જાણો દુનિયાના ક્રૂર શાસક વિશે જેની કબર 700 વર્ષથી છે મોટું રહસ્ય

0
78

ચંગેઝ ખાન ઈતિહાસનું એવું પાત્ર છે જેના નામથી દરેક વ્યક્તિ વાકેફ હશે. તેણે લોકો પર ગુજારેલા ત્રાસ અને તેની બહાદુરી બંનેની વાર્તાઓ બહુચર્ચિત રહી છે. તેની સેના જ્યાં પણ જતી પાછળ બરબાદી જ છોડતી. કહેવાય છે કે તે મંગોલ શાસક હતો. પરંતુ તેણે પોતાની તલવારની તાકાતથી એશિયાના એક મોટાભાગ પર કબજો કરી લીધો હતો. 

દુનિયામાં જેટલા પણ રાજા, સુલ્તાન કે બાદશાહ થતા તેમના મૃત્યુ પછી તેમના મકબરા આજે પણ અસ્તિત્વમાં છે. તેઓ ઈચ્છતા હતા કે તેમના મૃત્યુ બાદ પણ લોકો તેને યાદ રાખે તેથી મકબરા બનાવવામાં આવતા. પરંતુ ચંગેઝ ખાન આવું ઈચ્છતો ન હતો. તેના મૃત્યુ બાદ તેનું નિશાન પણ કોઈને ન મળે તેવી તેની ઈચ્છા હતી. તેથી તેણે પોતાના સાથીઓને આદેશ કર્યો હતો કે તેના મૃત્યુ બાદ તેને ગુમનામ જગ્યાએ દફનાવવામાં આવે.

ચંગેઝ ખાનના સૈનિકોએ તેને જે જગ્યાએ દફનાવ્યો તેના પર હજારો ઘોડા દોડાવ્યા જેથી જમીનમાં તેની કબર ક્યાં છે તે વાતનો ખ્યાલ પણ કોઈને ન આવે. મંગોલિયાના ચંગેઝ ખાનના મોતને આઠ સદીઓ વિતી ચુકી છે. તેની કબરને શોધવા અત્યાર સુધીમાં અનેક મિશન ચલાવાયા પરંતુ તેમાં કોઈ સફળ થયું નહીં. એટલું જ નહીં સેટેલાઈટના માધ્યમથી પણ તેની કબર શોધવામાં  આવી હતી.  આ પ્રોજેક્ટને વૈલી ઓફ ખાન નામ આપવામાં આવ્યું હતું.

રસપ્રદ વાત એ છે કે ચંગેઝ ખાનની કબર શોધવામાં વિદેશી લોકોને પણ રસ હતો. મંગોલિયાના લોકો ચંગેઝ ખાનની કબરને શોધવા ન હતા ઈચ્છતા. કારણ કે એવી માન્યતા છે કે જો તેની કબરને શોધી તેને ખોદવામાં આવી તો દુનિયાનો અંત થઈ જશે. કેટલાક લોકો ચંગેઝ ખાનને મંગોલિયાઈ એહતરામ માને છે. તેમનું માનવું છે કે ચંગેઝ ખાન પોતે જ ઈચ્છતો ન હતો કે તેને કોઈ યાદ રાખે તેથી લોકો તેની ઈચ્છાનું સમ્માન કરે છે. મંગોલિયાઈ લોકો પરંપરાવાદી રહ્યા છે. તેઓ પોતાના વંશના વડિલોની ઈચ્છા તેના મર્યા બાદ પણ પુરી કરે છે. તેઓ આજે પણ પોતાને ચંગેઝ ખાનના વંશજ માને છે અને તેની ઈચ્છાનો આદર કરે છે. 

જે લોકો ચંગેઝ ખાનની કબર શોધવા ઈચ્છતા હતા તેમના માટે આ કામ લોઢાના ચણા ચાવવા જેવું હતું. કારણ કે ચંગેઝ ખાનની કોઈ નિશાની પણ ઉપલબ્ધ નથી. તેની તસવીર પણ જૂના સિક્કામાં અથવા તતો વોડકાની બોટલમાં જ જોવા મળે છે. આ સિવાય કોઈ એવી નિશાની નથી જેની મદદથી તેની કબર કે તેના અસ્તિત્વ વિશે જાણી શકાય. 

મંગોલિયા એક પછાત દેશ છે. અહીં કેટલાક વિસ્તારોમાં પાકા રસ્તા પણ નથી. આબાદી પણ ઓછી છે. 90ના દાયકામાં જાપાન અને મંગોલિયાએ સાથે મળી ચંગેઝ ખાનની કબર શોધવા પ્રયત્ન કર્યો હતો. જેના ભાગરુપે ચંગેઝ ખાન જ્યાં જન્મ્યો હતો તે શહેર ખેનતીમાં રિસર્ચ કરવામાં આવી પરંતુ તે સમયે મંગોલિયામાં લોકતાંત્રિક ક્રાંતિ થઈ અને નવી સરકારએ આ સંશોધન કાર્યને અટકાવી દીધું. 

મંગોલિયાની પ્રચલિત કથાઓ અનુસાર ચંગેઝ ખાનને ખેનતીના પર્વતોમાં આવેલી બુર્ખાન ખાલદુન નામની ચોટી પર દફનાવવામાં આવ્યો હતો. સ્થાનિકોનું માનવું છે કે પોતાના દુશ્મનોથી બચવા માટે ચંગેઝ ખાન અહીં છુપાયો હતો અને મર્યા બાદ તેને દફન ત્યાં જ કરવામાં આવ્યો છે. જો કે આ લોકવાયકા છે તેની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. આ પર્વતોને મંગોલિયાના લોકો પવિત્ર માને છે. પરંતુ નિષ્ણાંતો આ વાત સાથે સહમત નથી કે ચંગેઝ ખાનને ત્યાં દફન કરાયો હોય.  આ પર્વતોને મંગોલિયાની સરકારએ સંરક્ષિત રાખ્યા છે. યૂનેસ્કોએ તેને વિશ્વ વિરાસત ગણાવ્યા છે. 

ચંગેઝ ખાન એક યોદ્ધા હતો. તે ક્રૂર હતો અને દુનિયાને જીતવા ઈચ્છતો હતો. મંગોલિયાના લોકો માટે તે હીરો હતો. તેના શાસનકાળમાં મંગોલિયાના લોકોએ કાગળની કરંસીના ઉપયોગની શરૂઆત કરી હતી. તે દુનિયા માટે ક્રૂર હતો પરંતુ મંગોલિયાને તેણે સભ્ય સમાજ બનાવ્યો હતો. તેથી જ તેને મંગોલિયામાં સમ્માનની નજરે જોવામાં આવે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here