ટોચનાં ગાયિકા કૌમુદી મુનશીનું નિધન, છેલ્લા થોડા સમયથી વેન્ટિલેટર પર હતાં

0
30

ગુજરાતી સુગમ સંગીતનાં ટોચના ગાયિકા અને ઉપશાસ્ત્રીય સંગીતના અગ્રીમ હરોળના સ્વરસાધિકા કૌમુદી મુનશીનો મુંબઇમાં દેહવિલય થયો હતો. મૂળ વડનગરના મુનશી પરિવારે બનારસને પોતાનું ઘર બનાવ્યું હતું. કૌમુદીબહેનનાં માતુશ્રી અનુબહેન પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઇનાં બહેન થાય. કૌમુદીબહેનને સાહિત્ય અને સંગીતનો વારસો મોસાળમાંથી મળ્યો હતો. તેમના દાદા નંદલાલ મુનશી બ્રિટિશ વાઇસરૉય લોર્ડ મિન્ટોની એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય હતા. કૌમુદીબહેન કુંવર નંદલાલ મહેતાનું છઠ્ઠું સંતાન હતાં. બાળપણથી તેમને સાહિત્ય અને સંગીતમાં ઊંડો રસ હતો.

1929માં જન્મેલાં કૌમુદી બહેને 1950માં બનારસ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.  ઉપશાસ્ત્રીય સંગીતની તાલીમ તેમણે બનારસની  વિશ્વવિખ્યાત ગાયિકા સિદ્ધેશ્વરી દેવી પાસે લીધી હતી.

છેલ્લા થોડા સમયથી કૌમુદી બહેન બીમાર હતાં અને હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર હતાં. મંગળવારે મોડી રાત્રે 1.10 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એ સાથે છેલ્લા સાત દાયકાની તેમની સ્વરયાત્રાનો અંત આવ્યો હતો. કૌમુદી બહેન ઉપશાસ્ત્રીય સંગીતમાં પૂરબ અંગની ઠુમરી, ચૈતી, દાદરા અને હોરી જેવી ગાયનશૈલીના નિપુણ હતાં. 

ગીતકાર-સંગીતકાર નીનુ મઝુમદાર સાથે લગ્ન કર્યાં બાદ કૌમુદી બહેને ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે પણ ધરખમ પ્રદાન કર્યું હતું. નીનુભાઇ સાથે સીતાયન જેવા સંખ્યાબંધ પ્રયોગો કરવા ઉપરાંત તેમણે વિવિધ કવિઓની રચનાઓને કંઠ આપ્યો હતો. 91 વર્ષની વયે પણ તેમણે રિયાઝ અને ગાયન છોડ્યાં નહોતાં. તેમની ઘણી રચનાઓ પ્રસિદ્ધ અને લોકપ્રિય હતી જેવી કે જવાહર બક્ષીની ગઝલ તારો વિયોગ આંખોમાં ડંખો ભરી દેશે…

તેમના પરિવારમાં હાલ પુત્ર ઉદય મઝુમદાર અને પુત્રીઓ સોનલ શુક્લ અને મીનળ પટેલનો સમાવેશ થાય છે. ઉદય પોતે પણ ટોચનો ગાયક-સંગીતકાર છે. એ પણ હાલ હૉસ્પિટલમાં આઇસીયુમાં સારવાર લઇ રહ્યો હોવાની જાણકારી મળી હતી. કૌમુદી બહેનના નિધનની જાણ કદાચ એને નહોતી. કૌમુદી બહેનના નિધનથી સુગમ સંગીત અને ઉપશાસ્ત્રીય સંગીતના એક ધ્રુવતારકનો અસ્ત થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here