જંગલમાં હાહાકાર મચાવનારો ખતરનાક ચોર બબૂન બંદર ઝડપાયો!

0
30

ટીવી ચેનલ ‘જંગલ ન્યૂઝ’માં ન્યૂઝ ફ્લેશ થયા : ‘જંગલવાસીઓની ઊંઘ ઉડાડી દેનારો કુખ્યાત ચોર બબૂન બંદર ઝડપાયો… જંગલની પોલીસે રંગે હાથ પકડીને તેને જેલમાં ધકેલ્યો… બબૂન બંદર ચોરીનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવતો હોવાની આશંકા… કુખ્યાત ચોરની આકરી પૂછપરછ શરૂ… બબૂનના ૧૫ જેટલા સાગરિત બંદરોને ઝડપી લેવાની કવાયત તેજ..’

હસીના હરણીનો વોઈસઓવર સંભળાતો હતો : ‘આ બંદરો કરતા હતા જંગલવાસીઓના સામાનની ચોરી… ચોરી કર્યા પછી દરેક વખતે ઘટનાસ્થળે છોડી જતાં હતા એક ખાસ પ્રકારનો સિમ્બોલ… આ તસ્કર ટોળકીએ ઉડાડી દીધી હતી જંગલવાસીઓની ઊંઘ… બબૂન બંદરની આખી ક્રાઈમકૂંડળી લઈને હું હસીના હરણી ટૂંક સમયમાં આપની સમક્ષ હાજર થઈશ. જોતાં રહો જંગલ ન્યૂઝ….’

એ પછી થોડીવારે ‘જંગલ ન્યૂઝ’માં હસીના હરણીએ મોસ્ટ વોન્ટેડ ચોર બબૂન બંદરની આખી સ્ટોરી કહી સંભળાવી…

બબૂન બંદર આફ્રિકાના જંગલના પ્રતિષ્ઠિત બબૂન્સ પરિવારમાંથી આવતો હતો. તેના પરિવારના સભ્યો લખી-વાંચીને, નૃત્ય કરીને જંગલવાસીઓનું મનોરંજન કરતા હતા. પરિવારને હતું કે બબૂન પણ મોટો થઈને મનોરંજન ક્ષેત્રે નામ કાઢશે, પણ બબૂન ખૂબ મહાત્વાકાંક્ષી વાંદરો હતો. એને મનોરંજનની આવકમાંથી જિંદગી કાઢી નાખવાનો બિલકુલ ઈરાદો ન હતો.

થોડો સમય પરિવારના પરંપરાગત ધંધામાં હાથ અજમાવ્યા પછી તેણે તદ્ન નવી દિશામાં સાહસ ખેડયું. એ ક્ષેત્રનું નામ હતું – ચોરી. નાની-મોટી ચોરીમાં કુશળતા મેળવ્યા પછી એણે જંગલવાસીઓની મોટી ચીજવસ્તુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું. ચોરીના ધંધામાં બબૂન નામ કાઢતો જતો હતો. ધીમે ધીમે તેણે એના જેવા મહાત્વાકાંક્ષી બંદરોની ટોળકી બનાવવાનું નક્કી કર્યું.

‘આપણે મનોરંજન કરીને ક્યારેય માલદાર નહીં બનીએ. કંઈક મોટું કરવું પડશે!’ બબૂન બંદરે તેના જેવા બંદરોને એકઠા કરીનેે સમજાવ્યું, ‘આપણે સદીઓથી આ જ રીતે જંગલવાસીઓનું મનોરંજન કરીને ગુજરાન ચલાવીએ છીએ, પણ સમય ઝડપથી બદલાઈ રહ્યો છે. આપણે પણ નવા ધંધામાં ઝંપલાવવું જોઈએ’

‘પણ ઈન્વેસ્ટમેન્ટ વગર કોઈ ધંધામાં સફળતા મળતી નથી. આજે નાનો ધંધો કરવા માટેય લાખો રૂપિયાની જરૂર પડે છે. મારી પાસે એવી કોઈ રકમ નથી’ યુવાનીમાં પગ માંડી રહેલા એક વાંદરાએ મુશ્કેલી જણાવી.

‘હું એક એવો ધંધો સજેક્ટ કરું છું, જેમાં એક રૂપિયાનું પણ ઈન્વેસ્ટમેન્ટ જરૂરી નથી’ બબૂન બંદરે અઠંગ ઠગની અદાથી ઉમેર્યું, ‘મારી સાથે જોડાશો તો માલામાલ થઈ જશો. આ બધા જેટલી કમાણી એક વર્ષમાં નહીં કરતા હોય એટલી તો તમને એક મહિનામાં થશે. હું કહું એમ કરવું પડશે.’

‘ફાયદો થતો હોય તો તમે કહો એમ કરવામાં કંઈ વાંધો નથી’ બે-ત્રણ ધંધામાં નિષ્ફળ ગયેલા એક બંદરનો ઘોઘરો અવાજ સંભળાયો.

‘કોઈ જોખમ ખરું?’ એક ગભરું બંદરે ખૂબ જ ધીમા સૂરે પૂછ્યું.

‘જોખમ તો ક્યાં નથી ભઈ, હેં? મનોરંજન કરીએ છીએ એમાં એના લેવલનું જોખમ હશે. કંઈક મોટું કરીએ તો એ લેવલનું જોખમ હશે. જોખમ કરો તો જ ફાયદો મળે’ બબૂને સરળ ગણિત સમજાવ્યું.

‘ધંધો શું છે?’ બંદરોના ટોળામાંથી કોઈએ મેઈન સવાલ કર્યો.

‘ચોરી’ બબૂન બંદરે એક જ શબ્દોમાં સીધો ઉત્તર આપીને બધાની હરકતો નોંધી લીધી.

‘હેં? ચોરી?’ યુવા વાનરોએ થોડીવાર કોલાહલ કરી મૂક્યો.

‘એમાં કોઈને વાંધો હોય તો અત્યારે જ જઈ શકે છે’ બબૂન બંદરે વાનરટોળી પર ધારદાર નજર નાખી. થોડીવાર બધો જ કોલાહલ શાંત થઈ ગયો. કોઈએ સવાલ ન કર્યો, કઈ હલચલ પણ ન થઈ. એક પણ બંદરે ઉભા થઈને જવાની હિંમત ન કરી એ જોઈને બબૂને ભાષણ આગળ ચલાવ્યું : ‘ચોરીનો ધંધો આજકાલ ટ્રેન્ડિંગ છે. તક મળે એ બધા જ ચોરી કરે છે. તક નથી મળતી એ ટીકા કરે છે. જંગલના ઉદ્યોગપતિઓ બેંકમાં ચોરી કરે છે. જંગલવાસીઓ ટેક્સમાં ચોરી કરે છે. નેતાઓ તો આખેઆખી જંગલની તિજોરીમાં જ ચોરી કરે છે. કામદારો કામમાં ચોરી કરે છે. કારખાનેદારો વળતર આપવામાં ચોરી કરે છે. બધા પ્રકારની સર્વિસ આપતી કંપનીઓ સર્વિસમાં કાપ મૂકીને ચોરી કરે છે. કોઈ વીજ ચોરી કરે છે, કોઈ પાણીની ચોરી કરે છે, કોઈ ખનીજની ચોરી કરે છે, કોઈ ડેટાની ચોરી કરે છે. જંગલમાં જેને જેને ચોરીની તક મળે છે એ ભાગ્યે જ જતી કરેે છે’

બધા જ બંદરો બબૂનનું ભાષણ કાન સરવા કરીને સાંભળતા હતા. બબૂને ભાષણ પૂરું કરતા કહ્યું : ‘આપણે સામાન અને ખોરાકની ચોરી કરીશું. ચોરી કરવામાં પણ કળાની જરૂર પડે છે. જો તમે સૌ મારો સાથ આપશો તો બધાને હું તેમની આવડત પ્રમાણેનું વળતર આપીશ’.

‘અમારે શું કરવું પડશે એમાં?’ ટોળામાંથી સવાલ આવ્યો.

‘ચોરી!’ બબૂને જવાબ આપ્યો, ‘સામાનની જે ચોરી થશે એ આપણે બ્લેકમાર્કેટમાં મોકલશું. એમાંથી જે ભાવ આવશે તે પ્રમાણે હું તમને બધાને રોયલ્ટી આપીશ! અને હા, ખોરાકની ચોરીનો ફાયદો એ છે કે તમને દરરોજ ખાવામાં વેરાયટી મળશે. ખોરાકની ચોરીમાં પારખુ નજર સૌથી મહત્વની છે. બેગમાં ફળો સહિતનો સામાન છે એ જોઈ લીધા પછી જે તે જંગલવાસીની નજર ચૂકવીને આખું બેગ જ તફડાવી લેવાનું હોય છે. બીજું, ધારો કે ચોરીમાં સફળતા ન મળે તો ઝૂંટવી લેવાની તરકીબ પણ આપણે અજમાવીશું’

‘યુ મીન લૂંટ? આપણે લૂંટ ચલાવીશું? મને ખ્યાલ છે ત્યાં સુધી ચોરી અને લૂંટ બંને અલગ અલગ બાબતો છે અને બંનેની સજા પણ અલગ અલગ હોય છે’ જંગલના કાયદાનો થોડો ઘણો પરિચય હતો એવાં એક વાનરે માહિતી આપી.

‘દોસ્ત! આ જમાનામાં કોઈ એક કળા પર આધાર રાખીએ તો કેમ ચાલે? આપણે બીજા ધંધામાં પણ કાબેલ થવું પડશે. ચોરીનો મેળ ન આવે તો લૂંટથી કામ ચલાવીશું’ બબૂન બંદરે એક પછી એક બધી જ બાબતો વિગતવાર સમજાવીને આખી ટીમને તાલીમ આપી દીધી. તેની પાસે ૧૫ વાનરોની ટીમ તૈયાર થઈ ગઈ હતી અને તેની તસ્કર ટોળકી જંગલમાં હાહાકાર મચાવવા માંડી હતી.

*

બબૂન બંદરની તસ્કર ટોળકીમાં માથાભારે બંદરો પણ હતા અને નિર્દોષ જણાતા ગભરું બંદરો પણ હતા. બબૂન બંદર આ ટીમના લીડર તરીકે બધાને બખૂબી મેનેજ કરતો હતો. જ્યાં જે વાંદરાથી કામ થઈ શકે એમ હોય એવાને બબૂન ઓપરેશન સોંપતો હતો. ચોરી કમ લૂંટની ઘટનાની શક્યતા હોય તો માથાભારે બંદરોને ઓપરેશન સોંપાતું. ભોળપણ બતાવીને ચોરી કરવાની હોય તો ગભરુ ટાઈપના વાનરને મેદાનમાં ઉતરવાનો આદેશ મળતો.

થોડા સમયમાં બબૂન બંદર અને તેની તસ્કર ટોળકીએ જંગલની પોલીસના નાકે દમ લાવી દીધો. જંગલવાસીઓના ફળ બેગમાં છુપાવ્યા હોય તો પણ સલામત રહેતા ન હતા. પૂજાની સામગ્રી ધોળા દા’ડે લૂંટાઈ જતી. જે વાડીઓમાં કેળા વાવ્યાં હતાં ત્યાંથી તો દર બીજા-ત્રીજા દિવસે ચોરીના સમાચારો આવતા. આ ટોળકીની એક ખાસિયત ખૂબ જ ચર્ચાનો વિષય બની હતી. જ્યાં પણ ‘બબૂન ગેંગ’ ચોરી કરતી ત્યાં નજીકમાંથી ‘બી ગેંગ’ કોતરેલું કેળું મળતું હતું.

બબૂન ગેંગની આ ખાસિયત અંગે જંગલમાં ભારે કુતૂહલ થતું. કેટલીય દંતકથાઓ આ સિમ્બોલ સાથે જોડાઈ ગઈ હતી. ઘણાં જંગલવાસીઓ દાવો કરતા કે ‘બી ગેંગ’ એવું ખુદ બબૂન બંદર કોતરીને ચોરી કરવા જતી ટોળકીને હાથોહાથ આપે છે! કેટલાય એવીય વાતો લઈ આવતા કે બબૂને કેળામાં બી ગેંગ એકસરખી રીતે કોતરી આપે એ માટે ખાસ ડિઝાઈનરોની ટીમ રાખી છે અને એ માટે કેળાનો જથ્થો વ્યવસ્થિત મળતો રહે તે માટેય અલગથી ‘કેળાચોર’ ગેંગ બનાવી છે.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here