- વલસાડ નંદાવલા પાસે બેંગ્લોર જતી ટ્રાવેલ્સ – સુરત જતા ટેમ્પા વચ્ચે અકસ્માત
- MR ટ્રાવેલ્સની બસના 17 ઇજાગ્રસ્તો અને ટેમ્પામાં સવાર 3ને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
વલસાડ નંદાવલા હાઇવે પર સોમવારે સવારે સુરત તરફ જતા ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવતા ડિવાઈડર કુદાવી બાજુના ટ્રેક પર મુંબઈ તરફ જતી લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં લક્ઝરીમાં સવાર 20 મુશાફરોને ઇજા થતા 108ની મદદથી વલસાડ સિવિલમાં ખસેડયા હતા. જેમાં બે ની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.
ટ્રક સામેથી આવતી બસમાં ઘૂસી ગઈ
રાજસ્થાનથી M R ટ્રાવેલ્સની બસ નં. MN-05-D-0028 બુકીંગ પ્રમાણે યાત્રીઓને લઈને બેંગ્લોર તરફ જઈ રહી હતી. સોમવારે સવારે વલસાડ નેશનલ હાઇવે નં. 48 પર આવેલા નંદાવલા હાઇવે પર સુરત તરફ જતો ટેમ્પો નં. DN-09-V-9055ના ચાલકે પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે ટેમ્પો હંકારતા સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર કુદાવી મુંબઈ જતા ટ્રેક પર MR ટ્રાવેલ્સની લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત થતા હાઇવે પર મુંબઇ તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતનો અવાજ આવતા આજુબાજુના સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ 108ની ટીમ અને વલસાડ રૂરલ પોલીસને જાણ કરી હતી. 108ની 3 એમ્બ્યુલન્સ વડે ઇજાગ્રસ્તોને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વલસાડ સિવિલ હોસ્પિટલમાં MR ટ્રાવેલ્સની બસના 17 ઇજાગ્રસ્તો અને ટેમ્પામાં સવાર 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલનો કેઝ્યુલિટી વોર્ડ ઇજાગ્રસ્તોની ચિચ્યારીથી ગુંજી ઉઠ્યો હતો. ટેમ્પો ચાલક અને લક્ઝરી બસ ચાલકને થયેલી ગંભીર ઇજાઓને લઈને બંને ને સિવિલ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.
108ની મદદથી 20થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
ટ્રક અને બસમાં ફસાયેલા બંને ડ્રાઈવરને બહાર કઢાયા
અકસ્માતની જાણ થતાં આસપાસના ગામના સ્થાનિક લોકો અને પોલીસ દોડી આવી હતી. ટ્રક અને બસમાં ફસાયેલા બંને ડ્રાઈવરને બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ 108ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા પોતાની રિક્ષામાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રક પલટી મારી ગઈ હતી.
અકસ્માત બાદ ટ્રક પલટી મારી ગઈ
વહેલી સવારે સર્જાયેલા ટ્રક અને બસના અકસ્માતને લઈને મોટી સંખ્યામાં લોકો મદદે દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ધકાડાભેર થયો હતો કે ટ્રક અને બસના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જ્યારે ટ્રક અકસ્માત બાદ પલટી મારી ગઈ હતી.
બસચાલકે અકસ્માત ન થાય એ માટે પ્રયાસ કર્યો હતો.
બસ ઓવરફુલ હતી, બસની ગેલેરીમાં પણ લોકો હતા
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા રામસિંગે જણાવ્યું હતું કે હાઈવે પર આવેલી પ્રીત હોટલ ખાતે સવારનો નાસ્તો કર્યો હતો. ત્યાર બાદ 10 મિનિટમાં આ અકસ્માત સર્જાયો હતો. હું તો મારાં બાળકો સાથે બેઠો હતો. બસ ઓવરફુલ હતી, બસની ગેલેરીમાં પણ લોકો હતા. નવરાત્રિના કારણે વતન આવ્યો હતો અને હવે ફરી નોકરી પર જઈ રહ્યો હતો.
ટ્રક અને બસના અકસ્માતને કારણે મોટી સંખ્યામાં લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
સ્થાનિકોએ પોતાની રિક્ષા મારફત પણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
ડુંગરી પાસે ચા નાસ્તો કરી બેંગ્લોર જતાં હતા
રવિવારે સાંજે બેંગ્લોર જતાં હતા ડુંગરી નજીક પુરોહિત હોટલમાં ચા નાસ્તો કરી ફ્રેશ થઈને આગળની યાત્રા શરૂ કરી હતી. એક ગામ નજીક ડિવાઈડર કૂદીને અમારી બસ સાથે એક ટેમ્પો ધડાકાભેર ટકરાતા મને યમરાજને દર્શન કરવી દીધા હતા. ડ્રાયવરની પાછળ જ મારી સીટ હતી. જીવ બચ્યો ઘણું છે બસમાં તમામ યાત્રીઓ બુમાબુમ કરતા હતા. હું પણ દબાયેલો હોવાથી કઈ કરી શક્યો ન હતો. > સુજારામ ચૌધરી, યાત્રી
બસમાં સવાર રાજસ્થાનના ઇજાગ્રસ્તોની યાદી
- સુજારામ મોહનરામ ચૌધરી
- નાનજીભાઈ ગેનાજી રબારી
- કરસનભાઈ વજારામજી રબારી
- ભેરારામ માંગીલાલ માલી, રહે. સીયાણી
- ઉમારામ નાથુરામ દેવાસી, રહે. નાગોરી
- તુલસીરામ ક્લીજા દેવાસી, રહે. પાલી
- પીપરામ કાળુજી દેવાસી, રહે. પાલી
- મહેન્દ્ર સોગારામ પ્રજાપતિ
- રામસિંગ કેશરસિંગ રાજપૂત
- સૂર્યાકવર રામસિંગ રાજપૂત
- ચુનારામ ગોબારામ પુરોહિત
- ગટ્ટુદેવી કાનારામ ચૌધરી
- કાનારામ બાબુતારામ ચૌધરી
- મહેન્દ્રસિંગ જબરસિંગ રાજપૂત
- જોતારામ આશારામજી દેવાસી
- કરણ જોરારામ મેઘવાલ
- વિક્રમ વાઘાજી હીરાધર, તમામ રહે ઝાલોર, રાજસ્થાન