જામનગર તાલુકાના સિક્કામાં રહેતા ટ્રક ચાલક યુવાનનો આર્થિક સંકળામણના કારણે ઝેરી દવા પી લઇ આપઘાત

0
53

– લોક ડાઉનના કારણે ટ્રકનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક ભીંસમાં આવી જઈ ભરેલું અંતિમ પગલું

જામનગરમાં નજીક સિક્કામાં ભગવતિ સોસાયટીમાં રહેતા અને ટ્રક ચલાવતા એક યુવાને આર્થિક સંકળામણ ના કારણે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. લોક ડાઉનના કારણે ટ્રકનો ધંધો બંધ થઈ ગયા પછી આર્થિક ભારણ વધી જતાં આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવના કારણે મૃતકના ત્રણ સંતાનો નોંધારા બન્યા છે.

જામનગર નજીક સિક્કામાં ભગવતી કોલોની વિસ્તારમાં રહેતા અને ટ્રક ચલાવતા કુલદીપસિંહ પથુભા રાઠોડ નામના 38 વર્ષના ટ્રક ચાલક યુવાનને ગત તા 6.1.2020 ના દિવસે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમિયાન ગઈકાલે તેનું મૃત્યુ નીપજયું છે.

આ બનાવ અંગે મૃતકના ભાઈ મહેન્દ્રસિંહ રાઠોડે પોલીસને જાણ કરતા સિક્કા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન ફાઇનાન્સ કંપની માંથી ટ્રક લઈને ટ્રક ચલાવી પોતાનું તથા પોતાના ત્રણ સંતાનો સહીત ના પરિવાર નું ગુજરાન ચલાવતા હતા.

પરંતુ લોકડાઉન ના કારણે પોતાના ટ્રકનો ધંધો બંધ થઈ જતાં આર્થિક સંકડામણમાં મુકાઈ ગયા હતા, અને ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી અને આર્થિક ભીંસ વધી જતા પોતાની જિંદગીનો અંત લાવી દેવા માટે ઝેરી દવા પી લીધી હોવાનું જાહેર કરાયું હતું. 

સિક્કા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઇને મૃતકના પરિવાર માં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે, અને બે વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીના ત્રણ સંતાનો એ પિતાનું છત્ર ગુમાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here