- દાદીએ ફોક્સ મોબાઈલનો કેવી રીતે ઉપયોગ કરવો તેનો વીડિયો અપલોડ કર્યો છે
- યુઝર્સ તેમને વધુ વીડિયો અપલોડ કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે
85 વર્ષની ઉંમરે લોકો લક્ઝરિયસ રિટાયડ લાઈફની કામના કરતા હોય છે, પરંતુ શાંતા પિલ્લઈ જરા હટ કે અંદાજ ધરાવે છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ શાંતા પિલ્લઈએ પોતાની યુટ્યુબ ચેનલ ‘ટેકિફાઈ એટ 85’ની શરૂઆત કરી હતી. શાંતા નવું શીખવાના શોખીન છે. તેઓ કહે છે કે, હું નવી વસ્તુઓ શીખવા માગું છું. આપણી આસપાસ થનારી ઘટના વિશે અપડેટ રહેવા માગું છું. હું મારા અનુભવો અન્ય લોકો સાથે શેર કરવા માગું છું અને અન્ય લોકોને પણ ટેક્નોલોજી શીખવા માટે પ્રોત્સાહિત કરવા માગું છું.
સોશિયલ મીડિયા પર લોકો તેમની લર્નિંગ સ્કિલના વખાણ કરી રહ્યા છે. તેમણે તેમના પહેલાં વીડિયો સાથે જ લોકોના મનમાં એક જગ્યા બનાવી છે. શાંતાના વીડિયો વડીલો સાથે યુથમાં પોપ્યુલર છે. એક વીડિયોમાં તેમણે ક્રેડિટ કાર્ડ સાઈઝના મોબાઈલ ફોક્સનું અનબોક્સિંગ કર્યું. તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે અને તેને કેવી સરળતાથી હેન્ડલ કરી શકાય છે તેના વિશે વીડિયોમાં શાંતા જણાવી રહ્યા છે.
યુઝર્સ તેમને વધુમાં વધુ વીડિયો બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે શાંતાના વીડિયોને પોપ્યુલારિટી મળે. આ ઉંમરે શાંતાનો જુસ્સો યુવાનોના દાંત ખાટા કરી દે તેવો છે. યુઝર્સે તેમને ‘સ્વેગવાળી દાદી’ નામ આપ્યું છે.