ડેલાવરની 85 ટકા લિકર શોપ પર ગુજ્જુઓનો કબજો, ગુજરાતીઓના મતે- ‘‘બાઇડન મોદી કે ભારતવિરોધી હોવાની છાપ ખોટી, હિંદુ તહેવારમાં હાજર રહેતા’’

0
53

  • દસ લાખની વસતિ ધરાવતા ડેલાવરના વતની છે નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બાઇડન
  • ડેલાવરમાં રહેતા ભારતીઓ, તેમાંય ગુજરાતીઓ સાથે બાઇડનના ઘનિષ્ટ સંબંધો
  • ઓબામાના સમયમાં ન્યુક્લિયર સપ્લાઇ ડીલ વખતે બાઇડન ભારતની તરફેણમાં રહ્યા હતા
  • બીએપીએસના મંદિરમાં દરેક મોટા પ્રસંગે અવારનવાર હાજરી આપતા

અમેરિકામાં આજકાલ ડેલાવર સ્ટેટની બહુ ચર્ચા છે. એનું કારણ છે ભારે કટોકટી વચ્ચે ચૂંટાઈ આવેલા પ્રેસિડેન્ટ જો બાઇડન. પ્રેસિડેન્ટ બાઇડન ડેલાવર સ્ટેટના વતની છે. ડેલાવર મિડ એટલાન્ટિક ઓસનના કિનારે આવેલું અમેરિકાનું સ્મોલ વન્ડર ગણાતું સ્ટેટ છે, જેને ડાયમંડ કે ફર્સ્ટ સ્ટેટ તરીકે પણ ઓળખાય છે. આઝાદ અમેરિકા સમયે સહુ પહેલા કોલોની રચાઈ ત્યારે ફેડરલ બંધારણની શરૂઆત સૌપ્રથમ અહીંથી થઇ હતી. આશરે દસ લાખની વસતિ ધરાવતું આ રાજ્ય જેનું કેપિટલ ડોવર છે અને મોટું શહેર વિલ્મિંગટન છે.

જો બાઇડન સાથે છે ગુજરાતીઓના ઘનિષ્ટ સંબંધો
નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બાઇડન ડેલાવર સ્ટેટમાં વર્ષો સુધી સક્રિય રહેવાને કારણે અહીં રહેતા ભારતીઓ તેમાંય ગુજરાતીઓ સાથે તેમના ઘનિષ્ટ સંબંધો રહ્યા છે. છેલ્લાં 24 વર્ષથી ડેલાવરમાં રહેતા અને બિઝનેસ કરતા પલાશ ગુપ્તા પોતે કમ્યુનિટીના સંપર્કમાં અને સ્ટેટ પ્રોગ્રામમાં ઘણા સક્રિય છે. તેમની સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે કે પરદેશમાં દરેક રીતે ટકી શકવા માટે આપણે પણ કમ્યુનિટી માટે વિચારવું જોઈએ. એ માટે તેમણે સિસ્ટર સ્ટેટની યોજના વિચારી ગુજરાત અને ડેલાવર વચ્ચે એમઓયુ કરાર કરાવવા સફળ રહ્યા હતા.

મુંબઈમાં રહે છે બાઈડનના કઝિન, ન્યૂક્લિયર સપ્લાઇ ડીલમાં ભારતની તરફેણમાં હતા બાઇડન
આ ઇલેકશન સમયમાં પણ તેમણે જો બાઇડન અને ડેમોક્રેટ પાર્ટી માટે ખૂબ મહેનત કરી હતી, જેમાં ફોન બેંકિંગ એટલે કે લોકો સાથે ફોનમાં ફાયદા બતાવી સમજાવી વોટ માટે પ્રચાર કર્યા હતા. પલાશ ગુપ્તા કહે છે કે બાઈડનના કઝિન ઇન્ડિયા-મુંબઈમાં છે તો તેમની ઈચ્છા એક વખત મુંબઈ મળવાની છે. જોકે આજે હવે પ્રેસિડેન્ટ તરીકે તેઓ ત્યાં કેટલું રહી શકશે એની આપણને ખબર નથી, પરંતુ જશે જરૂર તેમ આપણે આશા રાખીએ. જોકે તેઓ જરૂર ભારતની સાથે સંબંધો જાળવી રાખશે, કારણ કે ભારતની આજે પ્રગતિશીલ દેશોમાં ગણનાપાત્ર છે એમાં કોઈ શંકા નથી. ન્યૂક્લિયર સપ્લાઈ ડીલમાં ઓબામાં સમયમાં પણ બાઇડન ભારતની તરફેણમાં હતા અને એ જ કારણે સિવિલ ન્યૂક્લિયર એગ્રીમેન્ટ પાસ કરાવ્યો હતો.

આ જ રીતે ડેલાવરમાં રહેતા પરેશ પટેલ જે પેરી પટેલ તરીકે પણ ઓળખાય છે. તેમની સાથે વાતચીત કરતાં ઘણી બાબતો જાણવા મળી હતી. તેઓ જો બાઇડનના ઘરથી એક માઈલના અંતરે રહેતા હોવાને કારણે અને છેલ્લાં 36 વરસથી તેઓ જો બાઇડન પરિવારને જાણે છે. વધારામાં પેરી પટેલ પોતે પણ સ્ટેટમાં ન્યુકેસલ કાઉન્ટીના હિસ્ટોરિક્લ બોર્ડમાં છે. ઈલેક્શનમાં વિજેતા થયા પછી બાઈડન જ્યારે ડેલાવરના ચર્ચમાં કેન્ડલ સળગાવવા આવ્યા ત્યારે તેમના પરિવાર સાથે પેરી પટેલ અને તેમનાં પત્ની રંજનબેન પણ હાજર હતાં, જે તેમના ફેમિલી રિલેશનની ઘનિષ્ટતા બતાવે છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં અમેરિકામાં ઓબામા સરકાર વખતે વોશિંગ્ટનમાં પાર્લમેન્ટના જોઇન્ટ સેશનને સંબોધન કર્યું હતું. તસવીરમાં પાછળ તત્કાલીન વાઈસ-પ્રેસિડેન્ટ જો બાઇડન (હાલ નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ) અને હાઉસ સ્પીકર પોલ રિયાન શાંતિથી પીએમ મોદીને સાંભળી રહ્યા છે.

‘જો બાઇડન ભારતવિરોધી અને મોદીવિરોધી હોવાની છાપ ખોટી છે’
પેરી પટેલ જણાવે છે, વ્હોટ્સઅપ અને બીજા સોશિયલ મીડિયામાં બતાવાતા વિડિયો અને પોસ્ટ પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સારા મિત્ર છે. સામા પક્ષે જો બાઇડન અને વાઈસ-પ્રેસિડેન્ટ કમલા હેરિસ ભારતવિરોધી અને મોદીવિરોધી છે, તેમનો ઝુકાવ ઇસ્લામ તરફ વધુ છે. આ વાતને નકારતાં તેઓ જણાવે છે, “આ તદ્દન ખોટી વાત છે. બાઈડને થોડા સમય પહેલાં જ જણાવ્યું હતું કે 2020માં ભારત સાથેના સંબંધો વધુ વિકસાવાશે અને એક રીતે વર્ષોથી ડેમોક્રેટ ભારતના પક્ષમાં વધુ રહ્યા હોવાના ઘણા દાખલાઓ છે.”

એ માટે તેમને ઘણા ડેટા વિશે વાત કરી હતી, જેમાં ઓબામાના પ્રેસિડેન્ટ સમયમાં વાઈસ-પ્રેસિડેન્ટ રહી ચૂકેલા જો બાઇડને 2014માં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું, પેરી પટેલ પણ કેમ્પેનમાં ઘણો સમય આપી વોટ બેંક એકત્ર કરી હોવાનું જણાવે છે.

ડેલાવર એશિયન અમેરિકન બિઝનેસ એસોસિયેશનના ફાઉન્ડર પ્રવીણભાઈ પટેલ અને સભ્યો સાથે જો બાઇડન.

અમેરિકામાં દરેક સ્ટેટમાં આજે ગુજરાતીઓની બોલબાલા આર્થિક રીતે પણ વધી રહી છે. ડેલાવરમાં 2000ની સાલમાં DAABA એટલે કે ડેલાવર એશિયન અમેરિકન બિઝનેસ એસોસિયેશનની રચના થઇ. જે આજે પણ ખૂબ કાર્યરત છે. સ્ટેટના નાના-મોટા બિઝનેસ ઓનર્સ દ્વારા બનાવેલા આ ગ્રુપના તે સમયે ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ પ્રવીણભાઈ પટેલ હતા, જેઓ મુખીના નામે પણ ઓળખાય છે. આ એસોસિયેશનની રચના કરવાનો મૂળ હેતુ ગુજરાતી ધંધાદારી મિત્રોને કાયદાકીય કે બીજી કોઈ મુશ્કેલીમાં મદદ કરવાનો છે. આ એસોસિયેશન આજે વીસ વર્ષમાં ઘણું પાવરફુલ બની ગયું છે. સ્ટેટમાં અને અહીંની લોબીમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે.

પ્રવીણભાઈ પટેલ સાથેની વાતચીતમાં તેઓ કહે છે, જ્યારે બાઈડન ડેલાવરમાં કાર્યરત હતા ત્યારે DAABAને પોતાનું માનતા અને કાયમી આ એસોસિયેશનના મિત્ર રહેશે એમ જણાવતા. આની સાબિતી રૂપે 2002ની એક પાર્ટી દરમિયાન એક ચેક પર ફ્રેન્ડસ ફોર એવર લખી પોતાની સહી કરી હતી, સાથે દરેક સાથે લાંબો સમય સુધી સંબંધો વિકસાવ્યા હતા. ટૂંકમાં, જો બાઇડન પોતે નિરાભિમાની વ્યક્તિત્વ ઘરાવે છે.

દરેક હિંદુ તહેવારમાં હાજર રહેતા જો બાઇડન
આમ ઘણા ગુજરાતી અને ભારતીયો સાથે તેઓ આજે પણ જોડાયેલા છે. વર્ષોથી આ જ સ્ટેટમાં રહેવાને કારણે અમે તેમને નજીકથી જાણી શક્યા છીએ. બાઇડન જ્યારે ડેલાવર સ્ટેટમાં કાઉન્સિલર અને સેનેટરની કારકિર્દી દરમિયાન આપણા બધા જ હિંદુ તહેવાર ગરબા, દિવાળી પાર્ટી જેવા દરેક કાર્યક્રમમાં જાતે હાજરી આપતા હતા. દરેકને તેઓ પ્રેમથી મળતા, બે હાથ જોડી અભિવાદન કરતા હતા. અહીં આવેલા બીએપીએસના મંદિરમાં દરેક મોટા પ્રસંગે અવારનવાર હાજરી આપતા હતા. તેમના સ્વભાવની મૃદુતાને કારણે આજે પણ અહીંની પ્રજા સાથે ગુજરાતીઓમાં તેઓ ખૂબ પ્રિય રહ્યા છે.
આ સાથે વાઈસ-પ્રેસિડેન્ટ કમલા હેરિસનાં મૂળિયાં પણ ભારત સુધી લંબાયાં છે, એ આધારે આશા રાખીએ કે જે વધુ મજબૂત બને. બાકી પ્રથમ વુમન વાઈસ-પ્રેસિડેન્ટ તરીકે તેમની કારકિર્દી પણ હાલ તેજસ્વી દેખાય છે.

ડેલાવરમાં ગુજરાતીઓની બોલબાલા, 85 ટકા લિકર શોપ ગુજરાતીઓના હાથમાં
પ્રેસિડેન્ટના આ નાનકડા રાજ્યમાં ગુજરાતીઓની ખાસ્સી બોલબાલા છે, એમાંય લિકરના ધંધામાં 85 ટકા કરતાં પણ વધારે સ્ટોર્સ ગુજરાતીઓના હાથમાં છે. અહીં લિકરની આખી લોબી પણ છે. પૂર્વમાં પેન્સિલવેનિયા અને ઉત્તરમાં ન્યૂજર્સી, પશ્ચિમ અને દક્ષિણમાં મેરીલેન્ડમાં, ત્રણ રાજ્ય સાથે જોડાયેલા સ્ટેટ આમ પણ મહત્ત્વનું છે. મોટા ભાગની રાજ્ય સરકારની કામગીરી રાજ્યમાં ડોવરસ્થિત છે. ન્યૂજર્સી, ડેલાવરને જોડતો બ્રિજ ”ડેલાવર મેમોરિયલ બ્રિજ” જાણીતો છે.

બાઇડનને પોલો રમવા અને હન્ટિંગ કરવાનો શોખ
2020ના અમેરિકાના ઈલેક્શનમાં જો બાઇડન પ્રેસિડેન્ટ ઇલેક્ટ તરીકે વિનરમાં આવ્યા છે ત્યારે તેમના ભૂતકાળનાં કાર્યો વિશે કેટલીક માહિતી જાણવી જરૂરી બને છે. તેમણે 1960માં ડેલાવરની યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કર્યો હતો. ત્યાર બાદ સિરેક્યુઝ યુનિવર્સિટીમાંથી લૉની ડિગ્રી મેળવી. 1966માં તેમનાં પ્રથમ પત્ની નીલિયા સાથે ફરી પાછા ડેલાવરનાં વિલ્મિંગટનમાં સ્થાયી થયા અને સ્થાનિક કંપનીમાં એટર્ની તરીકે કામ શરૂ કર્યું.

મધ્યમ પરિવારમાંથી આવતા બાઇડન સ્વભાવે માર્યાદિત આવકમાં જીવન પૂરું કરવામાં માનતા નહોતા. પિતાનાં શોખ અને કારકિર્દીને લઈને તેમની સાથે નાનપણથી પોલો રમવા અને હન્ટિંગ કરવાના શોખીન હતા. પિતા તેમના સાહસી ધંધામાં નિષ્ફળ ગયા અને ફરી એક વખત તેમના કુટુંબને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય ફેમિલીમાંથી આવતા હોવાથી તેમને મધ્યમવર્ગની ચિંતા વધુ છે તેવું કહી શકાય છે.

અકસ્માતમાં પહેલી પત્ની અને દીકરીનું થયું હતું મોત
1972માં 29 વર્ષની ઉંમરે જો બાઈડન સહુથી નાના સેનેટર ઉમેદવારોમાંના એક તરીકે ચૂંટાયા હતા. જોકે આ ઉજવણી બહુ ભોગવી શક્યા નહોતા. ચૂંટણીનાં થોડાં અઠવાડિયાં પછી બાઇડનની પત્ની અને દીકરીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. બે નાના દીકરાઓ બચી ગયા હતા. જોકે તેમની સંભાળ રાખવા તેમની બહેને ખૂબ મદદ કરી હતી. બાઇડને 1977માં હાલની પત્ની જીલ સાથે ફરી લગ્ન કર્યા, જે કોલેજમાં પ્રોફેસર હતાં.

તેઓ 36 વર્ષ સુધી સેનેટર રહ્યા હતા, સાથે સેનેટ ફોરેન રિલેશન કમિટીના મેમ્મ્બર પણ રહી ચૂક્યા છે. ત્યાર બાદ ઓબામાની પ્રેસિડેન્સીમાં આઠ વર્ષ વાઈસ-પ્રેસિડેન્ટ તરીકે હોદ્દો નિભાવ્યા બાદ આજે ટ્રમ્પ સામે જીત મેળવી પ્રેસિડેન્ટ ઇલેકટેડ થઈ ચૂક્યા છે. હજુ જાન્યુઆરી સુધી તેમને સત્તા પર આવવા રાહ જોવાની રહી.

કુટુંબ ભાવનામાં માને છે બાઇડન
ટૂંકમાં, તેઓ સોફ્ટ સ્પોકન એટલે કે મીઠું બોલનાર અને શાંત છે. 44 વર્ષના પોલિટિકલ કરિયરમાં તેમની લોકપ્રિયતા જળવાઈ રહી છે. આજે 77 વર્ષે પણ તેમનામાં જોશ અને તાકાત છે, જે તેમની કાર્યદક્ષતા બતાવે છે, સાથે તેમની કુટુંબ ભાવના પણ ઘ્યાનમાં લેવા જેવી છે. તેમની યુએસ સેનેટર તરીકેની લાંબી કારકિર્દી દરમિયાન લગભગ રોજ તેઓ ડેલાવરથી વોશિંગ્ટન ડીસી દોઢ કલાક રેગ્યુલર ટ્રેન દ્વારા મુસાફરી કરતા હતા, જેથી ડેલાવર વધુ રહીને કુટુંબ સાથે સમય પસાર કરી શકે.

તેમની પાસે કેટલીક મિલકતો છે, જેમાં ડેલાવરમાં બે ઘર, જેમાંનું 2019માં ગ્રીનવીલ ડેલાવરમાં જો બાઈડન અને તેમનાં પત્ની જીલ બાઈડન નવ લાખમાં નવું ઘર ખરીદ્યું. ચૂંટણીના પ્રચાર દરમિયાન કોવિડના ફેલાવાને રોકવા અને બચવા માટે તેઓ આ ઘરના બેઝમેન્ટને ઓફિસ બનાવી કાર્ય કરતા હતા. આ સમય દરમિયાન તેમને જાહેર સભાઓ અને રેલીને અવગણી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમના આ વર્તનનો પણ ઈલેકશનમાં વોટ જીતવામાં ફાળો રહ્યો છે.

હવે બાઈડનના સમયમાં બિઝનેસમાં સાહસિક લોકોને તક વધુ મળશે તેવી આશા
બસ, હવે રાહ જોવાઈ રહી છે ઈલેક્શનમાં થયેલા ગોટાળાઓના આક્ષેપોનો નિકાલ આવવાની. હાલપૂરતા હજુ શપથ લેવાયા નથી ત્યાં સુધી આપણે પણ રાહ જોવી રહી. કોવિડને કારણે થયેલા આર્થિક નુકસાન સાથે વંશીય હિંસા અને તેના પગલે થયેલા બળવાને કારણે ટ્રમ્પ સરકાર વગોવાઈ હતી છતાં ધંધાકીય દૃષ્ટિએ આ સરકારને કારણે ઈકોનોમી પણ જળવાઈ છે. બિઝનેસમાં સાહસિક લોકોને તક વધુ મળશે તેવી આશા લોકોમાં હતી, સાથે ઇસ્લામી ત્રાસવાદનો સામનો ટ્રમ્પ વધુ સરળ રીતે કરી શકશે તેવી માન્યતાઓને કારણે મોટી સંખ્યામાં ટ્રમ્પના તરફદારો હતા.

તો સામા છેડે જો બાઈડન જે પોલિટિક્સમાં જૂના જોગી છે. તેઓ અમેરિકા મેક્સિકોની સરહદ ઉપર છૂટા પડી ગયેલા પરિવારોની તરફેણમાં તેમને સહાય કરવા પર ભાર મૂકી રહ્યા હતા, વંશીય હિંસામાં ટ્રમ્પ સરકારની ઉદાસીનતા માનતા અને રેસિઝમ એટલે કે વંશીય ભેદભાવથી તદ્દન વિરોધી રહીને તેઓ મધ્યમ વર્ગ અને બ્લુ કોલર જોબ સાથે યુવાનોમાં પ્રિય રહ્યા હતા. આમ, આ વખતે એકબીજાને ટક્કર આપે તેવા ઈલેકશનમાં સફળ વિજેતા બની લોકોને સોનેરી ભવિષ્યની આશા આપી રહ્યા છે.

પગારદાર માણસોને બાઇડન પાસે ઘણી આશા
બાઇડન તેમના ચૂંટણીપ્રચારમાં કહેતા આવ્યા હતા તેમ વધુ આવક પર ટેક્સ વધારી એને જાહેર સેવાઓ માટે વાપરશે, સાથે લઘુતમ વેતનના દરમાં વધારો કરશે. આજે પણ આ પોઈન્ટ પર ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે જો આમ થશે તો જેઓ નાના ધંધાઓ કરી રહ્યા છે તેમને વધુ ટેક્સ અને પગારનો દર વધી જવાનો ભય છે. તેમને માટે આવી સ્થિતિમાં બિઝનેસ કરવો અઘરો થશે તેવી ભીતિ સતાવે છે.

સામા છેડે નોકરી કરતા પગારદાર માણસો આમ થવાની રાહ જુએ છે. તેમનું માનવું છે કે ઈકોનોમી જળવાઈ રહેશે. દરેકને સરખા હક મળશે. સમય જરૂર બતાવશે કે કોની કેટલી આશા ફળી, પરંતુ એક વાત ચોક્કસ છે કે ડેમોક્રેટ સરકાર આજસુધી લોકોના હિતમાં રહી છે તો આશા રાખીએ અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડન તેમના શાસન દરમિયાન અમેરિકાને ઉચ્ચતમ બનાવી વધુ લોકપ્રિયતા મેળવે.

ડેલાવરમાં ખરીદદારી પર નથી આપવો પડતો સેલ્સટેક્સ
અહીં ખાસ જોવાલાયક સ્થળો નથી છતાં અમેરિકામાં આ સ્ટેટ જાણીતું છે. તેનું ખાસ કારણ છે કે અહીં ખરીદદારી પર સેલટેક્સ આપવો પડતો નથી, એટલે કે ટેક્સ ફ્રી સ્ટેટ છે. અમેરિકાની મોટા ભાગની કંપનીઓ તેમના કોર્પોરેટને અહીંના એડ્રેસ પર રજિસ્ટર કરાવે છે, એ કારણે તેમને ટેક્સ ઓછો ભરવાનો રહે છે, જેને કારણે સારીએવી બચત થઇ શકે છે. પાડોશી સ્ટેટ્સ કરતાં સરખામણીમાં ડેલાવરમાં પ્રોપર્ટી ટેક્સ ઘણો ઓછો છે. આ જ કારણે અહીં રહેવા આવવાનું લોકોમાં ઘણું આકર્ષણ રહેલું છે. અંતમાં, દરેક દેશની પ્રગતિ માટે જેટલી પ્રજા જવાબદાર છે તેટલું જ જવાબદાર તેના ઉપરનું વહીવટીતંત્ર છે. આશા રાખીએ આવનારાં વર્ષો અમેરિકા માટે સોનેરી દિવસો બને. ગોડ બ્લેસ અમેરિકા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here