ગુજરાતના 10,000 TRB જવાનની દિવાળી બગડી : પગાર જ નથી થયો

0
53

 ટ્રાફિક વ્યવસ્થા જાળવતા જવાનોને પગાર દોઢ-બે મહિને મળે છે

હવે,  ટ્રાફિક પોલીસ દંડ નહીં કરે પણ વાહનચાલકને સમજાવીને જવા દેશે. દિવાળી સમયે પ્રજાજનોને લાભકર્તા નિર્ણય લેવાયો છે. પણ, અમદાવાદ સહિત રાજ્યના 10000 ટીઆરબી જવાનોની દિવાળી બગડી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના મહાનગરોમાં ટીઆરબી એક ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. ટીઆરબીનો પગાર અલગ-અલગ ત્રણ બેન્કોમાંથી થાય છે.

ત્રણ પૈકીની એક બેન્કમાં ખાતાં ધરાવતા ટીઆરબી જવાનોને પગાર મળી ગયો છે. પણ, બે બેન્કમાં ચૂકવણું થયું નથી ને રજા પડી જવાથી ટીઆરબી જવાનોની દિવાળી બગડી છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના હિસાબી અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટને તા. 11ના રોજ ચેક આપી દેવામાં આવ્યો હતો. ત્રણે ત્રણ બેન્કમાંથી પગાર ચૂકવણું થાય તેવો પ્રયાસ કરાયો હતો.

અમદાવાદ શહેરમાં 2,000 ટીઆરબીને ત્રણ બેન્કમાંથી પગાર ચૂકવાય છે તેમાંથી બે બેન્કમાં ચૂકવણું ન થયું ને રજા પડી ગઈ શહેર ટ્રાફિક પોલીસે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસની મદદમાં ટીઆરબીની મદદ લેવાનું શરુ કર્યું છે. દરરોજના 300 રુપિયા મહેનતાણાં સાથે 28 દિવસની નોકરી ગણતાં 8400 રુપિયા જેટલો પગાર ચૂકવવામાં આવે છે. અમદાવાદ શહેરમાં અંદાજે 2000 મળી રાજ્યના શહેરી વિસ્તારોમાં કુલ 12000 ટીઆરબી જવાનો કાર્યરત છે.

આ જવાનોને પગારની ચૂકવણી કરવા માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. ટીઆરબીના જવાનોને દર મહિનાનો પગાર બીજા મહિનાના અંત ભાગમાં મળે છે. ટીઆરબી જવાનને તેમની નોકરીના હાજરીના દિવસોની ગણતરી કરી પગાર સીધો જ તેમના બેન્ક ખાતાંમાં જમા કરવામાં આવે છે.

ઓક્ટોબર મહિનાનો પગાર નવેમ્બર મહિનાના અંતભાગ એટલે કે તા. 25થી 30 વચ્ચે કરવાનો હતો. પરંતુ, દિવાળી હોવાથી ટીઆરબી જવાનોને વહેલા પગાર ચૂકવવાની ખાતરી આપવામાં આવી હતી. અમદાવાદના 2000 ટીઆરબી જવાનોનો પગાર સેન્ટ્રલ બેન્ક, એક્સિસ બેન્ક અને જીએસી બેન્કમાંથી કરવામાં આવે છે.

ટીઆરબી જવાનોના સૂત્રોમાં ચર્ચા મુજબ, જુના ટીઆરબી જવાનોના સેલેરી એકાઉન્ટ સેન્ટ્રલ બેન્કમાં છે અને તેમને પૈસા ચૂકવી દેવામાં આવ્યાં છે. જ્યારે, એક્સિસ બેન્ક અને જીએસી બેન્કમાં જેમના સેલેરી એકાઉન્ટ છે તેવા ટીઆરબી જવાનોને પગાર મળ્યો નથી. અમદાવાદના ટીઆરબી જવાનોએ જણાવ્યું કે, આવી જ સ્થિતિ વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોના અંદાજે 10000 ટીઆરબી જવાનોની છે.

બીજી તરફ, શહેર ટ્રાફિક પોલીસના હિસાબી વિભાગનું કહેવું છે કે, તા. 11ના રોજ અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટને ચેક આપી દેવામાં આવ્યો હતો. ટ્રસ્ટ તરફથી બેન્કમાં ચેક જમા કરાવ્યા પછી ત્રણ બેન્ક થકી પગાર ચૂકવણું થાય છે. પરંતુ, બે બેન્કમાંથી ચૂકવણું થયું નથી તેવી ફરિયાદ છે. ટીઆરબી જવાનોમાં કચવાટ છે કે, દિવાળીના દિવસોમાં જ પગાર સમયસર ન થતાં દિવાળી બગડી છે. હવે બેન્કો બંધ હોવાથી દિવાળી પૈસા વગર જ પસાર કરવી પડશે.  કમનસીબી એ પણ છે કે, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા આઠ-આઠ કલાક રોડ પર ઉભા રહેતાં જવાનોને દોઢ-બે મહિને પગાર મળે છે.

ટ્રાફિક પોલીસ સાથે TRB રોડ પર ઉભા રહી તોડબાજી કરતાં હોવાની ફરિયાદ શહેરના રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ અને ટીઆરબી ઉભા રહીને ટ્રાફિક નિયમન ઉપરાંત નિયમભંગ કરતાં વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરે છે. છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ પર ટીઆરબી જોવા મળે છે અને ટ્રાફિક પોલીસ રસ્તા ઓછી જોવા મળે છે.

ટ્રાફિક પોલીસ પોતાની સલામતી રાખીને ટીઆરબીને આગળ રાખીને તોડબાજી કરતાં હોવાની ફરિયાદો પણ લોકોમાં વ્યાપક બની છે. નિયમભંગ કરતાં લોકોને ઝડપી લઈ લાઈસન્સ અને અન્ય પેપર્સ તપાસ્યા બાદ ટીઆરબી જવાન ટ્રાફિક પોલીસ પાસે મોકલી આપે છે.

બાદમાં, ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે વાતચિત પછી જે રકમ નક્કી થાય તે ટીઆરબી જવાન સ્વિકારી તેવું આંતરિક સેટીંગ ગોઠવાયેલું હોય છે. જો કે, તોડબાજીના આ કારસ્તાનમાં તમામ ટીઆરબી જવાન કે ટ્રાફિક પોલીસ કર્મચારી સામેલ હોય તેવું હોતું નથી. ગણ્યાગાંઠયા તોડબાજોના કારણે મોટાભાગના ટ્રાફિક પોલીસ અને ટીઆરબીએ બદનામ થવું પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here