જૂલે વર્ન : સમુદ્ર તળિયાથી ચંદ્રની સપાટી સુધીની સફર

0
41

દોઢસો વર્ષ પહેલા જૂલે વર્નની બે કથા પ્રગટ થઈ હતી, ‘ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ અન્ડર ધ સી’ અને ‘અરાઉન્ડ ધ મૂન’. સમુદ્ર અને ચંદ્રની સફર કરાવતી એ વાર્તાની સફર..

જૂલે વર્ન (1828-1905)

સમુદ્રના પેટાળમાં પ્રવાસ

અને સમાનવ ચંદ્રયાત્રા

ચંદ્રયાત્રાનું કવર

નોટિલસનું કલ્પનાચિત્ર અને 1871માં ફ્રેન્ચ ભાષામાં પ્રગટ થયેલી ચોપડીનું શરૂઆતી પાનું

નાસાના ચંદ્રમિશન એપોલો-11 સાથે વર્નની કેપ્સ્યુલની સરખામણી (ઉપર) અને ચંત્રયાત્રાએ જઈ રહેલી જૂલે વર્નની કેપ્સ્યુલ.

૧૮૬૬નું વર્ષ હતું.

એ જમાનો સમુદ્રી પ્રવાસનો હતો. હવાઈયાત્રા તો હજુ શોધાઈ ન હતી. ત્યાં સમુદ્રી પ્રવાસ કરનારાઓના મોઢે એક જ વાત સાંભળવા મળવા લાગી, દરિયામાં કોઈ દૈત્ય છે. સમુદ્રને ઘોળીને પી જનારા ખલાસીઓ પણ કહેતા હતા કે પાણીમાં કંઈક વિચિત્ર વસ્તુ છે. ક્યારેક ઉપર દેખાય છે, ક્યારેક નીચે જાય છે. ક્યારેક ચમકે છે, ક્યારેક વળી તેની ઘરરરાટી સંભળાય છે. ક્યારેક નજીક આવે છે, તો ક્યારેક એ વસ્તુ દૂર જતી જોવા મળે છે.

પણ એ છે શું?

સૌ કોઈ એવા તારણ પર આવ્યા હતા કે કોઈ અજાણ્યું જળચર છે, જેને આપણે આ પહેલા જોયું નથી. જળચર સપાટી પર દેખાય ત્યારે ચર્ચાનો વંટોળ ઉઠતો વળી પાછો શાંત થતો. એક દિવસ તો એ અજાણી ચીજ કોઈ સ્ટીમર સાથેે અથડાઈ અને સ્ટીમરને ભારે નુકસાન થયું. એટલે અમેરિકી સરકારે તત્કાળ ‘અબ્રાહમ લિંકન’ નામનું જહાજ અજાણ્યા જળચરને શોધી તેનો ફેંસલો લાવવા રવાના કર્યું. 

જૂલે વર્ને દોઢસો વર્ષ પહેલા ૧૮૭૦માં લખેલી વિજ્ઞાાન-સાહસ-પ્રકૃત્તિ પ્રેમની કથા ‘ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ અન્ડર ધ સી’ની શરૂઆત કંઈક આવી છે. અબ્રાહમ લિંકન નામનું જહાજ રવાના થયું તેમાં ફ્રાન્સના વિદ્વાન પ્રોફેસર એરોનાને જોડાવવા આમંત્રણ મળ્યું હતું. પ્રોફેસર એરોના પોતાના સાથીદાર કોન્સીલ સાથે જહાજ પર સવાર થયા. જહાજ પર એક નેડલેન્ડ (નેડ) નામનો ભાલાવીર (હાર્પૂનર) શિકારી પણ હતો, જેનું કામ એ અજાણ્યા જીવને ભાલો પરોવી દેવાનું હતું. જહાજ સમુદ્રમાં પહોંચ્યુ અને અજાણ્યા સજીવ સાથે અથડાતા ડૂબી ગયું. પણ ૩ જણ બચી ગયા, પ્રોફેસર, કોન્સીલ અને નેડ. સમુદ્રમાં ડૂબી જાય એ પહેલા ત્રણેયનો ભેટો થયો અજાણ્યા જીવ સાથે જે દરિયાના પેટાળમાં ચાલી શકે એવું જહાજ (સબમરિન) હતું. એ સબમરિનમાં રહીને જ પ્રોફેસરે જે જોયું એ લખ્યું એટલે વર્નની આખી વાર્તા પ્રોફેસર એરોનાના મોઢે કહેવાઈ છે.

મૂળશંકર મોહનલાલ ભટ્ટે આ વાર્તાનું ગુજરાતીકરણ ‘સાગરસમ્રાટ’ નામે કર્યું છે. જૂલે વર્ને સમુદ્ર નીચે જ રહીને સફર કરવાનો, એ દરમિયાન નવાં નવાં અનુભવો લેવાનો, નવાં નવાં સાહસ કરવાનો, વૈજ્ઞાાનિક પ્રયોગો કરવાનો.. એવાં ખમતીધર આઈડિયા આ વાર્તામાં રજૂ કર્યા છે. અને એટલે જ આજે પણ એ વાર્તા એટલી જ લોકપ્રિય છે.

વાર્તાનો હીરો કેપ્ટન નેમો નામે એક માથાફરેલો યોદ્ધો છે, જે દુનિયાથી કંટાળ્યો. અનેક આવડત, ત્રેવડ અને ક્ષમતા ધરાવતા નેમોએ એવું વાહન તૈયાર કર્યું, જેની જગતને કલ્પના ન હતી. એ વાહન સમુદ્ર નીચે પાણીમાં ચાલી શકતું હતું. નેમો અને તેના વફાદારો તેમાં શામેલ થયા અને નીકળી પડયા, જગતની સફરે. આજે પાણી નીચે ચાલી શકતા વાહનને આપણે સબમરિન કહીએ છીએ, પરંતુ ત્યારે એ શબ્દ આજના જેટલો લોકપ્રિય ન હતો. 

પોતાના જહાજ અર્થાત સબમરિનને નેમોએ નામ આપ્યું ‘નોટિલસ’. નોટિલસની રચના પણ અનોખી. સમુદ્રનું સૌંદર્ય જોવા માટે બન્ને તરફ કાચની વિશાળ બારીઓ, દરિયાઈ જીવ ત્રાટકે તો રક્ષણ મેળવવા માટે ઈલેક્ટ્રિક શોકની વ્યવસ્થા, ભેદી ખાના-દરવાજા, સબમરિનમાંથી ઉપર આવવાની સગવડ તો ખરી જ સાથેે સાથે સબમરિન તળિયે પહોંચેે ત્યારે નીચેના દરવાજેથી નીકળી સમુદ્રના તળિયે જવાની પણ અનોખી વ્યવસ્થા.. આવી વિશિષ્ટતાઓને કારણે નોટિલસ સુપર વ્હિકલ હતી.

નેમોએ સમુદ્રમાં ક્યાંક એક ખાલી પડેલા જ્વાળામુખી ટાપુ પર પોતાનો અડ્ડો બનાવી રાખ્યો હતો. જરૂર પડે ત્યારે સબમરિન ત્યાં જઈને વિરામ લેતી. બાકી તો સમુદ્રના તળિયે ફરતી રહેતી અને સપાટી પર દેખાય ત્યારે લોકો માટેે ચર્ચા-ડર-જિજ્ઞાાસાનું કારણ બનતી. 

પ્રોફેસર એરોના સબમરિનમાં પ્રવેશ્યા ન હોત તો જગતને તેના વિશે કદાચ જાણકારી મળી જ ન હોત. પ્રથમવાર જહાજનો ભેટો થયો ત્યારે અચરજ વ્યક્ત કરતાં પ્રોફેસરે કહ્યું હતું : ‘અમે એક દરિયાની અંદર ચાલી શકે એવા વહાણ ઉપર ઉભેલાં હતા. વહાણનો આકાર માછલી જેવો હતો. તેના ઉપર મજબૂત લોઢું જડેલું હતું, જે વાત નેડલેન્ડ કહેતો હતો તે હવે અમારે માનવી પડી. પણ મને એક શંકા થઈ કે જો આ કોઈ વહાણ હોય તો તેની અંદર યંત્રો અને માણસો હોવા જોઈએ.’

જૂલે વર્ન ફ્રાન્સના લેખક પણ કહેવા પૂરતા ફ્રાન્સના બાકી તો એ વૈશ્વિક લેખક હતા. તેની વાર્તાના પાત્રો દુનિયાભરમાંથી આવતા હતા અને કથાના મંડાણ પણ દુનિયાના કોઈક દેશમાં થતાં. 

કેપ્ટન નેમોને એટલે જ જૂલે વર્ને ભારતનો એક રાજા દર્શાવ્યો છે. એવો રાજા જે ૧૮૫૭ની ક્રાંતિ પછી કંટાળી રાજ-પાટ છોડીને સમુદ્રમાં ચાલ્યો ગયો! ભારતમાં મૂળિયા હોવાની વાત જોકે જૂલે વર્નની બીજી વાર્તામાં કરવામાં આવી છે. નોટિલસ એમ તો સફર દરમિયાન ફરતી ફરતી હિન્દુસ્તાનના કાંઠા પાસે પણ આવી હતી.

દુનિયાના દંભથી નેમોને ભારે નફરત હતી. એટલે જ બેફિકરાઈપૂર્વક નેમો પ્રોફેસરને કહે છે : ‘તમે કદાચ મને જંગલી કહેશો, પણ મને તેમાંય વાંધો નથી. હું સુધરેલો રહેવા માંગતો નથી અને સુધરેલી દુનિયા સાથે મારે કશો સંબંધ પણ નથી. સુધરેલી દુનિયાના કાયદાઓ મને લાગુ પડતા નથી. તમારી સુધરેલી દુનિયાની એક પણ વાત મને કરવાની જરુર નથી.’ ખાવા-પીવાની બધી જ ચીજો તેને સમુદ્રમાં થતા ઘાસ-પૂસ-છોડ-વેલા-સજીવોમાંથી મળી રહેતી!

લીગ એ અંતરનું માપ છે અને વિવિધ દેશોમાં તેનું માપ જરા જૂદું પડે છે. પણ એક લીગ એટલે ઓછામાં ઓછું ચાર કિલોમીટર ગણીએ તો આ વાર્તા ઉત્તર ધુ્રવથી માંડીને દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી થયેલી ૮૦ હજાર કિલોમીટરની સફરની છે. ૧૮૬૩માં ફ્રાન્સે જગતની પ્રથમ સબમરિન તૈયાર કરી હતી. જૂલે વર્ને એ સબમરિન તપાસી અને તેમાં પોતાના કલ્પનાના રંગો ઉમેરી વાર્તા લખી. વાર્તામાં સબમરિન અંગે જે કલ્પનાઓ હતી એ આજે તો સાચી સાબિત થઈ ચૂકી છે. 

એ જ વર્ષે ૧૮૭૦માં જૂલે વર્નની બીજી વાર્તા આવી ‘અરાઉન્ડ ધ મૂન’. એનાય પાંચ વર્ષ પહેલા ૧૮૬૫માં વર્ને ‘ફ્રોમ અર્થ ટુ ધ મૂન’ નામની વાર્તા લખી હતી. તેની સિક્વલ એટલે અરાઉન્ડ ધ મૂન. 

વાત જાણે એમ હતી કે ૧૮૬૫માં અમેરિકામાં ઉત્તર અને દક્ષિણના રાજ્યો વચ્ચે ચાલતું ગૃહયુદ્ધ ખતમ થયું. યુદ્ધ ખતમ થાય એ તો સારી જ વાત ગણાય. પણ એક વર્ગ શાંતિથી નારાજ હતો. 

એ કોણ?

ધ બાલ્ટિમોર ગન ક્લબ.

અમેરિકાના બાલ્ટિમોર શહેરમાં એક ગન ક્લબ (તોપ મંડળ) હતું. તોપ મંડળને તો સ્વાભાવિક રીતે તોપની કામગીરી વધે, વિકસતી રહે એમાં જ રસ હોય ને! યુદ્ધ ખતમ થયું, તો હવે નવરી પડેલી તોપનું અને ખાસ તો નવરાં થયેલા તોપ મંડળના સભ્યોએ કરવું શું? શું કરવું એ નક્કી કરવા મંડળની સભા ભરાઈ અને તેમાં એમ નક્કી થયું કે તોપનો ઉપયોગ કરી આપણે મનુષ્યને ચંદ્ર પર મોકલવા! એમાં ભલે ફૂટેલી તોપો કામ ન લાગે પણ તોપવિદ્યા તો કામ લાગવાની જ હતી. એટલે થવા માંડી તડામાર તૈયારી…

વર્નની વાર્તા ફ્રોમ અર્થ ટુ મૂનમાં ચંદ્ર તરફ રવાના થતા તોપના ગોળાની જ કથા છે. પછી શું થયું એ વાર્તા પાંચ વર્ષ પછી ૧૮૭૦માં તેમણે અરાઉન્ડ ધ મૂન નામે લખી. મૂળશંકર મોહનલાલ ભટ્ટે બન્ને વાર્તાઓ ભેગી કરીને સંક્ષેપમાં ગુજરાતીમાં ‘ચંદ્રલોક’માં નામે રજૂ કરી છે. દોઢસો વર્ષ પહેલા લખાયેલી આ કથા કલ્પના અને વિજ્ઞાાનનો સંગમ હતી. કલ્પના જગતમાં તો જૂલે વર્ન કોલંબસ હતા જ પણ એમની વિજ્ઞાાન પરની પકડ જેવી તેવી ન હતી. 

એટલે વાર્તાની એક સદી પછી ૧૯૬૮માં જ્યારે નાસાએ સમાનવ ચંદ્ર પ્રદક્ષિણા કરી અને ૧૯૬૯માં સમાનવ ચંદ્રયાત્રા કરી ત્યારે એવી ઘણી ઘટનાઓ બની હતી, જેનું વર્ણન વર્નદાદા કરી ગયા હતા. વાર્તામાં પ્રથમ ચંદ્રયાત્રા અમેરિકાએ યોજી છે અને તેમાં ચંદ્રયાત્રીની સંખ્યા ૩ હતી. ૧૯૬૯ની અમેરિકાની ખરેખરી ચંદ્રયાત્રા વખતે પણ એમ જ થયું હતું. જૂલે વર્ને ફ્લોરિડા-ટેક્સાસની ધરતી પરથી રોકેટ લૉન્ચ કરાવ્યું હતું અને ખરેખરું નાસાનું રોકેટ પણ ફ્લોરિડાથી જ રવાના થયું હતું. વર્નના ચંદ્રયાત્રીઓ પરત ફરતી વખતે પેસેફિકના પાણીમાં ઉતર્યા હતા અને નાસાના ચંદ્રયાત્રીઓ પણ. જૂલે વર્નની ભવિષ્યદર્શનની એ સિદ્ધિ જાણીતી છે અને સમગ્ર વિજ્ઞાાન જગત એ માટે વર્નનું ઋણી છે.

જૂલે વર્નની વિજ્ઞાાનકથાઓમાં વિજ્ઞાાન હોવા છતાં તેને વાંચનારે વિજ્ઞાાન સમજવાની જરૂર રહેતી નથી. વર્ને વિજ્ઞાાન સરળ રીતે અને આખી વાર્તામાં અનિવાર્ય હોય એટલું જ સમજાવ્યું હોય. એટલે વિજ્ઞાાનનો ભાર લાગે નહીં. એ રીતે વર્નની મોટાભાગની કથાઓ હાસ્યરસથી ભરપૂર રહી છે. એ બધા જ લક્ષણો આ વાર્તામાં પણ જોવા મળે જ છે. 

વાર્તાની શરૂઆતમાં જ અમેરિકનોના લક્ષણ વર્ણવતા વર્ને લખ્યું છે : ‘હવે અમેરિકીઓનું એવું છે કે એક જણને મનમાં જો કોઈ તુક્કો ઊઠયો તો તરત જ તે તુક્કામાં એક ભાગીદાર ભેળવે જ. એમાં જો ત્રણ થયા, તો પછી એક પ્રમુખ અને બીજા બે મંત્રી. ચાર જણ થયા તો ચોથો કારકુન થાય, અને કંપની શરૂ તો થઈ જાય. પાંચ જણ થયા, એટલે કંપનીની મોટી સભા થઈ ગણાય. બાલ્ટિમોર શહેરમાં આમ જ થયું.’

આપણને પહેલી નજરે નંગ જેવા લાગે એવા માથાફરેલા અનેક પાત્રો જૂલે વર્નની વાર્તામાં રાજાશાહી ભોગવતા હોય છે. જેમ કે તોપમંડળના નવરી બજાર જેવા લાગતા સભ્યો ચર્ચા કરે છે, જેનો રસપ્રદ અનુવાદ મૂળશંકર ભટ્ટે કંઈક આમ કર્યો છેે : ‘આ આપણી જિંદગીના છેલ્લા વર્ષો આપણે આપણી તોપવિદ્યાને આગળ વધારવામાં નહિ વાપરી શકીએ? કંઈક નવું તોફાન નહીં જાગે? શું ફરીવાર તોપમાંથી ગોળાની ગર્જના અને વીજળીના ચમકારા વાતાવરણને નહિ ભરી શકે? શું દેશ દેશ વચ્ચે ક્યાંય એવી ચકમક નહિ જ ઝરે? આપણો દેશ કદી કોઈ બીજા દેશ સામે લડાઈ જાહેર નહિ જ કરે? શું ફ્રાંસ આપણા દેશનું એકાદ વહાણ નહિ ડુબાડે? અરે કંઈ નહીં તો ઈંગ્લેન્ડમાં કાંઈક ગુનાસર એકાદ અમેરિકીને ફાંસી ચડાવવાની સજા નહિ થાય? બસ! અને લડાઈ જાહેર કરવા માટે આ ઓછાં કારણો છે?’

તોપમંડળના સભ્યોની ઈચ્છા ભલે સારી નથી, પરંતુ પોતાના તોપપ્રેમ પ્રત્યેે મક્કમ છે અને એ મક્કમતા જ જૂલે વર્ને રજૂ કરી છે. 

આજે યુદ્ધમાં વપરાય એ પ્રકારની તોપની આ વાત નથી. રાજાશાહી યુગમાં વિશાળ પૈડા ધરાવતી તોપો રણમેદાનમાં લઈ જવાતી. એનીય પૂર્વજ એવી તોપ આ કથાના કેન્દ્રમાં છે. પણ જે તોપ વડે ચંદ્ર સુધી ગોળો મોકલવાનો છે, એ તોપ પાછી અલગ પ્રકારની છે. કેમ કે એ તોપ તો હકીકતે જમીનમાં કરેલો ૯૦૦ ફીટ ઊંડો ખાડો છે. ખાડામાં તળિયે દારૂગોળો ગોઠવાય અને ઉપર ગોળો ગોઠવાય. દારૂગોળો વિસ્ફોટિત કર્યા પછી ગોળો રવાના થાય.

ગોળો વળી એક પ્રકારની કેપ્સ્યુલ હતી. એ કેપ્સ્યુલમાં ૩ પ્રવાસી અને એક કૂતરો ચંદ્રની સફરે નીકળ્યા હતા. કેપ્સ્યુલમાંથી બહાર જોવા કાચની બારીની વ્યવસ્થા પણ હતી. એ કેપ્સ્યુલનું નામ ‘કોલંબિયાડ’ રાખવામાં આવ્યું હતું અને સદી પછી ચંદ્ર પર પહોંચેલા નાસાના યાત્રીઓની કેપ્સ્યુલનું નામ પણ ‘કોલંબિયા’ હતું. 

બે વાર્તા પૈકી અરાઉન્ડ ધ મૂનનું નામ તો ત્રણ અક્ષરનું જ હતું. પણ પહેલી વાર્તા ફ્રોમ અર્થ ટુ ધ મૂનનું આખું નામ, ‘ફ્રોમ ધ અર્થ ટુ મૂન : અ ડાયરેક્ટ રૂટ ઈન ૯૭ અવર્સ, ૨૦ મિનિટ’. વર્ને વાર્તાના ટાઈટલમાં જ પ્રવાસનો સમય જણાવી દીધો હતો.

ચંદ્રયાત્રા કે બીજી કોઈ પણ અવકાશયાત્રા માટે રોકેટ વપરાય છે. એ પાછળની વૈજ્ઞાાનિક ગણતરીઓ અને વર્ને વાર્તામાં કરેલી ગણતરીઓ લખભગ સરખી જ છે. એથી વધુ મહત્ત્વની વાત એ છે કે વિજ્ઞાાનીઓએ ખરેખર સ્પેસ ગન તૈયાર કરવાનો પ્રોજેક્ટ ગંભીરતાપૂર્વક હાથ પણ ધર્યો હતો. પરંતુ એ પ્રોજેક્ટ ખર્ચાળ, અઘરો જણાયો, જ્યારે ત્યાં સુધીમાં અવકાશ પ્રવાસ માટે રોકેટ તૈયાર થઈ ગયા. એટલે વર્નની લૉન્ચર તોપ વાર્તા પૂરતી મર્યાદિત રહી ગઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here