પાંચ દાયકાથી અમેરિકાના રાજકારણમાં સક્રિય
– 77 વર્ષીય બિડેન છ વાર સેનેટર રહી ચૂક્યા છે : 1988 અને 2008માં પ્રમુખપદની રેસમાં નિષ્ફળતા મળી હતી
અમેરિકાના રાજકારણમાં છેલ્લાં પાંચ દાયકાથી સક્રિય જો બિડને સૌથી યુવા સેનેટરથી લઇ સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ બનવા સુધીનો સફર ખેડયો છે. 77 વર્ષીય જો બિડેન છ વાર સેનેટર રહી ચૂક્યા છે અને હવે ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી તેઓ અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બનવા તરફ આગળ વધી રહ્યા છે.
પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયમાં તેઓ બે વાર ઉપરાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે. રાષ્ટ્રપતિપદ માટે બિડેનને પહેલાં જ પ્રયત્નમાં સફળતા મળી છે તેવું નથી. 1988 અને 2008માં તેઓ રાષ્ટ્રપતિપદની રેસમાં નિષ્ફળ સાબિત થયા હતા.
ડેલાવરના વતની અને છેલ્લાં પાંચ દાયકાથી વોશિંગ્ટનમાં વસવાટ કરનારા જો બિડેન અમેરિકનો માટે જાણતી ચહેરો છે, કારણ કે બરાક ઓબામાના રાષ્ટ્રપતિકાળમાં તેઓ બે વાર ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે.
ડેલાવરમાં લગભગ ત્રણ દાયકાઓ સુધી સેનેટર રહી ચૂકેલા અને અને ઓબામા સાથેના આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન તેઓ હંમેશા ભારત સાથેના સંબંધો મજબૂત કરવાના હિમાયતી રહ્યા છે. આ ઉપરાંત ભારત-અમેરિકાની પરમાણુ સંધિને સફળ બનાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભારતીય નેતાઓ સાથે મજબૂત સંબંધ રાખનારા જો બિડેનના અંગત વર્તુળમાં ઘણાં ભારતીય અમેરિકનો છે. ચૂંટણી માટે ભંડોળ એકત્ર કરતી વખતે તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકા કુદરતી ભાગીદાર છે. આ ઉપરાંત ત્યારે તેમણે એવું નિવેદન આપ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ બનશે તો ભારત-અમેરિકાના સંબંધો તેમના માટે પ્રાથમિકતા હશે.
પેન્સિલવેનિયામાં વર્ષ 1942માં જન્મેલા જો રોબિનેટ બિડેન ડેલાવર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અ ને 1968માં કાયદાની ડિગ્રી મેળવી હતી. 1972માં તેઓ પહેલીવાર ડેલાવરના સેનેટર તરીકે ચૂંટાયા હતા અને છ વર્ષ સુધી તેઓ અહીં સેનેટર રહ્યા હતા. 29 વર્ષની વયે સૌથી યુવાન સેનેટર બનવાનો વિક્રમ તેમના નામે છે.