ગોમતીપુરમાં અનેક વિસ્તારોમાં પાણી અપુરતું આવવાની સમસ્યા

0
21

ટીપી-10 પાણીની ટાંકીને મોટી બનાવવા રજૂઆત

– ફક્ત એક કલાક જ પામી આવી રહ્યું છે પાણી માટે ફાંફા મારતા રહિશો

ગોમતીપુર વોર્ડમાં સુખરામનગર વિસ્તારમાં અપુરતું અને ઓછા પ્રેસરથી પાણી આવવાની સમસ્યા પ્રવર્તી રહી છે. તેના કાયમી નિકાલ માટે ટીપી-૧૦ પાણીની ટાંકીને વધારે મોટી બનાવવાની માંગણી ઉઠવા પામી છે. હાલમાં માંડ એક કલાક મળતું પાણી બે કલાક મળી શકે તેમ છે. આ મામલે મ્યુનિ.કમિશનરને રજૂઆત કરાઇ છે.

ગુલાબનગર રોડ, સુંદરમનગરનો ઉભો પટ્ટો, આંબાવાડી રોડનો પટ્ટો અને આજુબાજુની અનેક વસાહતોમાં ગોમતીપુરની ટીપી ૧૦ પાણીની ટાંકીમાંથી પાણી પુરૂ પાડવામાં આવે છે. ઘણા સમયથી આ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટર આફરીન પઠાણના જણાવ્યા મુજબ પાણીની ટાંકીની ક્ષમતા ૪ લાખ લીટરની છે. સવારે પોણા સાતથી પોણા આઠ વાગ્યા સુધી જ  પાણીનો પુરવઠો અપાય છે.

જેના કારણે મોટાભાગના ઘરોમાં પાણી પહોંચતું ન હોવાની ફરિયાદો રહિશો કરી રહ્યા છે. પાણીની ટાંકીને મોટી બનાવીને સમસ્યા હલ કરવા રજૂઆતો કરાઇ છે. બીજી તરફ વીર ભગતસિંહ કોમ્યુનિટી હોલ છેલ્લા ૬ માસથી રિનોવેશન થઇને તૈયાર પડયો છે. જેનું હજુ સુધી લોકાર્પણ કરાયું નથી લોકોના હિતમાં તેનું લોકાર્પણ કરવાની માંગણી ઉઠી છે.

ગોમતીપુરમાં ઉર્દુ શાળા નં.૩,૪ તથા ગુજરાતી શાળા નં.૪ જર્જરીત બની ગઇ છે. ગમે ત્યારે અકસ્માત થવાની ભીતિ છે .વિદ્યાર્થીઓના હિતમાં શાળાનું બિલ્ડિંગ નવું બનાવવાની પણ રજૂઆત મ્યુનિ.કમિશનરને કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here