ગુજરાતમાંથી 4 વર્ષમાં રૂ. 12.24 કરોડથી વધુની બનાવટી નોટ જપ્ત

0
127

– નોટબંધી બાદ બનાવટી ચલણી નોટના પ્રમાણમાં વધારો

– એક જ વર્ષમાં સૌથી વધુ મૂલ્યની બનાવટી ચલણી નોટ જપ્ત થઇ હોય તેવા રાજ્યોમાં ગુજરાત બીજા સ્થાને

અમદાવાદ, શનિવાર

સમગ્ર દેશમાં બનાવટી ચલણી નોટની હેરફેર કરવાનું એક મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. દેશના જે રાજ્યોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સૌથી વધુ બનાવટી ચલણી નોટ જપ્ત થઇ હોય તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાંથી વર્ષ ૨૦૧૯માં જ ૪૪૫૮૦ ચલણી નોટ જપ્ત થઇ છે અને તેનું મૂલ્ય રૃપિયા ૩.૭૭ કરોડ છે. મૂલ્યની રીતે સૌથી વધુ ચલણી નોટ જપ્ત થઇ હોય તેવા રાજ્યોમાં કર્ણાટક રૃ. ૪.૩૩ કરોડ સાથે ટોચના જ્યારે ગુજરાત બીજા સ્થાને છે. 

સૌથી વધુ મૂલ્યની બનાવટી ચલણી નોટ જપ્ત થવામાં વર્ષ ૨૦૧૭, વર્ષ ૨૦૧૮માં ગુજરાત મોખરાના સ્થાને રહ્યું હતું. જેમાં વર્ષ ૨૦૧૭માં રૃ. ૯ કરોડનું મૂલ્ય ધરાવતી ૮૦૫૧૯ અને વર્ષ ૨૦૧૮માં રૃ. ૧.૨૩ કરોડનું મૂલ્ય ધરાવતી ૨૮,૮૫૫ બનાવટી ચલણી નોટ જપ્ત થઇ હતી. ગુજરાતમાંથી વર્ષ ૨૦૧૯માં રૃપિયા ૨ હજારની સૌથી વધુ ૧૪૪૯૪, રૃપિયા ૫૦૦ની નવી ૫૫૫૮, રૃપિયા ૧ હજારની ૨૭૦૯ અને રૃપિયા ૫૦૦ની જૂની રૃપિયા ૨૫૫૨ ચલણી નોટ જપ્ત થઇ હતી. બીજી તરફ વર્ષ ૨૦૧૭ના એક જ વર્ષમાં રૃપિયા ૨ હજારના મૂલ્યની ૩૦૬૫૮ બનાવટી ચલણી નોટ જપ્ત થઇ હતી. ગુજરાતમાં આટલા મોટાપ્રમાણમાં ફરતી બનાવટી ચલણી નોટ ચિંતાનો વિષય છે.

વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૧૯માં એમ છેલ્લા ચાર વર્ષમાં જ રૃપિયા ૨ હજારની કુલ ૫૭૧૦૪ બનાવટી ચલણી નોટ જપ્ત થયેલી છે અને તેનું મૂલ્ય રૃપિયા ૧૧.૪૨ કરોડ છે. આ સમયગાળા દરમિયાન દેશના જે રાજ્યમાંથી  રૃપિયા ૨હજારની સૌથી વધુ મૂલ્યની બનાવટી ચલણી નોટ જપ્ત થઇ હોય તેમાં ગુજરાત મોખરે છે. વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૧૯માં રૃપિયા ૫૦૦ની ૧૪૮૭૭ બનાવટી ચલણી નોટ ઝડપાઇ હતી અને તેનું મૂલ્ય રૃપિયા ૭૪.૩૮ લાખ હતું. રૃપિયા ૫૦૦ની નવી જ નહીં જૂની ચલણી બનાવટી નોટ પણ જપ્ત થઇ રહી છે. બીજી તરફ રૃપિયા ૨૦૦ની કુલ ૩૮૮૪ ચલણી નોટ છેલ્લા ચાર વર્ષમાં ઝડપાઇ છે અને તેનું મૂલ્ય રૃપિયા ૭.૭૬ લાખ છે. જાણકારોના મતે નોટબંધી જાહેર કરવામાં આવ્યા બાદ બનાવટી ચલણી નોટના પ્રમાણમાં વધારો થયો છે. બનાવટી ચલણી નોટને મામલે ગુજરાતમાંથી વર્ષ ૨૦૧૭માં ૯૦, વર્ષ ૨૦૧૮માં ૫૮ અને વર્ષ ૨૦૧૯માં ૧૧૪ની ધરપકડ કરવામાં આવી છે.

દેશના કયા રાજ્યમાંથી સૌથી વધુ બનાવટી ચલણી નોટ ઝડપાઇ?

રાજ્ય      ચલણી નોટ      મૂલ્ય

કર્ણાટક    ૨૪,૫૩૬       રૃ. ૪.૩૩ કરોડ

ગુજરાત    ૪૪,૫૮૦       રૃ. ૩.૭૭ કરોડ

આંધ્ર પ્રદેશ ૩૩,૮૫૯       રૃ. ૩.૫૪ કરોડ

ઉત્તર પ્રદેશ ૧,૧૨,૭૫૩     રૃ. ૨.૯૧ કરોડ

મહારાષ્ટ્ર    ૪૦,૧૩૧       રૃ. ૨.૯૦ કરોડ

પશ્ચિમ બંગાળ  ૧૭,૩૯૭       ૨.૮૩ કરોડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here