જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના હતાશામાં હુમલા

0
22

– સરહદે સંઘર્ષવિરામ અને કાશ્મીરમાં સુરક્ષાદળો પર આતંકવાદીઓના હુમલા કરવાની પાકિસ્તાનની બેવડી ચાલ

– છેલ્લા થોડા સમયથી સુરક્ષા દળોની ચોકસાઇ અને ગુપ્તચર તંત્રની સચોટ બાતમીઓના આધારે કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો વિરુદ્ધ જે અભિયાનો ચલાવવામાં આવ્યાં છે એમાં આતંકવાદના ખાત્માની દિશામાં ભારે સફળતા મળી છે

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા થોડા દિવસોથી થઇ રહેલા આતંકવાદી હુમલાઓથી સ્પષ્ટ બન્યું છે કે હજુ સુધી આ પ્રદેશમાંથી આતંકવાદનો સંપૂર્ણ સફાયો થઇ શક્યો નથી. છેલ્લા થોડા મહિનાથી સુરક્ષા દળો દ્વારા સખત કાર્યવાહીના પરિણામે આતંકવાદીઓ હતાશ થયા છે અને એ હતાશામાં જ તેઓ સુરક્ષા દળો પર હુમલા કરી રહ્યાં છે. 

ઘૂસણખોરી અને અથડામણની વધી રહેલી ઘટનાઓને જોતાં પાકિસ્તાનની અકળામણ અને ભારત પ્રત્યેની નફરતનો ખ્યાલ આવે છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કર્યા બાદ કાગારોળ મચાવી રહેલા પાકિસ્તાને ભારે કાગારોળ મચાવી પરંતુ  ચોમેરથી નિષ્ફળતા સાંપડયા બાદ તે ભારતમાં આતંકવાદી હુમલાઓ કરાવવાના કાવતરા કરી રહ્યું છે.

પાકિસ્તાનના વડાપ્રધાને કાશ્મીર મુદ્દે પોતાની તમામ તાકાત લગાવી દેવાના દાવા કર્યા હતાં અને અણુયુદ્ધ સુદ્ધાંની ધમકી પણ આપી હતી. 

જોકે લશ્કરી તાકાતમાં ભારત સામે જરાય ટકી શકે એમ ન હોવાના કારણે પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવવાના કારસા રચી રહ્યું છે. થોડા સમય અગાઉ પણ ઇન્પુટ્સ હતાં કે ચારે તરફથી નિરાશા સાંપડયા બાદ પાકિસ્તાન સરહદપારથી આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવામાં લાગી ગયું છે.

આતંકવાદી સંગઠનો કાશ્મીરના લોકોને બંદી બનાવીને તેમને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોરજબરજસ્તી સામેલ કરવા માટે અને સેના અંગે જાણકારી આપવા માટે દબાણ કરી રહ્યાં છે. આતંકવાદી સંગઠનો કાશ્મીરના યુવાનોને ભરતી કરવા માટે પ્રયાસો કરી રહ્યાં છે એવામાં સેના અને સુરક્ષા દળો માટે પહેલા કરતા પણ કઠિન સમય આવ્યો છે. 

ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેત ૩૭૦ દૂર કર્યા બાદ એવી અપેક્ષા હતી કે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ નબળી પડશે. કાશ્મીરમાં વ્યાપક સ્તરે સેના અને સુરક્ષા દળોની તૈનાતી વધારવામાં આવી છે જેના કારણે આતંકવાદીઓને પોતાના મનસૂબાઓને અઁજામ આપવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે જ્યારથી સરકારે કાશ્મીરમાં પ્રતિબંધોમાં છૂટછાટ આપવાની શરૂ કરી ત્યારથી આતંકવાદીઓએ ફરી પાછું માથું ઉચક્યું છે. કાશ્મીરમાં મોટી સમસ્યા એ છે કે આતંકવાદી સંગઠનોએ અનેક ગામડાઓમાં પોતાના મૂળ જમાવી લીધાં છે.

કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થવા લાગે કે આતંકવાદી હુમલા દ્વારા સ્થાનિક લોકોને ખાસ સંદેશ આપવાના પ્રયાસ થાય છે. સ્પષ્ટ છે કે આતંકવાદીઓ કાશ્મીરમાં અશાંતિ અને અરાજકતાનો માહોલ કાયમ બનાવી રાખવા માંગે છે કે જેથી કરીને લોકોમાં ભ્રમ બનેલો રહે. આ માટે સરહદપારના આતંકવાદી સંગઠનો તરફથી મદદ મળતી રહે છે. પાકિસ્તાનસ્થિત આતંકવાદી ઠેકાણાઓ દ્વારા આતંકવાદી ગતિવિધિઓનું સંચાલન થતું રહે છે.

પાકિસ્તાનને તેની જમીન પરથી કામ કરતા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની વારંવારની માંગ છતાં કોઇ નક્કર પગલાં લેવાતા નથી. ખરેખર તો આતંકવાદીઓ ઇચ્છતા જ નથી કે કાશ્મીરના લોકો સમાજની મુખ્ય વિચારધારામાં સામેલ થાય. કાશ્મીરના યુવાનોને ભટકાવીને આતંકવાદના માર્ગે ધકેલી દેવા એ જ તેમનો એજેન્ડા છે. 

આતંકવાદીઓ ગ્રામજનોને ડરાવી ધમકાવીને માહિતી કઢાવે છે અને સેના પર હુમલા કરે છે. છેલ્લા થોડા સમયથી કાશ્મીરમાં જે આતંકવાદી હુમલા થયા છે એ મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારો અને જંગલોમાંથી જ પાર પાડવામાં આવ્યાં છે. કાશ્મીરની ભૌગોલિક રચના પણ જટિલ છે.

હકીકતમાં સેના અને સુરક્ષા દળોના સર્ચ ઓપરેશનથી આતંકવાદી સંગઠનો પરેશાન છે. અને એટલા માટે હતાશાના માર્યા તેઓ સુરક્ષા દળો પર હુમલા કરી રહ્યાં છે. જાણકારોના મતે ઉનાળો આવતા સરહદ પરનો બરફ પીગળ્યા બાદ આતંકવાદીઓ મોકાનો ફાયદો ઉઠાવીને ભારતમાં ઘૂસણખોરી કરવા મથી રહ્યાં છે.

પાકિસ્તાની સેના અને આઇએસઆઇની છત્રછાયા હેઠળ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી કેમ્પો ચાલી રહ્યાં છે. ભારતને નબળું પાડવા માટે પાકિસ્તાની સેના આતંકવાદીઓને ચાર હાથે મદદ કરે છે. આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે કાયમ પ્રયાસો કર્યા કરે છે. દગાબાજી માટે જાણીતી પાકિસ્તાની સેના સરહદ પર છાશવારે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતના જાબાંઝ જવાનોના જીવ લે છે. ટેરરિસ્તાનની ઉપમા મેળવી ચૂકેલું પાકિસ્તાન એવી તમામ નાપાક હરકતો કરે છે જે ભારતને નુકસાન પહોંચાડે.

પાકિસ્તાની સરકાર અને સેના ઉપરાંત સમાંતર સરકાર ચલાવતી ગુપ્તચર સંસ્થા આઇએસઆઇની સમસ્યા એ રહી છે કે તે નીતિગત રીતે આતંકવાદી સંગઠનો અને તેમના આકાઓનો ઉપયોગ કરવો યોગ્ય સમજતી આવી છે. આ આત્મઘાતી વિચારધારાના કારણે જ પાકિસ્તાનમાં મોટા પાયે આતંકવાદી સંગઠનોને પાળવા અને પોષવાનું કામ થતું આવ્યું છે. કોઇ આતંકવાદી સંગઠન ઉપર પ્રતિબંધ મૂકાય ત્યારે દુનિયાને ગેરમાર્ગે દોરવા માટે જ એ સંગઠન અને આતંકવાદના આકાને નવા નામ સાથે નવેસરથી નવું સંગઠન ઊભું કરવાની સુવિધા આપવામાં આવે છે.

એ સાથે આતંકવાદની ફેકટરી ચલાવતા મસૂદ અઝહર અને હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ બેરોકટોક સામાન્ય જીવન જીવી શકે છે. ખરેખર તો પાકિસ્તાન સુધરે એવા અણસાર ઓછા છે. ઉલટું દુનિયાની આંખોમાં ધૂળ નાખવા તે એવો ડોળ કરે છે કે તે ખુદ આતંકવાદથી પીડિત છે. ચીન પાકિસ્તાનના આ ઢોંગનું સાથી  છે.

દુનિયા પણ જાણી ગઇ છે કે પાકિસ્તાન આતંકવાદીઓનું મનગમતું શરણસ્થાન છે. પાકિસ્તાન આતંકવાદીઓને બેમર્યાદ ફંડ પૂરું પાડે છે. આતંકવાદીઓ અને આતંકવાદ સપ્લાય કરતા આકાઓ પાકિસ્તાનની ધરતી ઉપર સરેઆમ ફરે છે. ભારતને નબળું પાડવા માટે પાકિસ્તાની સેના આતંકવાદીઓને ચાર હાથે મદદ કરે છે.

આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે કાયમ પ્રયાસો કર્યા કરે છે. દગાબાજી માટે જાણીતી પાકિસ્તાની સેના સરહદ પર છાશવારે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતના જાબાંઝ જવાનોના જીવ લે છે. ટેરરિસ્તાનની ઉપમા મેળવી ચૂકેલું પાકિસ્તાન એવી તમામ નાપાક હરકતો કરે છે જે ભારતને નુકસાન પહોંચાડે.

પાકિસ્તાની સેના અને આઇએસઆઇની છત્રછાયા હેઠળ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી કેમ્પો ચાલી રહ્યાં છે. દુનિયાભરમાંથી ભારે દબાણ છતાં પાકિસ્તાનસ્થિત આતંકવાદીઓને ઉની આંચ પણ આવતી નથી. પાકિસ્તાન ઉપર ટેરર ફંડિંગ પર લગામ કસવાનું આંતરરાષ્ટ્રીય દબાણ છે.

આતંકવાદીઓને મળતી આર્થિક સહાયના મામલે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને લપડાક લગાવી છે. હાલ આ સંસ્થાની યાદીમાં પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં છે પરંતુ પૂરેપૂરી શક્યતા છે કે આગામી બેઠકમાં પાકિસ્તાન બ્લેક લિસ્ટમાં આવી જાય. જો એવું થયું તો આર્થિક રીતે પાયમાલ થઇ ચૂકેલા પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સહાય મેળવવાના તમામ રસ્તા પણ બંધ થઇ જશે.

જોકે છેલ્લા થોડા સમયથી સુરક્ષા દળોની ચોકસાઇ અને ગુપ્તચર તંત્રની સચોટ બાતમીઓના આધારે કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો વિરુદ્ધ જે અભિયાનો ચલાવવામાં આવ્યાં છે એમાં આતંકવાદના ખાત્માની દિશામાં ભારે સફળતા મળી છે. થોડા દિવસો પહેલા મોટી માત્રામાં વિસ્ફોટકો હાથ લાગ્યાં હતાં જેના દ્વારા પુલવામા જેવા કોઇ મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવાનું કાવતરું થઇ રહ્યું હતું.

હકીકતમાં બુરહાન વાની બાદ કોઇ પણ આતંકવાદી આકા કાશ્મીરમાં પોતાના મૂળિયા જમાવી શક્યો નથી એ સુરક્ષા દળોની મોટી સફળતા ગણાય. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થયા બાદ લાંબા સમય સુધી કર્ફ્યૂ લાગવાના કારણે પણ આતંકવાદી સંગઠનોને મળતું સ્થાનિક લોકોનું સમર્થન ઓછું થવા લાગ્યું અને સરહદપારથી મળતી મદદ ઉપર પણ લગામ લાગી ગઇ. 

છેલ્લા થોડા સમયથી કાશ્મીરના યુવાનોના હાથમાં બંદૂક પકડાવવાના આતંકવાદીઓના પ્રયાસો પણ ઠંડા પડવા લાગ્યાં છે. આતંકવાદીઓ સાથેની સુરક્ષા દળોની અથડામણોમાં કાશ્મીરના સ્થાનિક લોકો પથ્થરમારો કરીને આતંકવાદીઓનું સમર્થન નથી કરી શકતાં.

 તેમને ખ્યાલ આવવા લાગ્યો છે કે આતંકવાદીઓનો સાથ આપવાથી તેમનું ભલું થવાનું નથી. એ ઉપરાંત આતંકવાદીઓએ પોલીસ અને સુરક્ષા દળોમાં ભરતી થવા માંગતા સ્થાનિક યુવાનોને ભયભીત કરીને રોકવાના જે પ્રયાસો કર્યાં એનાથી પણ લોકોના મનમાં આતંકવાદીઓ પ્રત્યે નફરત પેદા થઇ છે. 

જોકે એ પણ સ્વીકારવું રહ્યું કે તમામ ચોકસાઇ અને આકરા પગલાં બાદ પણ આતંકવાદીઓનો સંપૂર્ણ સફાયો થઇ શક્યો નથી. જોકે અથડામણોમાં સતત આતંકવાદીઓના માર્યા જવાના કારણે અને તેમના ઠેકાણા નષ્ટ થવાના કારણે તેમની તાકાત ઘટી રહી છે એ નિશ્ચિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here