વિશ્વનો નંબર-૧ સર્બિયાનો નોવાક જોકોવિચ ૨૦૨૦ની સિઝનનું સમાપન પ્રથમ ક્રમાંકિત ખેલાડી તરીકે કરશે અને આ સાથે તેણે અમેરિકાના દિગ્ગજ ખેલાડી પેટ સામ્પ્રાસના છ વખત પ્રથમ ક્રમાંકિત તરીકે વર્ષનું સમાપન કરવાના રેકોર્ડને સરભર કર્યો છે. જોકોવિચે ચાલુ વર્ષે પાંચ ટાઇટલ પોતાના નામે કર્યા છે જેમાં એક ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સર્બિયન ખેલાડીએ એટીપી કપ, દુબઇ ઓપન, સિનસિનાટી ઓપન તથા રોમ ઓપનનું ટાઇટલ જીત્યું હતું. તાજેતરમાં લાઇન જજને બોલ હિટ કરવાના મામલે જોકોવિચને યુએસ ઓપનમાંથી ડિસક્વોલિફાય કરી દેવામાં પણ આવ્યો હતો. ગયા મહિને વિશ્વના બીજા ક્રમાંકિત સ્પેનના રફેલ નદાલે જોકોવિચને ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પરાજય આપ્યો હતો.
પેટ સામ્પ્રાસના નામે છે રેકોર્ડ
જોકોવિચે ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૧૫ તથા ૨૦૧૮ની સિઝનનો અંત વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી તરીકે કર્યો હતો. આ પહેલાં રેકોર્ડ પેટ સામ્પ્રાસના નામે હતો. સામ્પ્રાસે ૧૯૯૩થી ૧૯૯૮ સુધી છ વખત વર્ષનો અંત નંબર-૧ ખેલાડી તરીકે કર્યો હતો. જોકોવિચ અને સામ્પ્રાસ બાદ આ યાદીમાં સ્વિર્ટ્ઝલેન્ડના રોજર ફેડરર, સ્પેનના રફેલ નદાલ તથા અમેરિકાના ભૂતપૂર્વ ખેલાડી જિમી કોનર્સનું નામ આવે છે. આ ત્રણેય ખેલાડીએ ૫-૫ વખત નંબર-૧ તરીકે વર્ષનું સમાપન કર્યું હતું.
ફેડરરનો રેકોર્ડ તોડી શકે છે
જોકોવિચ અત્યાર સુધી ૨૯૪ સપ્તાહ સુધી નંબર-૧ ખેલાડી રહ્યો છે. આ યાદીમાં તે ફેડરર બાદ બીજા ક્રમે છે. ફેડરર વિક્રમી ૩૧૦ સપ્તાહ સુધી નંબર-૧ સ્થાને રહ્યો હતો. પેટ સામ્પ્રાસ ૨૮૬ સપ્તાહ સુધી ત્રીજા અને ઇવાન લેન્ડલ ૨૭૦ સપ્તાહ સુધી ચોથા ક્રમે રહ્યો હતો. જોકોવિચ જો આગામી વર્ષે ૨૦૨૧ની આઠમી માર્ચ સુધી નંબર-૧ ખેલાડી તરીકે જળવાઈ રહેશે તો તે ફેડરરનો રેકોર્ડ તોડી નાખશે. જોકોવિચે જણાવ્યું હતું કે સામ્પ્રાસની રમત નિહાળીને હું મોટો થયો છું અને તેના રેકોર્ડને સરભર કરવો તે મારા માટે ગૌરવની બાબત છે.
છેલ્લા ૧૧માંથી ૧૦ વર્ષમાં જોકોવિચ કે નદાલ પ્રથમ સ્થાને
૩૩ વર્ષીય જોકોવિચે નંબર-૧ ખેલાડી તરીકે વર્ષનું સમાપન કરનાર ઓલ્ડેસ્ટ ખેલાડી તરીકેની સિદ્ધિ પણ હાંસલ કરી છે. છેલ્લા ૧૧માંથી ૧૦ વર્ષમાં જોકોવિચ અથવા નદાલ નંબર-૧ ખેલાડી રહ્યા છે. છેલ્લા ૧૧ વર્ષમાં જોકોવિચ છ વખત અને નદાલ ચાર વખત નંબર-૧ ખેલાડી તરીકે સિઝનનું સમાપન કરવામાં સફળ રહ્યા હતા. બ્રિટનના એન્ડી મરે ૨૦૧૬ના વર્ષના અંતે નંબર-૧ ખેલાડી તરીકે જળવાઇ રહ્યો હતો.
