ગણાય છે. ૫૧ થી ૧૦૦ સંતોષકારક,  ૧૦૧ થી ૨૦૦ મધ્યમ જયારે ૨૦૧ થી ૩૦૦ ખરાબ ગણાય છે. આનાથી પણ આગળ વધીએ તો ૩૦૧ થી ૪૦૦ અત્યંત હાનિકારક જયારે ૪૦૧ થી ૫૦૦નો આંક હેલ્થ ઇમરજન્સી લાદવી પડે તેટલો ખતરનાક ગણાય છે. 

એક ટન પરાળ બાળવાથી હવામાં ૩ કિલો કાર્બન કણ, ૧૫૧૩ કિગ્રા કાર્બન વાયુ ઉમેરાય છે 

આ વર્ષે કોરોના મહામારીના કાળમાં જો પ્રદૂષણનો આંક વધશે તો હવામાં તરતા એરોસેલ ઘાતક સાબીત થઇ શકે છે. પરાળ બાળવાથી થતા પ્રદૂષણના કણ ફેફસામાં જઇને ખાંસી વધારે છે. અસ્થમા અને એલર્જીના દર્દીઓએ શ્વાસ લેવામાં તકલીફ પડે છે.  એક ટન પરાળ બાળવાથી હવામાં ૩ કિલો કાર્બન કણ, ૧૫૧૩ કિગ્રા કાર્બન ડાયોકસાઇડ, ૯૨ કિલો કાર્બન મોનોક સાઇડ ૩.૮૩ કિગ્રા નાઇટ્સ ઓકસાઇડ, ૦.૪ કિલોગ્રામ સલ્ફર ડાયોકસાઇડ, ૨.૭ કિગ્રા મિથેન અને ૨૦ કિલો રાખ-ધૂળ ફેલાય છે. ખેતરમાં પાક તૈયાર થાય અને ડુંડા બેસે ત્યારે મશીનથી પાકના ઉપરના ભાગની કાપણી કરવામાં આવે છે ત્યારે અડધાથી એક ફૂટના ઠુંઠા રહી જાય છે જેના મૂળિયા જમીન સાથે જડાયેલા હોય છે. આ ઉપરાંત મશીનમાં પૂળા નાખીને દાણા તૈયાર કર્યા પછી પણ અવશેષો ખેતરમાં પડયા રહે છે. આમ તો ધાન્ય પાકોનો વધેલો આ ભાગ પશુઆહાર તરીકે પણ કામ લાગી શકે છે, ક્મ્પોસ્ટ ખાતર પણ તૈયાર કરી શકાય છે પરંતુ છેલ્લા બે દાયકાથી  ઉત્તર ભારતમાં બાળીને તેનો નાશ કરવાની પ્રથા પડી છે.  

પરાળનો યોગ્ય નિકાલ કરવાના સ્થાને ખેડૂતો શા માટે બાળી નાખે છે ?

પરાળ એક પ્રકારનું બાયોમાસ છે જે ખેતરમાં પાક લીધા પછી વધતા કચરા સ્વરુપે હોય છે. આમ તો તેનો નિકાલ મજુરો રોકીને કરી શકાય છે પરંતુ મજૂરીના દર મોંઘા પડતા હોવાથી ખેડૂતો આ કચરાનો ખેતરમાં બાળીને નિકાલ કરે છે. પાકની કાપણી માટે હાર્વેસ્ટર મશીન આવ્યા એ પછી ખેતીમાં વેસ્ટ મેનેજમેન્ટની સ્થિતિ વધારે બગડી છે.  હરીયાણા અને પંજાબમાં ધાન્ય વર્ગ બાજરી, જુવાર, મકાઇ અને કઠોળ પાકોની ખેતી મોટા પાયે થાય છે. ધન ધાન્યની રીતે સમુધ્ધ ગણાતા હરીયાણા પંજાબ અને ઉત્તરપ્રદેશના ખેડૂતો એક વર્ષમાં ખેતીની ત્રણ સિઝન લે છે. ચોમાસા ઉપરાત શિયાળામાં રવી અને ઉનાળા દરમિયાન ઉનાળુ પાકોનું વાવેતર કરે છે. ચોમાસા અને રવી સિઝન વચ્ચે માત્ર ૧૦ થી ૧૫ દિવસનો જ ગાળો હોય છે આથી તાબડતોબ ખેતર ખેડીને તૈયાર કરીને રવી પાક વાવવા પડે છે. આ દરમિયાન ચોમાસાની સિઝનમાં લીધેલા પાકનું પરાળ અને ઠુંઠા ખેતરમાંથી વિણવાનો કે મજૂરો બોલાવવાનો સમય હોતો નથી. એક એકરમાં પરાળ અને ઠુંઠા બહાર કાઢીને ખેતર ચોખ્ખું કરવાનો ખર્ચ અંદાજે ૬ હજાર રુપિયા જેટલો થાય છે. આથી પરાળ કાઢવા કે જમીનમાં દાબવાના સ્થાને ખેડૂતો ખેતરમાં આગ લગાવી દેવાનો વિકલ્પ પસંદ કરે છે. પંજાબમાં જ ૪૫ થી ૫૦ લાખ મેટ્રિક ટન પરાળ બાળવામાં આવે છે. હરીયાણામાં  ૯૦ લાખ ટન ઘઉં અને ધાન્ય પાકોના અવશેષો બાળવામાં આવે છે જેનું પ્રદૂષણ ઓકટોબર-નવેમ્બર મહિનામાં દિલ્હી અને એનસીઆર સુધી ફેલાય છે.

ઉત્તર ભારતમાં પરાળ બાળવાથી પર્યાવરણની દ્રષ્ટીએ ૨ લાખ કરોડનું નુકસાન 

એક માહિતી મુજબ ભારતમાં વર્ષે ૬૩૦ થી ૬૩૫ લાખ મેટ્રિક ટનથી વધુ ખેત અવશેષો પેદા થાય છે. ખેત અવશેષોના નિકાલની જાણકારીના અભાવે ભારતમાં માત્ર ૧૦ ટકા જ અવશેષ મેનેજમેન્ટ થાય છે. દરેક પાકમાં અવશેષોની ટકાવારી જુદી જુદી હોય છે જેમ કે ધાન્ય પાકોમાં ૫૮ ટકા, શેરડીમાં ૧૭ ટકા, રેશાવાળા પાકોમાં ૨૦ ટકા અને તેલિબિયામાંથી ૧૦ થી ૧૫ ટકા હોય છે. આંતરરાષ્ટ્રીય ખાધ નીતિ અનુસંધાન સંસ્થાનના એક સ્ટડી મુજબ ઉત્તર ભારતમાં પરાળ બાળવાથી પર્યાવરણની દ્રષ્ટીએ ૨ લાખ કરોડનું નુકસાન થાય છે જેમાં વાયુ પ્રદૂષણથી થતી બીમારી અને સારવારના ખર્ચનો પણ સમાવેશ થાય છે. આ રકમ કેન્દ્ર સરકારના આરોગ્ય ક્ષેત્રના વાર્ષિક બજેટ કરતા પણ વધારે અને દેશની જીડીપીનો ૧.૫ ટકા જેટલી છે. પર્યાવરણવાદી અને કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે કે પરાળ જેવા ખેત અવશેષો ખેતરમાં બાળવાથી ખેતીને પણ નુકસાન થઇ રહયું છે. 

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)ની જોગવાઇ મુજબ પરાળ બાળવું ગુનો છે 

જો ખેડૂતો ખેતરો બાળવાનું બંધ નહી કરે તો આવતા ૨૦ વર્ષમાં જમીનની ઉત્પાદન ક્ષમતામાં ૨૦ થી ૩૦ ટકાનો ઘટાડો થશે. પરાળની આગથી ખેતરમાં માટીમાં રહેલા કાર્બનિક પદાર્થોની માત્રા ઓછી થઇ જાય છે. જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક બંધારણને નુકસાન થાય છે. અવશેષો બાળવાથી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા મહત્વના તત્વોની લભ્યતા પણ ઘટે છે. પાક માટે ઉપયોગી કિટકો અને અળશિયા જેવા જીવો અને માટીમાં રહેલા કરોડો સુક્ષ્મ જીવો મરી જાય છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)ની જોગવાઇ મુજબ ૨ થી ૫ એકરના ખેતરમાં પરાળ બાળનારા ખેડૂતને  રુપિયા ૨૫૦૦ થી માંડીને ૧૫ હજાર રુપિયા દંડ થઇ શકે છે. તેમ થતાં પરાળ બાળવાની પ્રવૃતિ અટકતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here