ગુજરાતમાં નવરાત્રિ કેન્સલ થતા કલાકારો-ડોક્ટરો સામસામે, સોશિયલ મીડિયામાં 5 ડોક્ટરોને દર્શાવ્યા કલાકાર વિરોધી

0
52

રાજ્યમાં આગામી સમયમાં આવનાર દિવાળી અને નવરાત્રિને લઈને ગુજરાત સરકારે કોરોના ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં નવરાત્રિથી લઈને દિવાળી સુધીના તમામ નાના-મોટા તહેવારો પર પ્રતિબંધ મૂકાયો છે. નવરાત્રિ કેન્સલ થતાં ખૈલેયાઓ નિરાશ થયા હતા, પરંતુ તેના કરતા વધારે ગરબા કલાકારો થયા છે. આજે ગરબાના આયોજનને પરવાનગી ન મળતા કેટલાંક લોકોએ સોશિયલ મીડિયા પર ડોક્ટરોનો વિરોધ શરૂ કર્યો છે. ડોક્ટરોના ઘર અને ક્લિનિક બહાર કલાકારોના માધ્યમથી કાર્યક્રમ કરવાની ચીમકી આપી છે.

ગરબા આયોજકો અને ડોક્ટરો સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સોશિયલ મીડિયામાં કલાકારો દ્વારા ટાર્ગેટ થતા ડોક્ટરોએ એક રજૂઆત કરી છે. સાયબર ક્રાઈમમાં રજૂઆત કરીને તેમને પ્રોટેક્શનની માંગ કરાઈ છે. એટલું જ નહીં, રાજ્યમાં ગરબાની પરવાનગી ન મળતા કેટલાંક લોકોએ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી પણ કરી છે. સોશિયલ મીડિયામાં 5 ડોક્ટરોને કલાકાર વિરોધી દર્શાવ્યા છે.

સોશિયલ મીડિયા પર પાંચ તબીબોનો વિરોધ કરાયો છે. 5 ડોક્ટરોના નામ સોશિયલ મીડિયામાં લખી પોસ્ટ વાયરલ કરી છે. જેમાં ડો. મોના દેસાઈ, ડો.મુકેશ મહેશ્વરી, ડો.વસંત પટેલ, ડો.મીતાલી વસાવડા અને ડો.પ્રભાકર સામે લોકોએ આક્રોશ વ્યક્ત કરીને વિરોધ શરૂ કર્યો છે. સોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ ડોક્ટરોના ઘરે અને ક્લિનિક પર કાર્યક્રમ કરવાની ચીમકી આપી હતી. કોરોનામાં જાહેરહિત માટે સરકારને ગરબાની પરવાનગી ના મળે તેવી અપીલ કરનાર ડોક્ટરોએ સોશિયલ મીડિયામાં થઈ રહેલી અભદ્ર ટિપ્પણી અંગે રોષ વ્યક્ત કર્યો છે, પરંતુ હા કોઈ ફરિયાદ થઈ નથી.

કોરોનાને કારણે થયેલા લોકડાઉન બાદથી હજુ સુધી સંગીતની દુનિયા સાથે જોડાયેલા કલાકારો માટે આ કપરો કાળ યથાવત રહ્યો છે. રાજ્ય સરકારે મોટા ગરબાના આયોજન પર અગાઉ જ મનાઈ ફરમાવી હતી. પરંતુ કલાકરોને અપેક્ષા હતી કે, રાજ્ય સરકાર જો શેરી ગરબાને મંજૂરી આપશે તો નાના નાના કલાકારોને જીવનદાન મળી રહેશે. પરંતુ સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ હવે કોઈપણ પ્રકારના ગરબાના આયોજન પર પણ પૂર્ણવિરામ મૂકાઈ જતા, સંગીતની દુનિયા સાથે જોડાયેલા કલાકરોમાં નિરાશા પણ વ્યાપી છે. જો કે વધતા જતા કોરોના સંક્રમણને જોતા ગરબાના મોટા આયોજકોએ પણ આ વર્ષે ગરબા માટે કાર્યક્રમ ના યોજવા અંગે અગાઉ જ સ્પષ્ટતા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મેડિકલ એસોસિએશન સતત વિનંતી કરી રહ્યું હતું કે, આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને રાખતા રાજ્ય સરકાર જો ગરબાની પરવાનગી ના આપે તો જ બધા માટે હિતાવહ રહેશે. નહિ તો પરીસ્થિતિ કથળશે અને કોરોનાના જો કેસો વધશે તો દર્દીઓની સારવાર કરવા માટે મુશ્કેલી સર્જાશે એ નક્કી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here