જ્યારે બાઇડેને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું…

    0
    8

     ‘કટિ પતંગ’ જેવા જીવનને આસમાનની ઊંચાઈએ ઉડાણ આપવાનો હોંસલો એટલે જો બાઈડેન

    – વિવિધા- ભવેન કચ્છી

    – બાઈડેનને જીવનનો વધુ એક વ્રજઘાત 2015માં સહન કરવો પડયો જ્યારે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ હતા. તેમના 46 વર્ષીય પુત્ર બાઉ બાઈડનનું બ્રેઇન કેન્સરમાં નિધન થયું.

    – પત્ની અને પુત્રીને કાર અકસ્માતમાં ગુમાવ્યા. એક વર્ષના અને બે વર્ષની વયના બે પુત્રો હોસ્પિટલમાં ઇજા બાદ ક્રિટિકલ કેરમાં હતા અને સેનેટર તરીકેના શપથ બાઈડેને હોસ્પિટલમાં લીધા !

    – 1972થી 2020 48 વરસની સંઘર્ષમય સફર

    જો બાઈડેનની વય ૭૭ વર્ષની છે. તેમની વર્તમાન વય જાણીને આપણી સ્વાભાવિક પ્રતિક્રિયા એવી હોય કે આ અવસ્થામાં અને તે પણ અમેરિકા જેવા સુપરપાવર દેશના પ્રમુખ બનવાના અભરખા આ ભાઈને કેમ હશે. અને અમેરિકા પણ કેવું ? આવડા મોટા અને વિશ્વના જમાદાર જેવા દેશને કોઈ યુવા ચોકીદાર ન મળ્યો. આપણે એવી કોમેન્ટ એટલે કરીએ કે ભારતનો સરેરાશ નાગરિક તો ટ્રમ્પ સાથે બાઇડેનને રિપબ્લીકન પાર્ટીએ પ્રમુખ માટેના ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી જ તેના નામથી પરિચિત હોય. જાણે બાઇડેન રાતોરાત ખડા ન કરી દેવાયા હોય ?

    પણ અમેરિકાના તમામ પક્ષના નાનામાં નાની વયના સેનેટર, મેયર કે કાઉન્સિલર જ નહીં વિશ્વભરના નેતાઓ, રાજકીય વિશ્લેષકો જાણે છે કે બાઇડેન ૪૮ વર્ષથી અમેરિકાના સાવ તળિયાના રાજકારણ અને તેના ગામની જાહેર સુવિધાની સેવાથી શરૂ કરી આ મુકામ પર પહોંચ્યા છે.

    ઓબામાના આઠ વર્ષના શાસનમાં બાઇડેન વાઇસ પ્રેસિડેન્ટ હતા અને અમેરિકાએ જે પણ વિદેશ નીતિઓ ઘડી તેમાં તેમનું યોગદાન હતું. મહત્ત્વની વૈશ્વિક મંત્રણાઓમાં ઓબામા બાઈડેનનો અનુભવ અને સિનિયોરિટી જાણીને બાઈડેનને જ મોકલતા હતા કે તેમનું મંતવ્ય આખરી રહેતું.

    બાઈડેનની રાજકીય સફર અને યોગદાન તો જાણવા મળશે જ પણ તેમનું જીવન કેવા કપરા કાળમાંથી અગ્નિ પરીક્ષામાં પસાર થયું અને તેઓ હાલ શિરમોર બન્યા છે ત્યારે આપણે સૌ તેમની પાસેથી પ્રેરણા લઈને તેમને સલામ લગાવી શકીએ છીએ.

    બાઈડનનો જન્મ ૨૦ નવેમ્બર, ૧૯૪૨ના રોજ અમેરિકાના પેન્સિલવેનિયાની દક્ષિણ-પૂર્વમાં આવેલા શ્રમિકોની ગરીબ વસ્તી ગણાતા સ્કાન્ટોન ગામમાં થયો. શ્રીમંત ગોરાઓ આવા ગામ કે વસ્તીને ‘બ્લ્યુ કોલર’ સીટી કહેતા હોય છે. બાઈડેનના પિતા જોસેફ દુકાનો અને ઓફિસોમાં પોતાં કરતાં અને સેકન્ડ હેન્ડ કાર વેચી થોડી ઘણી દલાલી કમાઈ લેતા હતા. બાઈડેનના માતાનું નામ કેથરિન ફિનેગન હતું.

    બાઈડેનને બાળવયથી માતા-પિતા ગરીબી અને શ્રમ તો ઉત્કર્ષ કરવા માટે ઇશ્વરે આપેલી અણમોલ ભેટ છે તેમ સંસ્કાર આપતા હતા. શ્રીમંતોના તુમાખીભર્યા વર્તનથી ક્યારેય હતાશ ન થવું. લઘુતાગ્રંથી ન કેળવવી તે રીતની તેમની કેળવણી થઈ.

    બાઇડેન ૧૩ વર્ષની વયના હતા ત્યારે તેમનો પરિવાર ૧૯૫૫માં મેફિલ્ડ, ડેલવેરમાં શિફ્ટ થયો કેમ કે આ ગામ ઔદ્યોગિક ઝોન તરીકે વિકસી રહ્યું હતું અને રોજીરોટીની વિશેષ તક મળે તેમ હતી.

    છેક કિશોરવય સુધી જો બાઇડેન બોલતી વખતે હકલાતા હતા. તેનું નામ કોઈ પૂછે તો ‘જો બા..આ..ડે ડે ન’ તેમ બોલતા. તેમની શાળાના વિદ્યાર્થીઓ તેને આ રીતે બે શબ્દોના ઉચ્ચાર વચ્ચે હકલાઇને સમય લેતા તેથી ‘ડેશ (બે શબ્દો કે અક્ષર વચ્ચેની જગાના નિશાનને ડેશ- કહેવાય એટલે) કહી ચીઢવતા હતા. બધા તેને ‘જો ઇમ્પિડીમેન્ટ’ (બાઘો) કહીને જ બોલાવતા. તેને તેના માતા-પિતા સતત પ્રોત્સાહિત કરતા કે જીવનમાં એકપણ એવું વિઘ્ન નથી જેને તું હરાવી ન શકે. શરત એટલી કે તારે હારવાનું નહીં.

    બાઈડેન તેના હકલાવવાની સમસ્યાને દૂર કરવા કવિતાઓ અને સરળ રીતે યાદ રહી જાય તેવી ભાષાની વાર્તાઓના ફકરા વારંવાર વાંચી મનોમન મોઢે કરી લેતા. એક શબ્દ પછી બીજો શબ્દ કયો આવે તે તરત જ જીભ પર આવી જાય તે હદે તેઓ પેરાગ્રાફ અને કાવ્યો ગોખી કાઢતા તે પછી અરીસા સામે જોઈ મનોમન પોતાની જાતને કમાન્ડ આપતા કે આટલું બોલતી વખતે હકલાવવાનું નથી. તેઓ પુસ્તક જોઈ જોઈને પણ જેમ બને તેમ ઝડપથી વાંચવાની પ્રેક્ટિસ કરતા. વખત જતા આ જ બાઇડેન એટોર્ની જનરલ તરીકે કોર્ટમાં કે આર્બિટ્રેશનમાં જે તલસ્પર્શી અને વેધક દલીલો કરતા હતા તેને સાંભળીને બધા દંગ થઈ જતા. બાઈડેન સેનેટથી ઉપપ્રમુખ અને અમેરિકાના પ્રમુખ પદ સુધી પહોંચ્યા તેમાં તેની અદ્ભૂત વકૃત્વશૈલીનું જ યોગદાન છે. એક જમાનામાં જેની ‘ડેશ’ તરીકે હાંસી ઉડાવાતી હતી હવે તેના વક્તવ્યો બાદ ‘ડેશ’ વગરની અવિરત તાળીઓ શ્રોતા પાડતા હોય છે.

    સેંટ હેલેના સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી તેને પ્રતિષ્ઠિત મનાતી આર્ચમીયર એકેડમીમાં પ્રવેશ તો મળ્યો પણ ફી ભરવા માટે શાળા-કોલેજની બારીઓ સાફ કરવાનું અને બગીચાના ઘાસ કાપવાનું કામ સ્વીકાર્યું હતું. બાઇડેનનું આ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન હતું જે તેમણે આ રીતે સાકાર ્કર્યું. બાઇડેન ૧૯૬૧માં આ સંસ્થામાંથી જ સ્નાતક બન્યા.

    ૧૯૬૧માં અમેરિકાના પ્રમુખ કેનેડીના વ્યક્તિત્વ અને પ્રેરક ભાષણો સાંભળીને તેઓ એ હદે પ્રભાવિત થયા કે પાયાના કાર્યકર તરીકે તેમણે નામ નોંધાવ્યું. કેનેડી ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ હોઈ બાઇડેન પણ ડેમોક્રેટ બન્યા. આગાળ જતા કેનેડી જેમ પોતે પણ પ્રમુખ બનશે તેવું સપનામાં પણ ન જ આવ્યું હોય.

    ૧૯૬૫માં બહામસના પ્રવાસ દરમિયાન બાઈડેન ન્યૂયોર્ક સ્થિત સાયરિક્સ યુનિવર્સિટીની વિદ્યાર્થિની નેઈલા હન્ટરના પરિચયમાં આવ્યા. હવે તેઓ ગૃહસ્થીની ભાવિ ભૂમિકા સારી રીતે અદા કરવા જીવનનો ધ્યેય શોધવા માટે ગંભીર બન્યા અને નેઈલા હન્ટર જોડે જ મહત્તમ સમય વીતાવી શકાય તે હેતુથી સાયરિક્સ યુનિવર્સિટીમાં જ લો (કાયદાશાસ્ત્ર) સ્કૂલમાં પ્રવેશ લીધો. ૧૯૬૬માં બાઇડેન અને નેઇલા લગ્નગ્રંથિથી જોડાયા.

    ૧૯૬૮માં કાયદાશાસ્ત્રમાં ડિગ્રી મેળવી બાઇડેન અને પત્ની નેઈલા પ્રેક્ટિસ કરવાના આશયથી વિલિમિંગ્ટન, ડેલેવેર શિફટ થયા. ૧૯૭૦માં તેમના રહેણાંક વિસ્તારની ન્યુ કેસલ કન્ટ્રી કાઉન્સિલમાં કોર્પોરેટર જેવી કામગીરી માટે ચૂંટાયા. ૧૯૭૧માં તેમણે વકીલાત શરૂ કરી.

    બાઇડેન અને નેઈલા ૧૯૬૯માં જોસેફ, ૧૯૭૦માં હન્ટર બાઈડેન એમ બે પુત્રો અને ૧૯૭૧માં નાઓમી બાઈડેન (પુત્રી)ના માતા-પિતા બન્યા. બાઇડેને હળવીશૈલીમાં કબુલ્યુ કે ત્રણ વર્ષમાં ત્રણ સંતાનો…આ બધું આટલું ઝડપથી કઈ રીતે બન્યું તેની ખબર જ ન રહી.

    ૧૯૭૨માં ૨૯ વર્ષની વયે ડેલેવેર ડેમોક્રેટિક પાર્ટીએ બાઈડેનને યુનાઇટેડ સ્ટેટસના સેનેટરની ચૂંટણી માટે આગ્રહ કર્યો. બાઈડેનને આત્મવિશ્વાસ નહતો પણ તેમની બહેન વાલેરેઈએ હિંમત આપી કે હું તારી પ્રચાર (કેમ્પેઈન) મેનેજર બનીશ. તેના માતા-પિતાએ પણ રેલીમાં અને પ્રચારમાં દિવસ-રાતની મહેનત કરી. બાઇડેન જીત્યા એટલું જ નહીં અમેરિકાના ઇતિહાસના પાંચમાં સૌથી યુવા સેનેટર બન્યા.

    નવેમ્બરમાં ચૂંટણી જીત્યા અને પરિવારમાં ખુશીનો માહોલ હતો આ વખતની નાતાલની ઉજવણી ધમાકેદાર કરવાનું પરિવારજનોએ નક્કી કર્યું. બાઇડેને પત્ની નેઈલાને ધરાઇને શોપિંગ કરવા માટે છૂટ આપી.

    નાતાલના અઠવાડિયા પહેલાં જ ક્રિસમસ ટ્રી ખરીદવા નીકળેલા બાઈડેનના પત્ની જે કાર ચલાવી રહ્યા હતા તેમને ટ્રેક્ટર જોડે અકસ્માત થયો. કારમાં ત્રણ નાના સંતાનો એકથી ત્રણ વર્ષની વયના હતા. પત્ની નેઈલા અને એક વર્ષની પુત્રી નાઓમીના તત્કાલ મૃત્યુ થયા. બે પુત્રોને પણ ગંભીર ઇજા થઈ પણ ચમત્કારિક રીતે બચી ગયા.

    બાઈડેન ભાંગી પડયા. ઇશ્વર માટેની તેમની શ્રદ્ધા પર પડદો પડી ગયો. તેમની નજર સામે હોસ્પિટલમાં ઇન્ટેન્સીવ સારવાર લઈ રહેલા ત્રણ વર્ષના બે બાળકો હતા. પ્રાણપ્યારી પત્ની અને કુમળી પુત્રી અકાળ ગુમાવ્યાનો કારમો આઘાત તો હતો જ. બાઈડેન આજે પણ તે પ્રસંગ અને તેમની માનસિક અવસ્થા યાદ કરતા મહાપ્રયત્ને રડવા પર કાબુ મેળવીને કહે છે કે, ”હું લાગણીના આવેશમાં નહીં પણ સભાનપણે બુદ્ધિથી એવા નિર્ણય પર આવી ગયો હતો કે આત્મહત્યા જ કરી લઉં. (સ્યુસાઇડ વોઝ નોટ જસ્ટ એન ઓપ્શન બટ અ રેશનલ ઓપ્શન)”

    પણ પછી તરત જ અંતરાત્મા બોલી ઉઠયો કે મારી પત્ની નેઈલા..મારા આ પગલાંથી ખુશ થાય ? મારા બે બાળકો મને માફ કરી શકે ખરા ? તેમનો શ્રેષ્ઠ ઉછેર ન થાય અને ગુના, ડ્રગની ગુમનામ ગલીઓમાં ધકેલાઈ જશે તો.

    તેના પિતા બાળવયે તેમને દુકાનો અને ઓફિસોની ફર્શ પર પોતાં લગાવતા કહેતા કે ‘મારા ચેમ્પિયન બેટા જો બાઈડેન એક વાત જીવનમાં યાદ રાખજે કે લડવૈયાનો પરાજય તે ભોંય ભેગો થઈ જાય તેથી નથી થતો હોતો પણ તે ફરી લડવા માટે ઉભો નથી થતો તેથી તે પરાજિત જાહેર થાય છે. તું પણ જેટલી વખત માર ખાય ત્યારે ફરી ફરીને બેઠો થજે.”

    બાઈડેનના કાનમાં આ શબ્દોના પડઘા પડવા માંડયા. બાઈડેને ઇશ્વરની માફી માંગી. જીવન ઝંઝાવાતનો સામનો કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો. આગળ જતા બંને સંતાનોએ પોતપોતાના ક્ષેત્રમાં નામ કાઢ્યું. પોતે માતા-પિતા બંનેની ભૂમિકા ભજવીને બે અને ત્રણ વર્ષની વયના સંતાનોનો ઉછેર શરૂ કર્યો.

    સેનેટર તરીકે ચૂંટાયા ત્યારે પત્ની હતા પણ સેનેટર તરીકે અમેરિકાના પ્રમુખ, તમામ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટર્સના શપથ વિધિ સમારંભમાં તેઓ ભાગ લેવા વોશિંગ્ટનમાં જઈ ન શક્યા કેમ કે તે વખતે બંને બાળકો હોસ્પિટલમાં ક્રિટકલ કેરમાં સારવાર લેતા હતા.

    બાઇડેને વોશિંગ્ટનની ઐતિહાસિક અને જીતવાની અવિસ્મરણીય ઘડી જેવા તે શપથવિધિ સમારંભમાં હાજરી ન આપી અને તેમણે શપથ કાયદા માન્ય અધિકારીઓની હાજરીમાં હોસ્પિટલના રૂમમાં લીધા. જેમાં તેમના બે બાળકો સારવાર લઈ રહ્યા હતા. અમેરિકાના ઇતિહાસની આવા શપથની પણ આ એકમાત્ર ઘટના છે. 

    તેમના સંતાનો સાથે મહત્તમ સમય પસાર થાય તે માટે બાઇડેન વોશિંગ્ટનમાં રહેવા માટે શિફટ પણ ન થયા અને રોજ વિલમિંગ્ટનથી વોશિંગ્ટન ટ્રેનમાં અપડાઉન કરતા રહ્યા. જતા-આવતા દોઢ કલાકની ટ્રેનની મુસાફરી કરવાની રહેતી.

    સેનેટ તરીકેનો ૩૬ વર્ષનો કાર્યકાળ તેમણે આ રીતે અપડાઉન કરીને પૂરો કર્યો હતો. 

    બાઈડેને તેના ભાઈના આગ્રહને વશ જીલ ટ્રેસી જેકોબ્સ જોડે બીજા લગ્ન કર્યા હતા. તેઓ ૧૯૮૧માં પુત્રી એશલે બ્લોઝરના પિતા બન્યા. એશલે સામાજિક કાર્યકર છે.

    બાઈડેન બંને પુત્રોનો પાયાનાં વર્ષો ઉછેર કરીને માંડ હળવાશ અનુભવી હતી ત્યાં તેના જીવનમાં વધુ એક પડકાર ૧૯૮૮માં આવ્યો. સેનેટર તરીકે તેઓ ભાષણો આપતા કે નીતિવિષયક મંત્રણા કરતા ત્યારે તેમને ગરદન પર અસહ્ય દુ:ખાવો અનુભવાતો હતો. જુદી જુદી તપાસ બાદ નિદાન થયું કે ગરદનના સ્નાયુ કે કરોડના મણકાની તકલીફ નથી પણ મગજમાં લોહી પહોંચાડતી નલિકામાં ગાંઠ બંધાઈ જાય છે તેને લીધે આ અસહ્ય પીડા થાય છે. આ જીવલેણ બીમારી કહી શકાય. બાઈડેનને વોલ્ટર રીડ આર્મી મેડિકલ સેન્ટરમાં મગજની બે મોટી  સર્જરી કરવી પડી.

    સાત મહિનાના સંપૂર્ણ આરામ દરમ્યાન તેમને હવે રાજકારણ છોડી શાંતિથી જીવન વીતાવો તેવી સલાહ મળી જ હોય પણ બાઈડેન ડેમોક્રેટિક પક્ષના રાષ્ટ્રીય ફલક પર સીડીના એક પછી એક પગથિયાનો આપોઆપ માર્ગ ખુલતો જાય તેમ ભારે ખંત અને કુનેહથી કાર્યરત રહ્યા અને ઓબામાની બે ટર્મ ૨૦૦૮થી ૨૦૧૬માં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વૈશ્વિક મંચ પર દ્રષ્ટિસભર પ્રદાન આપ્યું. ૨૦૧૫માં બાઈડેનની વધુ એક વખત અગ્નિ પરીક્ષા થઈ. 

    બાઈડેનને જીવનનો બીજો વ્રજઘાત ૨૦૧૫માં સહન કરવો પડયો જ્યારે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ હતા. તેમના ૪૬ વર્ષીય પુત્ર બાઉ બાઈડનનું બ્રેઇન કેન્સરમાં નિધન થયું. બાઈડેનના બંને પુત્રો અમેરિકામાં તેમના લાયકાત અને શિક્ષણના બળથી યુનાઇટેડ સ્ટેટ્સમાં જજ અને એટોર્નીના પદ સુધી પહોંચ્યા. નિધન પામેલ બાઉ બાઇડેન ઇરાક યુદ્ધના કેદીઓને સજા આપવા માટે નિયુક્ત કોર્ટના જજ એડવોકેટ હતા. બે વર્ષના બાળકને ૪૬ વર્ષની વયે આ હોદ્દા પર પહોંચાડતા ઉછેરનું ગૌરવ તેમણે રાષ્ટ્રીય શોક સમારંભ દ્વારા મેળવ્યું. પણ પુત્ર વિયોગ તેમણે ફરી અસાધારણ હિંમત સાથે ઝીલી લીધો. તેમનો બીજો પુત્ર હન્ટર હાલ એટર્ની અને ડેમોક્રેટિક પક્ષનો ‘લોબિઇસ્ટ’ છે. 

    બાઈડેનનું જીવન એક રોચક કથા સમાન છે જે વિશ્વના સામાન્ય માનવીને ગજબની પ્રેરણા પૂરી પાડે છે. બાઇડેને ૨૦૦૮થી ૨૦૧૬ દરમ્યાન અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અમેરિકા માટે વિશ્વની રાજનીતિમાં અમેરિકાની ભૂમિકાના સંદર્ભમાં ઓબામા તેમને જ આગળ કરતા હોઈ જે નિર્ણયો લીધા હતા તે સીમાચિહ્નરૂપ છે. એક માથાફરેલ, માથાભારે જેવો શખ્સ કઈ રીતે પ્રમુખ બની શકે તેનું ઉદાહરણ ટ્રમ્પ છે અને એક પોલાદી મનોબળ ધરાવતો છોકરો કે જે એક જમાનાનો શ્રમિક પિતાનું સંતાન છે તે કઈ રીતે અમેરિકા જેવા દેશનો પ્રમુખ બની શકે તેનું ઉદાહરણ બાઈડેન છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here