ગુજરાતમાં દરરોજ સરેરાશ બેથી વધુ વ્યક્તિ સાયબર ક્રાઇમનો શિકાર

0
54

– છેલ્લા ચાર વર્ષમાં સાયબર ક્રાઇમની ૨૩૦૬ ઘટના નોંધાઇ

– ઇન્ટરનેટની સાઇડઇફેક્ટ : એક વર્ષમાં ઓનલાઇન છેતરપિંડીની ૩૬૩ , બદનામ કરવાની ૩૦૮ ઘટના

ઇન્ટરનેટ દ્વારા જીવનશૈલીમાં અગાઉના સમય કરતાં ઘણી સરળતા આવી ગઇ છે. પરંતુ પ્રત્યેક સિક્કાની બીજી બાજુ પણ હોય છે તેમ હવે સાયબર ક્રાઇમના પ્રમાણમાં પણ સતત વધારો થઇ રહ્યો છે અને ઇન્ટરનેટના પ્લેટફોર્મમાં નાનકડી બેદરકારી પણ વ્યક્તિ માટે મુસિબત સર્જે છે. ગુજરાતમાં એક વર્ષના સમયગાળામાં સાયબર ક્રાઇમમાં ૨૩% સુધીનો વધારો થયો છે. ગુજરાતમાં એક વર્ષમાં સાયબર ક્રાઇમની ૭૮૪ ઘટના નોંધાઇ છે. આમ, સાયબર ક્રાઇમની દરરોજ બે કરતાં વધુ ઘટના સત્તાવાર રીતે નોંધાઇ રહી છે.

એનસીઆરબીના અહેવાલ પ્રમાણે વર્ષ ગુજરાતમાં  વર્ષ ૨૦૧૬માં ૩૬૨, વર્ષ ૨૦૧૭માં ૪૫૮, વર્ષ ૨૦૧૮માં ૭૦૨ સાયબર ક્રાઇમની ઘટના નોંધાઇ હતી. આમ, પ્રત્યેક વર્ષે સાયબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં સાયબર ક્રાઇમની જે ઘટના વર્ષ ૨૦૧૯માં નોંધાઇ છે તેમાં કમ્પ્યુર સંબધિત ગુનાની ૨૦૬, ખોટી ઓળખથી છેતરપિંડીની ૧૭૫, ફ્રોડની ૧૦૭, ડેટા ચોરીની ૧૧ ફરિયાદનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો છે તેમ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરનારાના પ્રમાણમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૯માં ઓનલાઇન બેન્કિંગની ૩૩, ઓટીપીની ૨૮, ક્રેડિટ-ડેબિટ કાર્ડની ૧૯ અને એટીએમની ૧૩ ફરિયાદ નોંધાઇ  હતી.

જાણકારોના મતે, ઇન્ટરનેટ એટલે એક પ્રકારનું કાચનું ઘર છે અને તેમાં દરેક બાબત ખૂબ જ તકેદારીપૂર્વક કરવામાં આવવી જોઇએ. અનેક લોકો વિશ્વસનીયતા ચકાસ્યા વિના જ કોઇપણ ટેલિકોલરને ઓટીપી કે પાસવર્ડ આપી દે છે અને ત્યારબાદ તેમને પસ્તાવવાનો વારો આવે છે. નેટ બેન્કિંગ, ઈ મેઇલના પાસવર્ડ સમયાંતરે બદલવામાં આવે તે જરૃરી છે. ઇન્ટરનેટમાંથી જે પણ ડાઉનલોડ કરી રહ્યા હોવ તેના ઉપર પણ સાવધાની રાખવી જરૃરી છે. લોભામણી ઓફર જોઇને અનેક લોકો કોઇ પણ લિન્કમાં ક્લિક કરી દેતા હોય છે અને તે બાબત પણ ઘણા કિસ્સાઓમાં નુકસાનનો સોદો પુરવાર થાય છે. કોઇ ઓનલાઇન સ્ટોકિંગ કે ઓનલાઇન બ્લેકમેઇલ કરી રહ્યું હોય તો તેવા કિસ્સામાં પોલીસને જાણ કરવી હિતાવહ છે.

સાયબર ક્રાઇમમાં છેતરપિંડીનો હેતુ હોય તેની સૌથી વધુ ૩૬૩ ઘટનાઓ ગત વર્ષે નોંધાઇ છે. આ સિવાય કોઇને બદનામ કરવાના હેતુથી ૩૦૮, જાતિય શોષણ કરવાના હેતુથી ૩૨, કોઇ પ્રત્યે ગુસ્સાના હેતુથી ૨૦ અને અંગત દુશ્મની માટેની પાંચ ફરિયાદ નોંધાયેલી છે. ગુજરાતમાં ૨૦૧૯ના વર્ષમાં સાયબર ક્રાઇમ બદલ ૧૦૮૩ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ૯૫૮ પુરુષ-૧૨૫ મહિલાઓનો સમાવેશ થાય છે. આ પૈકી ૯૩૯ પુરુષ અને ૧૨૫ મહિલા એમ ૧૦૬૪ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવેલી છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ના અંતે સાયબર ક્રાઇમના ૮૫૬ કેસ કોર્ટમાં પેન્ડિંગ હતા અને ૨૦૧૯ના વર્ષમાં તેમાંથી ૪૪૭ ટ્રાયલ માટે મોકલવામાં આવ્યા હતા. ૨૦૧૮ના વર્ષના અંતે પોલીસ પાસે સાયબર ક્રાઇમના ૨૫૩ કેસ પેન્ડિંગ હતા અને તેની સામે ૭૮૪ નવા કેસ નોંધાયા હતા. આ તમામ પૈકી ૪૪૭માં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલી હતી.

ગુજરાતમાં છેલ્લા ૩ વર્ષમાં સાયબર ક્રાઇમની ઘટના

વર્ષ    ઘટના

૨૦૧૭  ૪૫૮  

૨૦૧૮ ૭૦૨

૨૦૧૯ ૭૮૪

વર્ષ ૨૦૧૯માં કયા રાજ્યમાં સૌથી વધુ સાયબર ક્રાઇમ?

રાજ્ય   સાયબર ક્રાઇમ

કર્ણાટક        ૧૨,૦૨૦

ઉત્તર પ્રદેશ     ૧૧,૪૧૬

મહારાષ્ટ્ર       ૪,૯૬૭

આંધ્ર પ્રદેશ     ૧,૮૮૬

રાજસ્થાન       ૧,૭૬૨

દેશમાં કુલ      ૪૪,૫૪૬

ગુજરાતમાં સાયબર ક્રાઇમથી છેતરપિંડીની ઘટના

છેતરપિંડીનો પ્રકાર     ઘટના

એટીએમ                ૧૩

ઓનલાઇન બેન્કિંગ     ૩૩

ઓટીપી                ૨૮

અન્ય                   ૧૪

બનાવટ                ૧૦

બનાવટી પ્રોફાઇલ      ૦૮

મોર્ફિંગ                  ૦૩    

ફેક ન્યૂઝ               ૦૫    

બ્લેકમેઇલિંગ           ૦૮

ગુજરાતમાં સાયબર ક્રાઇમ પાછળ ગુનેગારનો હેતુ

હેતુ               ઘટના

અંગત દુશ્મની  ૦૫

ગુસ્સો           ૨૦

છેતરપિંડી      ૩૬૩

ગેરવસૂલી      ૧૭

ટીખળ          ૧૦

બદનામી કરવી ૩૦૮

જાતિય શોષણ  ૩૨

રાજકીય        ૦૧

એક વર્ષમાં અમદાવાદ કરતાં સુરતમાં વધુ સાયબર ક્રાઇમ

અમદાવાદમાં વર્ષ ૨૦૧૭માં ૧૧૨, ૨૦૧૮માં ૨૧૨, ૨૦૧૯માં ૧૭૧ એમ સાયબર ક્રાઇમની ૪૯૫ ઘટનાઓ નોંધાઇ છે. બીજી તરફ સુરતમાં વર્ષ ૨૦૧૭માં ૧૦૫, વર્ષ ૨૦૧૮માં ૧૫૫, વર્ષ ૨૦૧૮માં ૨૨૮ કુલ ૪૮૮ ઘટનાઓ નોંધાઇ છે. ૨૦૧૯ના વર્ષમાં અમદાવાદ કરતાં સુરતમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ વધારે રહ્યું હતું.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here