ઘરમાં ગાડી હોય તોપણ રેશનિંગનાં સસ્તાં અનાજનો લાભ લેતા હોવાની ફરિયાદ બાદ RTO પાસેથી વાહનોની વિગત મગાવાશે

0
46
  • બોગસ રેશન કાર્ડ પકડવા પુરવઠા વિભાગની ખાસ ઝુંબેશ
  • પુરવઠા વિભાગ હવે RTO પાસેથી કારધારકોની યાદી મગાવશે

ગુજરાતમાં ગરીબોને અપાતું રાશન કાર ધરાવતાં લોકો પણ લેતા હોવાનું સામે આવ્યું છે. સસ્તા અનાજની દુકાન આગળ કારો લઈને લોકો રાશન લેવા જતા હોવાની ફરિયાદ પણ સામે આવી હતી. ત્યારે રાજ્ય સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. હવે કાર ધરાવતા લોકો રાશનનો લાભ લેવા જશે તો તેમની ખેર નથી. રાજ્યમાં કાર ધરાવનારા લોકો પણ સરકારની રેશનિંગનો લાભ લેતા હોવાની ફરિયાદોને આધારે પુરવઠા વિભાગને મળી રહી છે. ત્યારે પુરવઠા વિભાગ રાજ્યની રીજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (RTO) કચેરીઓ સાથે મળીને વાહન ધરાવતા લોકોને સરકારી લાભ લેતા અટકાવવાની એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. RTO દ્વારા મળેલા ડેટાના આધારે કાર ધરાવનાર બોગસ લાભાર્થીઓનાં નામો રેશનિંગ કાર્ડમાંથી કમી કરવામાં આવશે.

RTOએ આપેલી યાદીનાં નામો આધાર કાર્ડ સાથે સરખાવાશે
ગુજરાતમાં 69 લાખ પરિવારના 3.36 કરોડ લોકો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સામેલ છે. તેમને સસ્તા ભાવનું અનાજ મળવાપાત્ર છે. સુખી-સમૃદ્ધ લોકો પણ ગરીબો માટેની આ યોજનાનો લાભ લેતા હોવાનું ધ્યાને આવતાં આવા બોગસ લાભાર્થીઓને હટાવવા આદેશ કરવામાં આવ્યો છે. પુરવઠા નિગમના અધિકારીના જણાવ્યા અનુસાર, કાર ધરાવતા લોકોનું લિસ્ટ આપવા RTOને કહેવામાં આવ્યું છે. એ પછી આધારકાર્ડ સાથે નામો સરખાવાશે. કાર ધરાવતા લોકો પણ સસ્તા અનાજનો લાભ લેતા હશે તો તેમનાં નામો હટાવી દેવામાં આવશે.

રેશનિંગનો એક વર્ષ સુધી લાભ ન લેનારાનાં નામો પણ કાઢી નખાયાં છે
RTO સિવાય જન્મ-મરણ વિભાગ સાથે પણ આ પ્રકારની કવાયત હાથ ધરવામાં આવશે. પુરવઠા વિભાગે છેલ્લા બે મહિના દરમિયાન માત્ર અમદાવાદમાંથી 1000થી વધુ નામ કમી કરી નાખ્યાં છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ એક વર્ષથી લાભ નહીં લેનારા લોકોનાં નામ પણ કાઢી નાખવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013માં લાગુ થયો હતો.

શહેરમાં પાકાં મકાન, કાર જેવા માપદંડો છે
ગુજરાતમાં પણ 2013માં એનો અમલ શરૂ થયો હતો. આ યોજનાના લાભાર્થી નક્કી કરવા માટે નિશ્ચિત માપદંડ નક્કી કરાયા હતા. શહેરી વિસ્તારને લાગેવળગે છે ત્યાં સુધી પાકા મકાન, કારની માલિકી જેવા માપદંડો પણ નિયત કરાયેલા છે. RTOની યાદીના આધારે બોગસ લાભાર્થીઓનાં નામોની બાદબાકી કરી નાખવામાં આવ્યાં બાદ ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવશે. પાકા મકાનમાં રહેતા લાભાર્થીઓનાં નામો કાઢી નાખવામાં આવશે.

2013નું લિસ્ટ અમલમાં મૂકવાનો વિક્રેતાઓનો મત
RTOનાં સૂત્રોએ કહ્યું હતું કે નાગરિક પુરવઠા વિભાગની સૂચના મુજબ કાર ધરાવતા લોકોનું લિસ્ટ અપાશે. રેશનિંગ વિક્રેતાઓએ એમ જણાવ્યું હતું કે બોગસ લાભાર્થીઓની ઓળખ મેળવીને તેમનાં નામોની બાદબાકી કરવાની જરૂર છે. 2013નું લિસ્ટ અમલમાં છે. ઘણા લોકો બિનજરૂરી રીતે સબસિડી મેળવે છે. સુખી સંપન્ન લોકોનાં નામ કમી થાય તો જરૂરિયાતમંદોને વધુ સહાય આપી શકાય. સરકાર પર પણ ફૂડ સબસિડીનો આર્થિક બોજ ઘણો હળવો થઇ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here